ઘંટેશ્વર 25 વારીયામાં ભંગારના ધંધાર્થીના મકાનમાંથી સગા સાઢુભાઈએ જ ચોરી કરી ’તી

ઘંટેશ્વર 25 વારીયામાં ભંગારના ધંધાર્થીના મકાનમાંથી સગા સાઢુભાઈએ જ ચોરી કરી ’તી
ઘંટેશ્વર 25 વારીયામાં ભંગારના ધંધાર્થીના મકાનમાંથી સગા સાઢુભાઈએ જ ચોરી કરી ’તી

ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં ભંગારના ધંધાર્થીના મકાનમાં બે દિવસ પહેલાં પુત્રીની માનતા માટે રાખેલા રોકડ અને દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી માધાપર ચોકડી પાસેથી ભોગ બનાનારના સગા સાઢુભાઈને પકડી તમામ રૂ.39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા ચિથરીયાપીરની દરગાહ પાસે રહેતાં કિશનભાઈ જેરામભાઈ જીજીંજવાડીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભંગારની ફેરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમની પત્ની આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમા જુના ભંગાર વેચવાનુ કામ કરે છે. તેમના મકાનના મેઈન દરવાજો તુટેલો છે જેથી ઘરમા કોઈ લોક કરવાની સુવિધા નથી અને ઘરના દરવાજાનો ઉપરનો ભાગ તુટેલો છે જેથી ત્યાં કાપડનો પડદો આડો રાખે છે.

તેઓએ તેમની નાની દિકરીની માનતા બેચરાજી (વિરમગામ) ખાતે રાખેલ હતી જેથી માનતા પુરી કરવા માટે રુપિયાની જરુર હતી જેથી દંપતી ઘરની બાજુમા રહેતા સાઢુભાઈ આકાશભાઈ કિશનભાઈ વણોદીયા પાસેથી ગઈ તા. 06/04 ના રાત્રીના રૂ. 20 હજાર રોકડા હાથ ઉછીના લીધેલા બાદ બંન્ને  ઘરે આવેલા અને રુપિયા ઘરના કબાટની તિજોરીમાં રાખેલ હતાં.

ગઈકાલે દંપતી સવારના આઠેક વાગ્યે કામે નિકળી ગયેલ બાદ તેઓ બપોરના એકાદ વાગ્યે ભંગારની ફેરી કરી ઘરે પરત આવેલો ત્યારે ઘરે બધુ વ્યવસ્થિત હતુ. બાદમાં ફરી તેઓ આજીડેમ ચોકડી ખાતે રવિવારી બજારમા ગયેલો ત્યારબાદ સાંજના સાતેક વાગ્યે અમારા ઘરે પરત આવી અને જોયુ તો ઘરમા કબાટનો કાચ તુટેલો હતો અને લોક પણ તુટેલો હતો જેથી કબાટ ચેક કરતા તિજોરીનો પણ લોક તુટેલો હતો. જેમાં રાખેલાં સોના, ચાંદીના ઘરેણા તથા રોકડ રૂ.20 હજાર મળી કુલ રૂ.39 હજારના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરી અને બી.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એન.વી.હરિયાણી ટીમ સાથે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ કરી રહી હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર, શક્તિસિંહ ગોહિલ, રોહિત કાછોટ, કુલદીપસિંહ રાણા અને રોહિતદાન ગઢવીને મળેલ  ચોક્કસ બાતમીના આધારે ચોરીના બનાવનો ભેદ ઉકેલી માધાપર ચોકડીથી આગળ જામનગર રોડ પરથી આકાશ કિશન વણોદીયા (ઉ.વ.30),(રહે. ઘંટેશ્વર 25 વારીયા ચિથરીયાપીરની દરગાહ પાસે) ને દબોચી ચોરીનો તમામ રૂ.39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં તે ફરિયાદીનો સગો સાઢુભાઈ થાય છે. તેમજ ચોરી પહેલાં જ આરોપીએ તેના સાઢુભાઈને રૂ.20 હજાર ઉછીના આપ્યા હતાં અને તે જ રૂપિયા સહિત અન્ય મુદ્દામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.