આવતા મહિને 25 સીએનજી બસ આવી જશે : ચાલુ વર્ષમાં તમામ ડીઝલ બસ કરાશે આઉટ!

રાજકોટ મહાનગરમાં નવા નાણાકીય વર્ષથી સીએનજી બસ દોડાવવાની તૈયારી મનપાએ કરી છે ત્યારે એપ્રિલના અંતમાં આ ગેસ આધારીત બસો રોડ પર મૂકાવાની શરૂ થઇ જશે તેમ મનપા સુત્રોએ જણાવ્યું છે. આ બસ આવતી જાય તેમ ધુમાડાયુકત ડીઝલ બસોને વિદાય આપવા કોર્પો.ની તૈયારી છે. 

મહાનગરમાં હાલ આઉટ ઓફ ડેટ થઇ ગયેલી બ્લુ કલરની ડીઝલ બસો દોડે છે. થોડા સમય અગાઉ બીઆરટીએસની જેમ શહેરના માર્ગો ઉપર પણ ઇલે. બસ મૂકવાનું શરૂ કરાયું છે. પરંતુ સંપૂર્ણપણે ધુમાડાયુકત બસો ત્યારે જ દુર થશે જયારે જરૂરીયાત મુજબ ઇલે. અને સીએનજી બસ આવી જશે. હાલ ઘણા રૂટ પર ઇલે. બસ દોડી રહી છે. 

થોડા મહિના પહેલા કોર્પો.એ સીએનજી બસના સંચાલન માટેના ટેન્ડર ફાઇનલ કર્યા હતા. માથાકૂટમાંથી બચવા આ વખતે સંચાલન સાથે ડ્રાઇવર-કંડકટર સહિતના સ્ટાફની સપ્લાય પણ કોન્ટ્રાકટમાં સામેલ કરી દેવામાં આવી છે. હવે  એપ્રિલના અંતમાં રાજકોટને રપ જેટલી સીએનજી બસ મળી જશે. એટલે આવતા મહિનાના અંતે કે મે મહિનાના પ્રારંભે સીએનજી બસ રોડ પર દેખાશે.

આ ગેસ આધારીત બસોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ચાલી રહ્યું છે. હાલ દોડતી ઇલે. બસ અને તે બાદ આવનારી ગેસ બસના કારણે પ્રદુષણમાં ઘટાડો થશે. પૂરતી સંખ્યામાં ઇલે. અને સીએનજી બસ મળે એટલે 2024ના વર્ષમાં મહાનગરમાંથી ડીઝલ બસોને સંપૂર્ણપણે ઓપરેશનમાંથી પરત ખેંચી લેવામાં આવશે તેવું મનપા કહી રહી છે.