શારજાહામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ભભૂકી : બે ભારતીય સહિત પાંચના મોત, 44 ઘાયલ

શારજાહામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ભભૂકી : બે ભારતીય સહિત પાંચના મોત, 44 ઘાયલ
શારજાહામાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ભભૂકી : બે ભારતીય સહિત પાંચના મોત, 44 ઘાયલ
દુબઇની કંપનીમાં કામ કરતો ભારતીય એન્જિનીયર અને એક નવપરિણીત મહિલાએ આગની ઘટનામાં જીવ ગુમાવ્યો : મહિલાના પતિની ગંભીર હાલત

શારજાહમાં એક હાઈરાઈઝ ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં બે ભારતીયોના મોત થયા છે. મૃતકોમાં એક ભારતીય સાઉન્ડ એન્જિનિયર અને એક નવપરિણિત મહિલાનો સમાવેશ થાય છે. આ આગમાં કુલ પાંચ લોકો માર્યા ગયા છે. આગની ઘટનામાં લગભગ 44 લોકોને ઈજા થઈ છે. આગના કારણે આ મહિલાનો પતિ પણ ગંભીર હાલતમાં છે.

શારજાહમાં અલ નાહદા નામની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી જેમાં 5ના મોત થયા છે જ્યારે 44 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. આ ઈમારતમાં 750 ફ્લેટ છે અને તેમાં નવમા માળે આગ લાગ્યા પછી આગની જ્વાળાઓ ઉપર ચઢવા લાગી હતી અને ઉપરના તમામ ફ્લોર સળગી ગયા હતા.

અહેવાલ અનુસાર માઈકલ સથ્યાદાસ નામના ભારતીય સાઉન્ડ એન્જિનિયરનું આગની ઘટનામાં દાઝી જવાથી મોત થયું છે. સથ્યાદાસ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે DXB લાઈવમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તાજેતરમાં બ્રુનો માર્સ અને એ આર રહેમાન જેવા કલાકારોના કોન્સર્ટ યોજાયા ત્યારે તેમાં માઈકલ સથ્યાદાસે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત મુંબઈની એક 29 વર્ષીય મહિલાનું પણ શારજાહની આગમાં મૃત્યુ થયું છે. હજુ ફેબ્રુઆરી મહિનામાં જ આ મહિલાના લગ્ન થયા હતા. આ મહિલાનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. મહિલાનો પતિ પણ ઇજાગ્રસ્ત લોકોમાં સામેલ છે.

મદિનામાં બે મહિના અગાઉ તેમના લગ્ન થયા હતા અને ત્યાંથી તેઓ શારજાહ રહેવા આવ્યા હતા જેમાં તેઓ અલ નાહદા બિલ્ડિંગમાં રહેતા હતા. આ મહિલાનો પતિ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત ગંભીર છે.

ભારતીય દુતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પરિવારજનોને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ લોકોના પરિવારજનો પણ યુએઈ આવી ગયા છે.
અલ નાહદા બિલ્ડિંગમાં કઈ રીતે આગ લાગી તેનું કારણ જાણી શકાયું નથી.

સત્તાવાળાઓ હજુ પણ આ ઘટનાની તપાસ કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક ઓથોરિટી જરૂરી પ્રોસિઝર પૂરી કરે ત્યાર પછી ભારતીય મહિલાની અંતિમક્રિયા કદાચ યુએઈમાં જ કરવામાં આવશે.

આ આગમાં મૃત્યુ પામનાર ભારતીય સાઉન્ડ એન્જિનિયર માઈકલ સથ્યદાસની કંપની DXB લાઈવે તેને વફાદાર અને અત્યંત પ્રતિભાશાળી કર્મચારી ગણાવ્યો હતો અને તેના પરિવારને તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે.