સોનુ ટોચના સ્તરેથી રૂા.2000 ગગડ્યું

સોનુ ટોચના સ્તરેથી રૂા.2000 ગગડ્યું
સોનુ ટોચના સ્તરેથી રૂા.2000 ગગડ્યું

સોના-ચાંદીમાં એકાદ સપ્તાહથી સળંગ રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ગઇરાત્રે એકાએક ભાવમાં જબરી ઉથલ પાથલ થઇ હતી. ગણતરીની કલાકોમાં જ સોનુ ટોચના લેવલથી રૂા.2000 તથા ચાંદી 3000 નીચે આવી ગઇ હતી. માર્કેટમાં વેપાર સાવ ઠપ્પ થઇ ગયાનો માહોલ સર્જાયો હતો. વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેવાના સંજોગોમાં વેપારીઓ માટે નાણાંકીય રોટેશનની સમસ્યા સર્જાવાની આશંકા છે.

વિશ્વસ્તરે સોના-ચાંદીના ભાવોમાં ગઇરાત્રે જબરદસ્ત ઉથલપાથલ થઇ હતી. રાજકોટમાં ગઇકાલે હાજર સોનાનો દસ ગ્રામનો ભાવ ઉંચામાં 76600 થઇ ગયો હતો તે પછી મોડી રાત્રે 2000 રૂપિયા નીકળી ગયો હતો. આજે 74650નો ભાવ સાંપડ્યો હતો.

વિશ્વ બજારમાં પણ સમાન હાલત થઇ હતી. આંતરરાષ્ટ્રીય સોનુ ઉંચામાં 2431 ડોલર આંબી ગયા બાદ વજન ઘટાડાથી 2345 ડોલર બંધ રહ્યું હતું. રાજકોટમાં હાજર ચાંદી આજે 84950 હતી જે ગઇકાલે 88000ના લેવલ સુધી પહોંચી ગઇ હતી. 

ઝવેરીઓના કહેવા પ્રમાણે એકાદ અઠવાડિયાથી ચાલી રહેલી તેજી અને જોરદાર વધઘટના કારણે રીટેઇલ ઘરાકી પર મોટો ફટકો પડ્યો હતો પરંતુ હવે તો માર્કેટના વ્યવહાર સ્તબ્ધ જેવા થઇ ગયા છે.

વેપારીઓનું નાણાંકીય રોટેશન અટકી પડે તેવી ભીતિ છે. કારણ કે રીટેઇલ ઘરાકી વિના ઝવેરીઓ નવી ખરીદી કરવાની સ્થિતિમાં નથી. રીટેઇલ ઘરાકી સાવ અટકી ગઇ છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારાને કારણે ગઇકાલે ભાવમાં મોટી ઉથલ-પાથલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિશ્વ સ્તરે ભોગૌલિક ટેન્શન કેવો વળાંક લે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.