ભરૂચમાં તાલુકા પંચાયત, નગરપાલિકા-જિલ્લા પંચાયત માટે બીજા દિવસે પણ ફોર્મ ન ભરાયું

44

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણી સંબંધિત જાહેરનામું બહાર પડી ગયું છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં ભરૂચમાંથી ૧૮૩ જ્યારે અંકલેશ્વરમાંથી ૭૧ ફોર્મ ઉપડ્યા હતા. જોકે ભરૂચ જિલ્લામાં આજે બીજા દિવસે પણ એકપણ ફોર્મ ભરવામાં આવ્યું ન હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગાણી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને આ માટે ઉમેદૃવારીપત્ર ભરવાની અંતિમ તારીખ ૧૩ ફેબ્રુઆરી છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવનારાઓ ફોર્મ તો લઇ ગયા છે, પરંતુ ફોર્મ ભરવાને લઇને પ્રથમ બે દિવસ ઉમેદવારોમાં ઉદાસનિતા જોવા મળી રહી છે. જેના કારણે હજી સુધી ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ રાજ્યના બે મુખ્ય પક્ષો દ્વારા હજી સુધી ૯ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ૩ નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. કોને ટિકિટ મળશે અને કોનું પતુ કપાશે તેને લઇને બન્ને પક્ષાના ટિકિટ વાંચ્છુઓ હાલ હાઇ કમાન્ડના નિર્ણયની રાહ જોઇને બેઠાં છે. જ્યારે બીજી તરફ બન્ને પક્ષ મહાનગરપાલિકામાં જે પ્રકારની ટિકિટ વહેંચણીને લઇને નારાજગી જોવા મળી હતી તેને ટાળવા માટે ઉમેદવારોની પસંદગીમાં સમય લઇ રહૃાાં છે.