રાજકોટ તાલુકામાં છેલ્લા 20 દિવસથી સાવજોએ 20થી વધુ પશુનું મારણ કર્યુ, ત્રણ સાવજોએ હજી સુધી માનવી પર હુમલો કર્યો નથી ત્રણ સિંહો 20 દિવસથી જોવા મળી રહ્યાં છે. જો કે અહીં વસતા ખેડૂતો વનરાજાના આગમનને વધાવી તો રહ્યા છે પરંતુ તેની સાથે દિવસે ખેતરમાં વીજળી આપવાની પણ માંગ કરી રહ્યાં છે. કારણ કે રાતે પાણી વાળવામાં સિંહોનો ભય ન લાગે. દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતોમાં રહેલો ભય પણ દૂર થઈ શકે તેવું ખેડૂતો જ જણાવી રહ્યાં છે. ખેડૂતો કહી રહ્યાં છે કે, હજી સુધી સાવજોએ માનવીને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.
રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા સરધાર રેન્જમાં છેલ્લા 20 દિવસથી વનરાજા મહેમાન બન્યા છે. ત્રણ સિંહોનું એક જુથ આ વિસ્તારમાં ફરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 20થી વધારે પશુઓનું મારણ પણ કરી ચૂક્યા છે. આ વિસ્તારના સરધાર, પાડાસણ, લોઠડા, ભયાસર અને કથરોટા વિસ્તારમાં આ સિંહોનું જુથ ફરી રહ્યું છે. સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ધરતીપુત્રો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.
હરિપર ગામના ખેડૂત હરિભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહ આવવાને કારણે ખેતરમાં રોજડા અને ભૂંડનો ત્રાસ દૂર થયો છે. જે વિસ્તારમાંથી સિંહ પસાર થાય ત્યાં આસપાસના ખેતરોમાં ભુંડ અને રોજડા આવતા નથી. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બચી જાય છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વીજળી મળતી હોય છે તેવામાં સિંહની અવરજવર વધતા ખેડૂતોમાં એક ભયનો માહોલ છે. ત્યારે આ વિસ્તારોમાં દિવસના વીજળી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.