ચેન્નઇ, તામીલનાડુમાં જયલલીતાનો એક વીડિયો બહાર આવતા ભારે તંગદીલીનો માહોલ સર્જાયો છે. આ વીડિયો જયલલીતાને હોસ્પિટલમાં દાખલ કર્યા તેના થોડા દિવસ પહેલા જ બહાર આવ્યો છે. બીજી તરફ વીડિયો ત્યારે બહાર આવી રહ્યો છે જ્યારે અહીંની આર.કે. નગર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પેટા ચૂંટણી ગુરુવારે યોજાવાની છે. જેને પગલે ચૂંટણી પંચે આ વીડિયોને ટેલિકાસ્ટ કે સર્ક્યુલેટ કરવા પર પ્રતીબંધ મુકી દીધો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો તેને શેર ન કરે તેવી સલાહ આપી છે. ચૂંટણી પંચને ભય છે કે આ વીડિયોની ચૂંટણી પર અસર થઇ શકે છે. એક ટીવી ચેનલ દ્વારા સૌપ્રથમ આ વીડિયોને ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. જેને પગલે થોડા સમય માટે તંગદીલી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. બાદમાં ચૂંટણી પંચે ટીવી ચેનલને નોટીસ પાઠવી તાત્કાલીક આ વીડિયોનું ટેલિકાસ્ટ રોકાવ્યું હતું, કેમ કે આચાર સંહીતા લાગુ થઇ ગઇ હતી. ચૂંટણી પંચે એવી દલીલ કરી હતી કે આ વીડિયોને બતાવવાથી આચાર સંહીતાનો ભંગ થાય છે. જે વીડિયોને જારી કરવામાં આવ્યો છે તેમાં જયલલીતા હોસ્પિટલના બેડ પર આરામ કરી રહ્યા છે. તેઓ ટીવી જોઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમના હાથમાં પાણીનો ગ્લાસ પણ છે. જયલલીતા નાઇટ ગાઉનમાં જોવા મળી રહ્યા છે. તેમની પથારીની પાછળ ભગવાનની એક તસવીર પણ રાખવામાં આવી છે. આ વીડિયોેને ત્યારે રીલીઝ કરવામાં આવ્યો છે કે જ્યારે તામીલનાડુમાં મહત્વની બેઠક ગણાતા આર.કે. નગરમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આર.કે. નગરમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયલલીતાના નિધનને લઇને પણ અનેક વિવાદો ચાલી રહ્યા છે. તેના મોતના કારણ અંગે પણ સરકારને અનેક શંકાઓ છે.
