નવી દિલ્હી: આંતરજ્ઞાતિય લગ્ન બાદ મહિલાએ પતિનો ધર્મ અપનાવી લેવો જોઈએ એ બાબતને મંજૂરી આપતો કોઇ કાયદો ન હોવાનું સુપ્રીમ કૉર્ટે ગુરુવારે કહ્યું હતું. પારસી મહિલા અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે તો શું તે તેનો ધર્મ ગુમાવી દે છે? એ પ્રકારના કાયદાકીય પ્રશ્ર્ન સાથે મુખ્ય ન્યાયાદીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠ કામ પાર પાડી રહી હતી. ન્યાયાધીશ એ.કે. સિક્રી, એ. એમ. ખાનવીલકર. ડી. વાય. ચંદ્રચૂડ અને અશોક ભૂષણનો પણ સમાવેશ કરતી ખંડપીઠે ‘વલસાડ પારસી ટ્રસ્ટ’નું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડવોકેટ ગોપાલ સુબ્રમણિયમને સૂચન કર્યું હતું અને હિન્દુ પુરુષ સાથે લગ્ન કરનારી પારસી મહિલા ગુલરોખ એમ. ગુપ્તાને તેનાં પિતાનાં અંતિમસંસ્કારમાં હાજર રહેવાની પરવાનગી આપી શકાય કે નહીં તેની ૧૪ ડિસેમ્બર સુધીમાં જાણ કરવા જણાવ્યું હતું. હિન્દુ પુરુષ સાથે લગ્ન કરનારી પારસી મહિલા તેનો ધર્મ ગુમાવી દેતી હોવાને કારણે પિતાના મૃત્યુના સંજોગોમાં ‘ટાવર ઑફ સાયલન્સ’ની મુલાકાત લેવાનો અધિકાર પણ ગુમાવી દેતી હોવાનું જણાવતાં પારસી સમુદાયના રૂઢિવાદી કાયદાને મંજૂરી આપતા વર્ષ ૨૦૧૦માં ગુજરાત હાઈ કૉર્ટે આપેલા ચુકાદાને ગુપ્તાએ પડકાયોર્ર્ હતો. ખંડપીઠે કહ્યું હતું કે એવો કોઈ કાયદો નથી જે એમ કહેતો હોય કે અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કર્યા બાદ મહિલા તેનો ધર્મ ગુમાવી દે છે. ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે એવો વિશેષ કાયદો પણ છે જે જુદા જુદા ધર્મની બે વ્યક્તિ લગ્ન કરીને પોતપોતાનો ધર્મ જાળવી રાખી શકે છે.
