સેન્સેકસ 2029 સુધીમાં 1,50,000ના સ્તરને આંબી જશે

સેન્સેકસ 2029 સુધીમાં 1,50,000ના સ્તરને આંબી જશે
સેન્સેકસ 2029 સુધીમાં 1,50,000ના સ્તરને આંબી જશે

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીના દૌરમાં છે. દેશમાં રાજકીય સ્થિરતા અને ટનાટન અર્થતંત્રને ધ્યાને લેતા આવનારા વર્ષોમાં તેજી વધુ પ્રચંડ બની શકે તેવો આશાવાદ વ્યકત થઇ રહ્યો છે ત્યારે જાણીતા બ્રોકીંગ હાઉસ મોતીલાલ ઓસ્વાલના ચેરમેન રામદેવ અગ્રવાલે એવો અભિપ્રાય દર્શાવ્યો છે કે 2029 સુધીમાં શેરબજારનો સેન્સેકસ  150000ને આંબી જશે. 

તેઓએ એક રીપોર્ટમાં જણાવ્યું છે કે, 45 વર્ષ પૂર્વે સેન્સેકસ માત્ર 100 હતો અને અત્યારે 75000ના સ્તરે પહોંચ્યો છે. વાર્ષિક ધોરણે 15.85 ટકાની આકર્ષક વૃધ્ધિદર સૂચવી રહ્યો છે. ભારતીય અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી સ્વતંત્ર કાળના 60 વર્ષ બાદ ભારતીય જીડીપી 1 ટ્રીલીયન ડોલર પર પહોંચ્યું હતું અને ત્યારબાદ માત્ર 7 વર્ષમાં 2 અને 3 ટ્રીલીયન ડોલરના સ્તરે પહોંચ્યું હતું. 4 ટ્રીલીયન ડોલરે પહોંચતા માત્ર 3 વર્ષ થયા છે.

ભારત હવે વિશ્વનું પાંચમા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની ગયું છે અને ટુંકાગાળામાં ત્રીજા નંબરનું સ્થાન હાંસલ કરી શકે તેમ છે. ભારતમાં વિદેશી હુંડીયામણ 650 અબજ ડોલરે પહોંચ્યું છે. અર્થતંત્રને રાજકીય સ્થિરતાના જોરે છેલ્લા કેટલાક વર્ષોથી જોરદાર તેજી થઇ રહી છે. સેન્સેકસને 37500થી 75000 સુધી પહોંચવામાં માત્ર પાંચ વર્ષ લાગ્યા હતા.

ભારતીય  કોર્પોરેટ જગતનું પરફોર્મન્સ પણ અફલાતુન થયું છે અને નફા માર્જીન 17 ટકાના દરે વધી રહ્યો છે. આવતા વર્ષોમાં પણ 15 ટકાનો વૃધ્ધિદર જારી રહી શકે છે. સેન્સેકસ પણ 15 ટકાના વૃધ્ધિદરે વધતો રહેવાના સંજોગોમાં દર પાંચ વર્ષે ડબલ થઇ શકે છે અને આ સંજોગોમાં સેન્સેકસ 2029 સુધીમાં 150000ને આંબી શકે છે. 

તેમના કહેવા પ્રમાણે રીટેલ ઇન્વેસ્ટરોની સંખ્યામાં ખુબ મોટો વધારો થઇ રહ્યો છે. દર મહિને 30 લાખ નવા ડીમેટ ખાતા ખુલ્લી રહ્યા છે. માર્ચ-2020માં 4 કરોડ ડીમેટ ખાતા હતા તે હવે 15 કરોડે પહોંચ્યા છે. મ્યુચ્યુઅલ ફંડોની એસઆઇપી પાંચ વર્ષ પૂર્વે 8000 કરોડ હતી તે હવે વધીને 19000 કરોડ થઇ છે.

રીટેલ ઇન્વેસ્ટરોના કારણે સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાયમરી માર્કેટ પણ ધુમધકાડાભેર વધી રહ્યું છે. જેના કારણે કોર્પોરેટ ક્ષેત્રનો વિકાસ અસામાન્ય રીતે વૃધ્ધિ પામી રહ્યો છે. શેરબજારના કારણે લોકોની આવક વધતા ડિમાન્ડ સપ્લાયને પણ ઘણો લાભ મળી રહ્યો છે અને તેની અસરે જીડીપી ગ્રોથમાં વૃધ્ધિદર વધુ વધવાની શકયતા છે.

આ સિવાય ટેકનોલોજી અને ડિજીટલાઇઝેશનનું મોટુ યોગદાન છે. તેમણે એવી સલાહ આપી છે કે આવનારા વર્ષોમાં આવક વધારવા માટે શેરબજારમાં રોકાણ જાળવી રાખવું જોઇએ.

મોદી શાસનના 10 વર્ષમાં સેન્સેકસ 25,000વાળો 75,000
આવનારા વર્ષો પણ ભરપુર તેજીના બની રહેવાના આશાવાદથી કરોડોનું રોકાણ ઠલવાય છે
મુંબઇ, તા. 10
શેરબજારમાં કેટલાક મહિનાઓથી વન-વે તેજીમાં જ રહ્યું છે અને સેન્સેકસ નવો નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. મહત્વની વાત એ છે કે છેેલ્લા 10 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન સેન્સેકસમાં ત્રણ ગણો વધારો થયો છે. 10 વર્ષ પૂર્વે સેન્સેકસ રપ000 હતો જે હવે 7પ000ને વટાવી ગયો છે. 

ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટલાઇઝેશન 400 લાખ કરોડ પર પહોંચ્યાના બીજા જ દિવસે સેન્સેકસે 75000  ક્રોસ કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી. શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે સેન્સેકસનું આ લેવલ ભારતીય શેરબજારની તાકાતનું પ્રતિબિંબ છે.

એટલું જ નહીં શેરબજાર પર ઇન્વેસ્ટરોનો વિશ્વાસ સૂચવે છે. છેલ્લા એક દાયકાના આંકડાઓ ચકાસવામાં આવે તો 10 વર્ષ પૂર્વે શેરબજારનું માર્કેટ કેપ 1.7 ટ્રીલીયન ડોલર હતું. જે હવે 4.8 ટ્રીલીયન થયું છે. અભુતપૂર્વ તેજી વચ્ચે ટેકનોલોજીકલ સુધારા પણ કરવામાં આવ્યા છે.

વિશ્વના દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર જબરદસ્ત તેજી સૂચવી રહ્યું છે. આવનારૂ ચોમાસુ પણ સામાન્ય રહેવાની આગાહી થઇ છે. લોકસભાની ચૂંટણીમાં ફરી વખત નરેન્દ્ર મોદી સરકારને બહુમતી મળવાનો આશાવાદ વ્યકત થઇ રહ્યો છે.

આવા અનેકવિધ કારણોથી આવનારા વર્ષોમાં પણ ભારતીય શેરબજાર તેજીમાં રહેશે તેવા દ્રઢ આશાવાદ હેઠળ ઇન્વેસ્ટરો જંગી રોકાણ ઠાલવી રહ્યા છે. આ તમામ કારણો તેજી માટે ટેકારૂપ બન્યા છે. 

10 વર્ષમાં રૂપિયો 28% ઘસાયો
મુંબઇ, તા. 10
ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીમાં છે તો બીજી તરફ કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઘસાતો રહ્યો છે. મોદી કાર્યકાળના છેલ્લા 10 વર્ષમાં ભારતીય રૂપિયામાં 28 ટકાનો ઘટાડો થયો છે. 10 વર્ષ પૂર્વે ડોલર સામે  60 રૂપિયાના સ્તરે રહેલું ભારતીય ચલણ હાલ 83.31 છે જે 27.8 ટકાનો ઘટાડો સૂચવે છે. ભારતનું વિદેશી હુંડીયામણ અનામત આ સમયગાળા દરમ્યાન 304 અબજ ડોલરથી વધીને 645 અબજ ડોલર થયું છે. જે 11ર ટકાનો વધારો સૂચવી રહ્યું છે.