બેડી ચોકડીએ બસની ટક્કરથી ટ્રક ઉંધો વળતાં કલાકો ટ્રાફિક જામ

બેડી ચોકડીએ બસની ટક્કરથી ટ્રક ઉંધો વળતાં કલાકો ટ્રાફિક જામ
બેડી ચોકડીએ બસની ટક્કરથી ટ્રક ઉંધો વળતાં કલાકો ટ્રાફિક જામ

રાજકોટ તા. ૧૩: શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીક રાત્રીના એસટી બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયા બાદ ટ્રક રોડ પર આડો થઇ જતાં રસ્‍તો બંધ થઇ ગયો હતો. બસમાં બેઠેલા ચાર પાંચ મુસાફરોને નજીવી ઇજાઓ થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સવાર સુધી રોડ પર આડો પડેલો ટ્રક હટાવી શકાયો ન હોઇ જેના લીધે માધાપર ચોકડથી બેડી ચોકડી તરફ અને બેડી માર્કેટ યાર્ડથી બેડી ચોકડી અને ગ્રીનલેન્‍ડ ચોકડીથી બેડી ચોકડી તેમજ અમદાવાદ તરફથી બેડી ચોકડી તરફ આવતાં ચારેય રસ્‍તાઓ પર હજ્‍જારો વાહનોની કતારો જામી જતાં ભારે જામ સર્જાયો હતો. કલાકો સુધી તંત્રવાહકો આડા પડેલા ટ્રકને હટાવી ન શકતાં હેરાન થયેલા વાહનચાલકોમાં ભારે દેકારો મચી ગયો હતો અને તંત્રવાહકો પર ઉકળાટ ઠાલવ્‍યો હતો. આ જામમાં ફસાઇ જવાને કારણે અનેક લોકોના ટાઇમટેબલ ખોરવાઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ વધુ માહિતી મુજબ ટ્રાફિક પોલીસની પાંચ ગાડીઓ, ઇન્‍ટરસેપ્‍ટર વેન સાથે બે પીએસઆઇ, બી-ડિવીઝન પોલીસનો સ્‍ટાફ તથા અન્‍ય પોલીસ કાફલો મોડી રાતથી ટ્રાફિક ક્‍લીયર કરાવવા કામે લાગ્‍યો હતો. જો કે સવારે સાડા દસ સુધી ટ્રકને રોડ પરથી હટાવી શકાયો ન હોઇ જેના કારણે જામ વધુ સર્જાયો હતો. સવારે ચારેય તરફના મુખ્‍ય માર્ગો પરથી વાહનોની આવ-જા વધી ગઇ હોઇ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના રસ્‍તે અને બેડી યાર્ડથી બેડી ચોકડી સુધી સોૈથી વધુ ટ્રાફિક જામ થઇ ગયો હતો. અન્‍ય રસ્‍તાઓ પર પણ વાહનો ફસાઇ જતાં ચાલકોમાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ બી. આર. પરમાર, પીએઅસાઇ ચારણ તેમજ બી-ડિવીઝનનો સ્‍ટાફ, પીસીઆર વાન, એન્‍ટરસેપ્‍ટરનો સ્‍ટાફ તથા અન્‍ય ચાર પીએસઆઇ સહિતનો કાફલો પહોંચ્‍યો હતો.

પીએસઆઇ પરમારના જણાવ્‍યા મુજબ એસટી બસ રાતે રાજકોટથી મોરબી તરફ જઇ રહી હતી. જ્‍યારે ટ્રક મોરબી તરફથી ચોટીલા તરફ જતો હતો. ટ્રક ચાલકે ટર્ન લેતાં બસ આ ટ્રકની વચ્‍ચેની સાઇડમાં એટલે કે પડખામાં ધડાકાભેર અથડાતાં ટ્રક રોડની વચ્‍ચોવચ્‍ચ ઉંધો પડી ગયો હતો. આ ટ્રકને હટાવવા સવારે ક્રેઇન બોલાવવી પડી હતી. બસ ટ્રક સાથે અથડાઇ એ કારણે અમુક મુસાફરને નજીવી ઇજા થઇ હતી. સવારે સાડા દસે પણ ટ્રાફિક હટાવવાની કામગીરી ચાલુ હતી. અનેક વાહનચાલકો આ જામમાં ફસાઇ ગયા હતાં.

બેડી ચોકડીના તમામ રસ્‍તાઓ પર હજ્‍જારો વાહનો જામમાં ફસાઇ જતાં અખબારી કચેરીઓ અને પોલીસ કન્‍ટ્રોલ રૂમ ખાતે ફસાયેલા વાહનચાલકોના ફોનનો મારો ચાલુ થઇ ગયો હતો. રાતે ઉંધો વળેલો ટ્રક સવારના સાડા દસ સુધી હટાવી ન શકાયો હોઇ તેના કારણે અનેક વાહનચાલકોને હેરાન થવું પડયું હોઇ તંત્રવાહકોની બેદરકારી સામે ઉકળાટ ઠાલવ્‍યો હતો. ઘટના સ્‍થળેથી ગવરીદળના જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે ટ્રકને હટાવવા માટે ૨૫થી વધુનો પોલીસ સ્‍ટાફ કામે લાગ્‍યો હતો. તોતીંગ ટ્રકને હટાવવા પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી અને કલાકો બાદ ટ્રાફિક પુર્વવત થયો હતો. બેડી ચોકડીના તમામ રસ્‍તાઓ પર લાંબા જામના દ્રશ્‍યો સર્જાયા હતાં.