હત્યાના પ્રયાસ અને દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા ઝડપાયો

હત્યાના પ્રયાસ અને દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા ઝડપાયો
હત્યાના પ્રયાસ અને દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા ઝડપાયો

ભાવનગર હાઈવે પર નવા રિંગરોડ પર માંડાડુંગરમાં રહેતાં સાળા-બનેવી પર સ્કોર્પિયો કારમાં ઘસી ધોકાથી ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી કારમાં તોડફોડ કરનાર અને બી. ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણાને એલસીબી ઝોન-1 ની ટીમે દબોચી લીધો હતો.

બનાવ અંગે માંડાડુંગરમાં સદગુરૂ સોસાયટીમાં રહેતાં અશોકભાઈ ભગાભાઈ ચૌહાણ (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રતીક દિલીપ ચંદારાણા (રહે. સદગુરૂ સોસાયટી) અને બે અજાણ્યાં શખ્સના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવિંગ કામ કરે છે. તેઓની સોસાયટીમાં એક મહિલા રહે છે, જેના મકાનમાં કોઈ પણ ખરાબ ધંધો કરાવતી હોય અને માણસોની ખુબ અવર જવર રહેતી હોય જેથી સોસાયટી વાળા સાથે મળી પોલિસ સ્ટેશનમા અરજી આપેલી હતી.

જેનો ખાર રાખી તે મહિલાના ઓળખીતા પ્રતીક ચંદારાણા અરજી પાછી ખેંચી લેવા માટે અમોને દબાણ કરતો હતો.

ગઈ તા.09 ના રાત્રીના અગિયારેક વાગ્યની આસપાસ તેમના બનેવી નરેશભાઈ ભાલિયા, બહેન, ભાણેજ અને પત્ની સાથે બોલેરો ગાડીમાં બેસી ચોટીલાના ચિલડા ગામ જવા નિકળેલ ત્યારે  ભાવનગર હાઇવે પર નવા રિંગ રોડ પહેલા મોમાઇ હોટલ સામે પહોંચતા તેઓની બોલેરો આગળ જઈ રહેલા તેમના બનેવીની બોલેરો આગળ એક કાળા કલરની કાર ઘસી આવી અને તેમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતરેલ અને તેમાંથી એક શખ્સે તેના હાથમા રહેલ બેઝ બોલના ધોકા વડે યુવાનના બનેવીની બોલેરો ગાડીના આગળના કાચમા ઘા ઝીંક્યા હતાં.

તેમજ તેઓની ગાડીમાં પણ નુકશાન કરેલ અને તેમાંથી એક અગાઉ તેમની સોસાયટીમાં રહેતો પ્રતીક ચંદારાણા હતો. આરોપીએ યુવાનના બનેવીને તેની બોલેરો ગાડીમાંથી નીચે ઉતારી અને તેની સાથેના બે અજાણ્યાં શખ્સે ગાળો આપી  પ્રતિકે કહેલ કે, તમો બધા સોસાયટી વાળા ભુરીબેન વિરૂદ્ધ અરજીઓ કરો છો તેમ કહી તેઓના બનેવીને જાનથી મારી નાખવાના ઇરાદે  ધોકાથી માથામાં હુમલો કરી  ફટકારવા લાગ્યો હતો. દરમિયાન યુવાન તેના બનેવીને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપી કારમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીના બનેવીને લોહીલુહાણ હાલતમાં સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે આરોપી પ્રતીક ચંદારાણા સામે આજીડેમ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

તેમજ 31 ડિસેમ્બરની રાતે એલસીબી ઝોન-1 ની ટીમે કુખ્યાત બુટલેગર દિલીપ ચંદારાણાના ઘરે દરોડો પાડી એક લાખ રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો. જે બનાવમાં બી. ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ દિલીપ ચંદારાણા ધરપકડ કરી તેને પાસામાં વડોદરા જેલ હવાલે કર્યો હતો. જ્યારે પ્રતીક ચંદારાણા ફરાર હતો.

દરમિયાન એલસીબી ઝોન-1 ના પીએસઆઈ બી.વી.બોરીસાગર ટીમ સાથે ફરાર આરોપીને પકડવા તપાસમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પ્રતીક દિલીપ ચંદારાણા (રહે. ભગીરથ સોસાયટી શેરી નં.7, સંતકબીર રોડ) ને કાલાવડથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા વિરૂદ્ધ અગાઉ દારૂના 10 ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે.