નડિયાદના બેંક કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

નડિયાદના બેંક કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ
નડિયાદના બેંક કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

નડિયાદની મહિલા ખાતેદારને આઇસીઆઇસીઆઇ બેન્કના કર્મચારીએ બેંકમાં રૂ.૨૦ લાખનું રોકાણ કરાવાના નામે છેતરપિંડી કરી હતી. આ અંગે મહિલાને આપેલો ચેક રીટર્ન થયો હતો. આ અંગેના કેસમાં નડિયાદ કોર્ટના ન્યાયાધીશે ચેક રિટર્નના ગુનામાં  બેન્કના કર્મચારીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ એક મહિનામાં ચેકની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

નડિયાદ ગુરુ દતાત્રેય સોસાયટી પવનચક્કી વિસ્તારમાં રહેતાં ગંગાબેન ભંવરલાલ રાવને આઇસીઆઈસીઆઈ બેંકના કર્મચારી સુજલ સંજયકુમાર વોરા (રહે.રાજકોટ)એ બેંકમાં રોકાણ કરવાથી વધારે લાભ મળશેની લાલચ આપી હતી. જેથી ગંગાબેને બેંકમાં રોકાણ કરવા રૂ.૨૦ લાખ બેંક કર્મચારીને આપ્યા હતા પરંતુ બેંક કર્મચારીએ ખાતેદારના ખાતામાં પૈસા જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી અંગત કામમાં વાપરી નાખ્યા હતા. જેની જાણ થતાં ગંગાબેને બેન્ક કર્મચારીને પુછતા તેણે પોલીસમાં ફરિયાદ ના કરશો, હું તમને વ્યાજ સાથે તમારા પૈસા ચૂકવી દઈશ તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમજ રૂ. ૧૦-૧૦ લાખના બે તેમજ પાંચ લાખનો એક મળી એમ રૂ. ૨૫ લાખના ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક રજૂ કરતા બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાથી બે ચેક રીટર્ન થયા હતા. જેથી ખાતેદારે બેંક કર્મચારીને વકીલ મારફત નોટિસ આપી હતી. આમ છતાં બેન્ક કર્મચારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા મહિલા ખાતેદારે નડિયાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ નડિયાદના છઠ્ઠા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.જી.મન્સૂરીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીના વકીલની દલીલો, જરૂરી દસ્તાવેજો તેમજ પૂરતા પુરાવાઓને ધ્યાનમાં રાખી ચેક રિટર્ન થવાના કેસમાં આરોપી સુજલ સંજયકુમાર વોરાને એક વર્ષની સાદી કેદની સજા તેમજ એક મહિનામાં ચેકની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો હતો અને જો ચેકની રકમ નિયત સમયમાં ચૂકવી ન આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.