માત્ર 15.3 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સએ 197 રન ચેઝ કર્યા : કેપ્ટન પંડ્યાએ સિક્સ સાથે જીત અપાવી; IPL-2024માં બેંગલુરુની પાંચમી હાર

કેપ્ટન પંડ્યાએ સિક્સ સાથે જીત અપાવી; IPL-2024માં બેંગલુરુની પાંચમી હાર
કેપ્ટન પંડ્યાએ સિક્સ સાથે જીત અપાવી; IPL-2024માં બેંગલુરુની પાંચમી હાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે સતત 3 પરાજય બાદ બીજી મેચ જીતી હતી. ટીમે RCB સામે 197 રનનો મોટો ટાર્ગેટ માત્ર 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે 17 અને ઈશાન કિશને 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી.

આ સિઝનમાં RCBની આ પાંચમી હાર છે, ટીમ સતત ચોથી મેચ હારી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. મુંબઈએ 197 રનનો ટાર્ગેટ માત્ર 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. 

બુમરાહને એક ઓવરમાં બે વિકેટ મળી : 
17મી ઓવર નાખવા આવેલા જસપ્રીત બુમરાહે બેક ટુ બેક વિકેટ લીધી હતી. તેણે ઓવરના ચોથા બોલ પર ફાફ ડુ પ્લેસિસ (61 રન) અને પાંચમા બોલ પર મહિપાલ લોમરોર (0 રન)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

વર્તમાન સિઝનમાં સૂર્યાની પ્રથમ ફિફ્ટી : 
સૂર્યકુમાર યાદવે 13મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 17 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેણે ટોપલીની ઓવરમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

RCB 9મા સ્થાન પર છે : 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6 માંથી 5 મેચ હાર્યું છે. બેંગલુરુ સતત ચાર મેચ હારી છે. RCB ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. મુંબઈની ટીમ હવે 2 મેચ જીતીને 7મા સ્થાને પહોંચી ગઈ છે.

આરસીબીના બેટ્સમેનોની મહેનત વ્યર્થ ગઈ : 
આરસીબીના બેટ્સમેનોએ પણ વાનખેડેમાં સારી બેટિંગ કરી હતી. ડુપ્લેસિસે 40 બોલમાં 61 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 26 બોલમાં 50 રન ઉમેર્યા હતા. અંતમાં દિનેશ કાર્તિકે 23 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. આરસીબીના બેટ્સમેનોએ કુલ 11 સિક્સર ફટકારી હતી. જોકે, RCBના બોલરોએ ફરી એકવાર નિરાશ કર્યો અને ટીમ સતત ચોથી મેચ હારી ગઈ.

મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ 72 રન બનાવ્યા હતા અને ઈશાન કિશન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ઇશાન કિશને RCBના દરેક બોલરને નિશાન બનાવ્યો હતો. આ ખેલાડીએ 34 બોલમાં 69 રન બનાવ્યા હતા. રોહિતે પણ ઈશાનને સપોર્ટ કર્યો હતો. રોહિત શર્માએ 24 બોલમાં 3 સિક્સ અને 3 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા.

સૂર્યા ઈઝ બેક :
સૂર્યકુમાર યાદવે ક્રીઝ પર તોફાન સર્જ્યું હતું. આ ખેલાડીએ 17 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે તેની IPL કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી છે. હાર્દિક પંડ્યાએ પણ 3 છગ્ગાના આધારે અણનમ 21 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કુલ 15 સિક્સર ફટકારવામાં આવી હતી. તમે કલ્પના કરી શકો છો કે આરસીબીના બોલરોએ કેટલું ખરાબ પ્રદર્શન કર્યું છે