ધો.૧૦ પછી વિદ્યાર્થીઓએ પોતાના રસ અને રૂચિ મુજબ વિદ્યાશાખાની પસંદગી કરવી જોઇએ

ધો.૧૦ પછી વિદ્યાર્થીઓએ પોતાના રસ અને રૂચિ મુજબ વિદ્યાશાખાની પસંદગી કરવી જોઇએ
ધો.૧૦ પછી વિદ્યાર્થીઓએ પોતાના રસ અને રૂચિ મુજબ વિદ્યાશાખાની પસંદગી કરવી જોઇએ

કારકિર્દીની પસંદગી પર જ ભાવિ જીવનની સદ્ધારતાનો આધાર રહેલો છે. તમે કઈ દિશામાં જવા માંગો છો એ દિશામાં જવા માટે કઈ લાયકાત જરૂરી છે. પસંદગીના વ્‍યવસાયમાં જવાથી ભવિષ્‍યમાં આગળ વધવા માટેની કોઈ શક્‍યતા છે કે કેમ, નોકરીની સલામતી અને કામની દુનિયામાં ક્‍યાં જોખમો રહેલા છે તે જાણ્‍યા વિના ગમે તે વ્‍યવસાયમાં જોડાઈએ તો અનુકૂલનના પ્રશ્નો ઊભા થવાની શક્‍યતા રહેલી છે.

ધોરણ ૧ થી ૧૦ સુધીની અભ્‍યાસની સફર તો સીધે રસ્‍તે સડસડાટ પસાર થઈ જાય છે. પરંતુ ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ કરવા માટેના અનેક વિકલ્‍પો ઉપલબ્‍ધ બને છે. વિદ્યાર્થીએ દસમાં ધોરણ પછી ઉપલબ્‍ધ અનેક વિદ્યાશાખાઓમાંથી પોતાનો રસ, રુચિ અને ઈચ્‍છાઓ અનુસાર યોગ્‍ય અભ્‍યાસની પસંદગી કરવાની હોય છે અને તેથી જ ધોરણ દસને કારકિર્દી ઘડતર માટેનું પ્રથમ પગથિયું કહીએ તો જરાય ખોટું નથી. ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસનાં ઉપલબ્‍ધ વિકલ્‍પો પૈકી  કયો વિકલ્‍પ શ્રેષ્ઠ રહેશે. તે અંગેનો નિર્ણય લેવા માટે વિદ્યાર્થીઓ તો ઠીક ખુદ વાલીઓ પણ માથું ખંજવાળવા લાગે છે.

વિદ્યાર્થીએ દેખા-દેખીથી કે મિત્રો જે પસંદગી કરે તેની પર જ પસંદગી કરવી જરૂરી નથી, પરંતુ પોતાની રુચિ, લાયકાત અને આવડત મુજબ આગળનાં અભ્‍યાસક્રમોની પસંદગી કરવી જોઈએ. જેથી સફળતા મળવાની શક્‍યતાઓ ઘણી વધી જશે. યોગ્‍ય માર્ગદર્શન મળશે તો જ વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડી શકશે.

ઉચ્‍ચત્તર માધ્‍યમિક કક્ષાએ ઉત્તિર્ણ થયા બાદ જીવનનો નિર્ણાયક તબક્કો શરૂ થાય છે અને તે સમયે તમારું મન વિચારોનાં વમળમાં અટવાતું તમે અનુભવશો. તેમજ અનેક પ્રશ્નો તમારા મનને મૂંઝવતા હશે. જેવા કે કયાં રાજયમાં કે રાજય બહાર પ્રવેશ મેળવવો ? કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો ? ક્‍યાં કોર્સમાં પ્રવેશ મેળવવો ? કોર્સ પૂરો કર્યા બાદ તેની ડિમાન્‍ડ કેટલી હશે ? કયાં કોર્સમાં સોનેરી ભવિષ્‍યનાં સપના જોઈ શકાય છે ? વગેરે વગેરે…

હવે આપ કોલેજ કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ, વ્‍યાવસાયિક અભ્‍યાસક્રમનાં ક્ષેત્રે અથવા નોકરીનાં ક્ષેત્રે આમ, એક નવા ક્ષેત્રમાં કદમ માંડી રહ્યા છો. આ સમયે ભવિષ્‍યને લગતી તમામ મૂંઝવણો, ચિંતાઓ અને ભયને દૂર કરી એક ચોક્કસ ધ્‍યેય તરફ મજબૂત મનથી આગળ વધો.

સ્‍પર્ધા, માનસિક દબાણ તથા બેરોજગારીની વિકટ સ્‍થિતિનાં આ યુગમાં કે જયારે માનવ મૂલ્‍યોનું ધોવાણ થઈ રહ્યું હોય ત્‍યારે કેમ પોતાની જાતને બચાવવી,  સુયોગ્‍ય ક્ષેત્રમાં આજીવિકાનાં હેતુથી ગોઠવાવું તે પ્રત્‍યેક વિદ્યાર્થી માટે અનિવાર્ય બન્‍યુ છે ત્‍યારે આપણી પાસે જરૂરી અભ્‍યાસક્રમો અંગેની જાણકારી હોવી અત્‍યંત આવશ્‍યક છે.

ધોરણ ૧૦ પછી શું કરવું ? આ પ્રશ્નનાં જવાબમાં ઘણા વિકલ્‍પો છે. બધા વિકલ્‍પોને જાણી સમજી તેની વિસ્‍તૃત જાણકારી મેળવી વિવિધ વિકલ્‍પોની ભવિષ્‍યનાં સંદર્ભમાં તુલના કરી તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી અને પોતાનાં સંદર્ભમાં ક્ષમતા પ્રમાણે પસંદ-નાપસંદગીની સ્‍પષ્ટતા ઊભી કરી સ્‍વયં નિર્ણય કરવો અતિ આવશ્‍યક છે.

ધોરણ ૧૦ પછી મુખ્‍ય વિકલ્‍પોમાં ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ, ડિપ્‍લોમા અભ્‍યાસક્રમ, આઈ.ટી.આઈ. અભ્‍યાસક્રમ, કૃષિ વિષયક અભ્‍યાસક્રમ, સંરક્ષણ દળ ક્ષેત્રે અભ્‍યાસ વગેરે અન્‍ય અભ્‍યાસક્રમ દ્વારા કારકિર્દીમાં ઉજ્જવળ તકો પ્રાપ્ત કરી શકાય છે.

કારિયા જાગૃતિ જયંતિલાલ

ગ્રંથપાલશ્રી

ડો.વી.આર.જી.બી.એડ. કોલેજ, પોરબંદર