રાજ્‍યમાં નંબર પ્‍લેટ વગર વાહનોનું વેચાણ થતાં ૨,૫૦૦ ડીલરોને ત્‍યાં તપાસના આદેશ

રાજ્‍યમાં નંબર પ્‍લેટ વગર વાહનોનું વેચાણ થતાં ૨,૫૦૦ ડીલરોને ત્‍યાં તપાસના આદેશ
રાજ્‍યમાં નંબર પ્‍લેટ વગર વાહનોનું વેચાણ થતાં ૨,૫૦૦ ડીલરોને ત્‍યાં તપાસના આદેશ

રાજ્‍યના વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા નવા વાહનની રજિસ્‍ટ્રેશનની ઓનલાઇન કામગીરી આરટીઓના બદલે વાહન ડીલરોને સોંપાઇ છે. કામગીરી સોંપાયા બાદ વાહન ડીલોરો ગ્રાહકો સાથે મનફાવે તે રીતે વર્તન કરીને નાણા ખંખેરાતા હોવાની અને ઘણા વાહન ડીલરો નંબર પ્‍લેટ વગર નવા વાહનનું વેચાણ કરતા હોવાની ઉચ્‍ચ કક્ષાએ ફરિયાદો થઇ હતી. જેના પગલે રાજ્‍યમાં નંબરપ્‍લેટ વગર નવા વાહનનું વેચાણ કરનાર વાહન ડીલરોને ત્‍યાં તપાસના આદેશ અપાયા છે. રાજ્‍યમાં નાના-મોટા મળી ૨૫૦૦ થી વધુ વાહન ડીલરો છે. પૂર્વ અધિકારીઓએ કહ્યુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે. તહેવારમાં ફરિયાદો થઇ હતી અને હવે તપાસ સોંપાઇ છે.

અમદાવાદના ૩૭૫ સહિત રાજ્‍યના ૨૫૦૦થી વધુ વાહન ડીલરોને ત્‍યાં આરટીઓ ઇન્‍સ્‍પેકટરો તપાસ માટે જશે. આ માટે સ્‍થાનિક આરટીઓને સુચના અપાઇ છે. જેના પગલે આરટીઓએ અલગ અલગ ટીમો બનાવી તપાસ સોંપી છે. તપાસ દરમિયાન નંબરપ્‍લેટ વગર નવા વાહનો વેચાયા છે કે નહીં ? તેના રેકર્ડની તપાસ થશે. વાહન રજિસ્‍ટ્રેશન અને નંબર પ્‍લેટ લગાવ્‍યાની તારીખો ચકાસવામાં આવશે. જો રેકર્ડમાં જોવા નહીં મળે તો શો-રૂમના સીસીટીવી રાખ્‍યા હશે તે ચેક કરાશે. બીજી બાજુ કેટલાક ડીલરો દ્વારા નવા વાહનના રજિસ્‍ટ્રેશનનો આડેધડ ચાર્જ વસૂલાય છે. મધ્‍યમ વર્ગના લોકોને આવા ચાર્જ ખબર નહીં હોવાનો કેટલાક ડીલરો ફાયદો ઉઠાવે છે. કાર, ટ્રેકટર, ટ્રક કે બસ જેવા વાહનો ખરીદનાર ચાર્જ જોઇને ભડકે છે. આથી તપાસમાં રજિસ્‍ટ્રેશનના ચાર્જ સહિતની વિગતોને આવરી લેવાશે. (૨૨.૪)

વાહન ડીલરને સસ્‍પેન્‍ડ કરવાની દરખાસ્‍ત પેન્‍ડિંગ

વાહન રજિસ્‍ટ્રેશનમાં ભૂલ કરનાર ડીલરો વિરૂધ્‍ધ અમદાવાદની ચાર સહિત અલગ આરટીઓમાંથી ૬ મળી અંદાજે ૧૦ દરખાસ્‍ત વાહન વ્‍યવહાર કમિશનર કચેરી સમક્ષ કરાઇ છે. પરંતુ હજી સુધી એક પણ દરખાસ્‍તમાં નિર્ણણ જ કરાયો નથી. એટલુ જ નહીં વાહન વ્‍યવહાર કચેરીએ પણ રજિસ્‍ટ્રેશનમાં ખોટુ કરનાર ૨૫ અને વિવિધ આરટીઓ કચેરી તરફથી વારંવાર મળી અંદાજે ૧૨ હજારથી વધુ નોટિસો વાહન ડીલરોને અપાઇ છે. પરંતુ આમા પણ કોઇ કાર્યવાહી થઇ નથી. નોટિસનો ખેલ કરીને કેટલાક માનીતા ડીલરોને બચાવી રહ્યા હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે.