અંબાણીના મહેમાન તરીકે ફિલ્મી સિતારાઓ આજે ફરી જામનગરમાં

અંબાણીના મહેમાન તરીકે ફિલ્મી સિતારાઓ આજે ફરી જામનગરમાં
અંબાણીના મહેમાન તરીકે ફિલ્મી સિતારાઓ આજે ફરી જામનગરમાં
અનંત અંબાણીના 29માં જન્મદિવસની આવતીકાલે રિલાયન્સ ગ્રિન્સ ખાતે થશે જાજરમાન ઉજવણી: સલમાનખાન, ફિલ્મ સ્ટાર મિઝાન જાફરી, વીર પહરિયા, શિખર પહરિયા અને ઇન્ટરનેટ લીવર તરીકે ઓળખાતા ઓરી ખાસ વિમાન મારફત મુંબઇથી આજે સવારે જામનગર પહોંચ્યા: સાંજ સુધીમાં વધુ સિતારાનું આગમન થવાની વકી: અંબાણી પરિવારના સભ્યો ગઇકાલે સાંજે જામનગર પહોંચ્યા
એક માસ પહેલાં બોલીવુડ અને હોલીવુડના અનેક સિતારાઓ રિલાયન્સના રાજકુમાર અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સમારોહમાં જામનગરની રિલાયન્સ કંપનીના મહેમાન બન્યા હતાં. આવતીકાલે અનંત અંબાણીના 29માં જન્મદિવસની ઉજવણી માટે ફરી કેટલાંક કલાકારો જામનગર આવી પહોંચ્યા છે અને હજુ આજે પણ અમુક કલાકાર આવી પહોંચશે. સલમાનખાન અને ઓરી જામનગર પહોંચ્યા છે.

જામનગર એરપોર્ટ ઉપર આજે સવારે બોલીવુડના જાણીતા કલાકાર સલમાન ખાન તેમજ રોકસ્ટાર જાવેદ જાફરીના પુત્ર અને યારિયા-2 ફેન મિઝાન જાફરી ઉપરાંત ફિલ્મ કલાકાર વીર પહરિયા અને તેના ભાઇ શિખર પહરિયા ખાસ વિમાન મારફત જામનગર આવી પહોંચ્યા હતાં.

આ ઉપરાંત ઇન્ટરનેટ લીવર ગણાતા ઓરી પણ મુંબઇથી જામનગર આવ્યા હતાં. જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ આ કલાકારો લકઝરી કારમાં રિલાયન્સની સિક્યોરિટી સાથે રિલાયન્સ ગ્રિન્સ (ટાઉનશીપ) જવા રવાના થયા હતાં. આ ઉપરાંત અન્ય કેટલાંક કલાકારો આજે સાંજ સુધીમાં જામનગર પહોંચશે તેમ મનાય છે.

ગત્ 1 થી 3 માર્ચના રોજ રિલાયન્સ ગ્રિન્સ ખાતે રિલાયન્સના યુવા ડાયરેકટર અને અંબાણી પરિવારના રાજકુમાર ગણાતા અનંત અંબાણી અને તેની વાગ્દતા રાધીકા મરચન્ટના પ્રિ-વેડીંગનો ત્રિદિવસીય જલસો યોજાયો હતો. આ સમારોહમાં બોલીવુડ અને હોલીવુડની જાણીતી હસ્તીઓ ઉપરાંત ક્રિકેટરો અને બિઝનેસ વર્લ્ડના માંધાતાઓ અને રાજનેતાઓ જામનગરના મહેમાન બન્યા હતાં.

આવતીકાલે અનંત અંબાણીનો 29 મો જન્મદિવસ ભપકાદાર રીતે યોજાનાર છે. આ સમારોહ રિલાયન્સ ગ્રિન્સ ખાતે આવેલ અંબાણી પરિવારના બંગલામાં યોજાયેલ છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે આજે ઉપરોક્ત કલાકારો મુંબઇથી ખાસ વિમાન મારફત જામનગર આવ્યા હતાં અને જામનગરથી  રિલાયન્સ ટાઉનશીપ જવા રવાના થયા હતાં.

અનંત અંબાણીનો જન્મ મુંબઇ ખાતે તા.10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીને કારણે કલાકારો ફરી જામનગરના મહેમાન બની રહ્યાં છે. નોંધનીય છે કે, આ કાર્યક્રમ સંદર્ભે અંબાણી પરિવારના સભ્યો ગઇકાલે સાંજે જ જામનગર આવી પહોંચ્યા હતાં.