હવામાન વિભાગે ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી કરતા ખેડૂતોની વધી ચિંતા

75

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨ અને ૩ જાન્યુઆરીએ વરસાદ સાથે કાતિલ ઠંડી પડશે. એટલે રાજ્યભરના લોકોને કૃદરતા બે પ્રકોપનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કાતિલ ઠંડીનું મોજું પણ રહેવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વર્ષ ૨૦૨૧ની શરૂઆત કાતિલ ઠંડી અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે થશે આ સાથે નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને નલિયામાં કોલ્ડવેવ યથાવત રહેશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર બની રહેશે. ઉત્તરાયણ સુધીમાં ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ થવાની શકયતા છે.

હવામાનની આગાહી પ્રમાણે, ૩૧ ડિસેમ્બર સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે બર્ફીલા પવનો ફૂકાવાને લીધે ગોહિલવાડ ઠંડુગાર થઈ ગયું છે. ઠંડીનો પારો ગગડીને ૧૦.૯ ડિગ્રીએ અટક્યો છે. ૮ કિ.મી.ની ઝડપે સતત ઠંડા પવનો ફૂકાવાને લીધે રાત્રે કરયુ જેવો માહોલ સર્જાયો છે. આ શિયાળાનું સૌથી નીચુ તાપમાન આજે નોંધાયુ છે. હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર માસના છેલ્લા ચાર દિવસ એટલે કે ૨૮ થી ૩૧ ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળવાની આગાહી કરવામાં આવી હતી ચાલુ વર્ષે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા રહેલી છે. સોમવારે ઠંડી ૧૧.૨ ડિગ્રી હતી.

જેમાં સવા ડિગ્રી જેટલો છેલ્લા ૨૪ કલાકમાં ઘટાડો થયો હતો. ઠંડીનો પારો ૧૦.૯ ડિગ્રીએ ગગડીને અટકી ગયો હતો. આમ સોમવારની રાત્રિ સીઝનની સૌથી વધુ ઠંડી રાત સાબિત થઈ હતી. આજે વહેલી સવારે ભાવનગર શહેર તથા જિલ્લાના અનેક માર્ગો પર ધુમ્મસ છવાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી હતી. જ્યારે રસ્તાઓ વાહન વ્યવહાર સાવ ઓછો નજરે પડતો હતો. સાંજ પડતા એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યા પણ નજીવી નજરે પડતી હતી.