વોડાફોન-આઈડીયાનો 18000 કરોડનો FPO : 18મીએ ખુલશે

વોડાફોન-આઈડીયાનો 18000 કરોડનો FPO : 18મીએ ખુલશે
વોડાફોન-આઈડીયાનો 18000 કરોડનો FPO : 18મીએ ખુલશે

આર્થિક સંકટમાં મુકાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડીયાએ રૂા.18000 કરોડના ફોલો-ઓન પબ્લીક ઓફરની જાહેરાત કરી હતી. કંપની ટકી રહેવા માટે પબ્લીક પાસેથી ફંડ ઉભું કરશે. શેરદીઠ રૂા.10-11ની પ્રાઈસ બેન્ડથી એફપીઓ અંતર્ગત શેર ઈશ્યુ કરવામાં આવશે. શુક્રવારે તેના શેરનો ભાવ બીએસઈ પર રૂા.12.96 પર બંધ રહ્યો હતો.

વોડાફોન આઈડીયાએ જાહેરાત કરી હતી કે એફપીઓ 18 એપ્રિલે ખુલશે અને 22 એપ્રિલે બંધ થશે. કંપનીએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 1298 ઈકિવટી શેર માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેના ગુણાંકમાં વધુ શેર માટે અરજી કરવાની રહેશે. આ સૌથી મોટો એફપીઓ હશે. અગાઉ યસ બેન્ક 2020માં રૂા.15000 કરોડનો એફપીઓ લાવી હતી.

વોડાફોન આઈડીયાના પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપે તાજેતરમાં જ કંપનીમાં પ્રેફરન્સીયલ શેર એલોટમેન્ટ દ્વારા રૂા.2075 કરોડ ઈનફયુઝ કરવાની જાહેરાત કરી હતી. કંપની રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી જાયન્ટ કંપનીઓ સામે ટકી રહેવા સંઘર્ષ કરી રહી છે. આ ફંડીંગથી કંપની 5-જી સર્વિસ લોન્સ કરી શકશે અને તેની સાથે 4-જી સર્વિસ વધારે મજબૂત કરી શકશે અને બાકી ચૂકવવાપાત્ર દેવું ચુકવી શકશે.

વોડાફોન આઈડીયાના સબસ્ક્રાઈબર્સ દર મહિને સતત ઘટી રહ્યા છે અને બીજી તરફ તેનું દેવું વધીને રૂા.2.1 લાખ કરોડ પર પહોંચ્યું છે. કંપની ત્રિમાસિક ધોરણે ખોટ દર્શાવી રહી છે. પ્રમોટર એન્ટીટીને તાજેતરમાં રૂા.14.87ના ભાવથી પ્રેફરન્શીયલ શેર ફાળવાયા તેના કરતાં 26 ટકા ડિસ્કાઉન્ટથી કંપની એફપીઓ લાવી રહી છે. એ જ રીતે તેના શુક્રવારના બંધ ભાવ રૂા.12.96 કરતાં 15 ટકા ડિસ્કાઉન્ટથી શેર ઓફર કરવામાં આવી રહ્યા છે.