વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અખાતી દેશોના પ્રવાસ દરમિયાન રવિવારે ઓમાનની મુલાકાત લીધી હતી. રવિવારે સાંજે ઓમાન પહોંચ્યા પછી તેઓ સીધા જ હોટેલ ગયા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો તેમના સ્વાગત માટે ઊમટી પડયાં હતાં. મોદીને રાજકીય સન્માન સાથે હોટેલ લઈ જવાયા હતા. અહીંયાં તેમણે ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. તે ઉપરાંત ઓમાનના ઉદ્યોગપિતઓને ભારતમાં વેપાર કરવા અને રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, દુનિયા ભારતના વિકાસનું સન્માન કરી રહી છે. ભારતે છેલ્લાં ચાર વર્ષમાં સાધેલા વિકાસને દુનિયાભરના દેશો આવકારી રહ્યા છે. કોંગ્રેસ સરકારો દ્વારા ભારતને ક્યારેય આગળ વધવા દેવાયો જ નહોતો. ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ સામાન્યમાં સામાન્ય માણસને પણ વિકાસની તક આપી છે. હાલમાં દરેક ભારતીય ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા મથી રહ્યો છે. સરકાર એવા ભારતનું નિર્માણ કરવા નથી રહી છે જેમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાના સપનાં સાકાર કરી શકે. ભારતે ઓમાન સાથે સંરક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યટન સહિત વિવિધ ક્ષેત્રોમાં આઠ કરાર કર્યા હતા.ભારત અને ઓમાન વચ્ચેનો સંબંધ કરોડો વર્ષ જૂનો છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ ગુજરાતથી લાકડા ભરેલા જહાજો ઓમાન જતા હતા. હજારો વર્ષોમાં વ્યવસ્થાઓ બદલાઈ પણ સંબંધોમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ભારતને ગુલામીનો ભોગ બનવું પડયું પણ ઓમાન સાથેના સંબંધોમાં ક્યાંય કોઈ ફેરફાર થયો નથી.મોદીએ વધુમાં જણાવ્યું કે, ઓમાનના વિકાસમાં ભારતના રાષ્ટ્રદૂતોનું એટલે કે ભારતીયોનું યોગદાન મહત્ત્વનું છે. સામાન્ય રીતે કોઈ દેશ કે સરકાર તરફથી એક રાજદૂતને વિદેશમાં મોકલવામાં આવે છે. ભારતના લાખો સદ્ભાવના દૂતો ઓમાનમાં છે. અહીંયા વસતા લાખો ભારતીયોએ ઓમાનના વિકાસમાં સહયોગ આપ્યો છે. અમે એક નીતિ બનાવીને ખાડી દેશોની સાથે સંબંધોને નવી ક્ષિતિજો સુધી લઈ જઈ રહ્યા છીએ. ભારતની વધતી શાખ અને વિકાસના કારણે અખાતી દેશોનું ભારત પ્રત્યેનું વલણ અને વળગણ બદલાઈ રહ્યું છે. દૂધમાં સાંકર ભળી જાય તે ગુણ ભારતીયોનો છે. આ સંસ્કાર સમગ્ર દુનિયાને ભારતે જ આપ્યા છે. અમે પરિસ્થિતિ પ્રમાણે બીજા દેશની સંસ્કૃતિમાં ભળી જઈને તેની પરંપરાઓનો આદર કરીએ છીએ.વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, રસ્તા ગમેતેટલા મુશ્કેલ હોય અને સ્થિતિ ગમે તેટલી કફોડી હોય ભારતીયોને તેમાંથી બહાર આવતાં આવડે છે. આશા અને ઉમંગ સાથે મુશ્કેલીમાંથી બહાર આવવું ભારતીયોના લોહીમાં છે. આજે દરેક ભારતીય ન્યૂ ઈન્ડિયાના સંકલ્પને પૂરો કરવા મહેનત કરી રહ્યો છે. અમે એવા ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જ્યાં ગરીબ વ્યક્તિ પણ પોતાના સપનાં સાકાર કરી શકશે.
