મોરબી રોડ-ગ્રીનલેન્ડ ચોક સૌથી વધુ ગરમ : પારો 42 ડિગ્રી નજીક

 મોરબી રોડ-ગ્રીનલેન્ડ ચોક સૌથી વધુ ગરમ : પારો 42 ડિગ્રી નજીક
 મોરબી રોડ-ગ્રીનલેન્ડ ચોક સૌથી વધુ ગરમ : પારો 42 ડિગ્રી નજીક

રાજકોટ શહેરમાં ઉનાળાના હિટવેવની અસર દેખાવા લાગી છે. આજે આકાશમાં થોડા વાદળા દેખાયા હતા પરંતુ ચાલુ સપ્તાહમાં રાજકોટ મહાનગર પૂરા રાજયમાં સૌથી ગરમ શહેર બન્યું છે. ગઇકાલે પણ રાજકોટમાં 41.7 ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. તો શહેરના જુદા જુદા ચોક અને વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશને મુકેલા હવામાન માપક સેન્સરમાં 42 ડિગ્રી નજીક પારો દેખાતો હતો. 

આશ્ચર્ય વચ્ચે અમુક ચોકના તાપમાનમાં 9 ડિગ્રીનો તફાવત દેખાયો છે. ઢેબર રોડ સેન્ટ્રલ ઝોન મનપા કચેરી ખાતે  3ર અને ગ્રીનલેન્ડ તથા મોરબી રોડ વિસ્તારમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયાનું આ આંકડા કહી રહ્યા છે. આથી ઢેબર રોડ જેવા બે ત્રણ ચોકમાં સેન્સરમાં કોઇ ક્ષતિ નથી ને તેવો પ્રશ્ન ફરી ઉઠયો છે. 

મહાપાલિકાના પર્યાવરણ રીપોર્ટ પર નજર કરીએ તો ગઇકાલે ગ્રીનલેન્ડ અને મોરબી રોડ પર સૌથી વધુ તડકાનો અનુભવ થયો હતો. તો મનપા ઢેબર રોડ કચેરી રોડ પર સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. વિસ્તારના આંકડા જોવામાં આવે તો ગ્રીન લેન્ડ ચોકડી અને મોરબી રોડ પર મુકવામાં આવેલા સેન્સરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. 

આ સિવાય આજી ડેમ ચોકડીએ 39.26, અટીકા ચોકમાં 39.3, જિલ્લા પંચાયત ચોકમાં 36.05, કોઠારીયામાં 39.26, પ્રદ્યુમન પાર્કમાં 39.27, રેસકોર્સમાં 36.23, મનપા સેન્ટ્રલ ઝોન કચેરીમાં 32.85, કોર્પો. ઇસ્ટ ઝોન કચેરી (ભાવનગર રોડ) પાસે 40.35, સોરઠીયાવાડીમાં 33.33 અને ત્રિકોણબાગે બપોરે 4.25 કલાકે 32.99 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. ગ્રીનલેન્ડ અને મોરબી રોડના પ્રમાણમાં ઢેબર રોડ મનપા કચેરી પાસે 9 ડિગ્રી જેટલું ઓછું તાપમાન હતું! 

નવાઇની વાત એ પણ છે કે, કોર્પો. સેન્ટ્રલ ઝોન કચેરી (ઢેબર રોડ) કરતા પ્રદ્યુમન પાર્ક (39) અને રેસકોર્સ (36) વિસ્તારમાં તાપમાન ઉંચુ હતું. જોકે મનપાના સેન્સરના આંકડા ઘણી વખત અભ્યાસ માંગતા હોય છે. અમુક વિસ્તારમાં સેન્સર ચાલુ બંધ હોય છે. તેવામાં હજુ આગામી દિવસોમાં ગરમી વધે તેમ તાપમાનના આંકડા વધુ ગરમ થાય તેવું લાગી રહ્યું છે. 

મુખ્ય વિસ્તારનું તાપમાન

વિસ્તાર..ડિગ્રી

આજી ડેમ..39.26

અટીકા…39.3

ગ્રીન લેન્ડ…41.72

જિલ્લા પંચાયત..36.05

કોઠારીયા…39.26

મોરબી રોડ…41.7

પ્રદ્યુમન પાર્ક…39.27

રેસકોર્સ…36.23

કોર્પો. સેન્ટ્રલ ઝોન…32.85

કોર્પો. ઇસ્ટ ઝોન..40.35

સોરઠીયાવાડી…33.33

ત્રિકોણ બાગ…32.99