ઈન્ડિયન પ્રીમયર લીગ કે એમ કહો ઈન્ડિયન પૈસા લીગે અનેક ખેલાડીઓને તૈયાર થવા અને છાપ છોડવાની તક આપી છે. શું તમે જાણો છો કે આઈપીએલની શરૂઆત કેવી રીતે થઈ? પ્રથમ કમિશનર લલિત મોદીને આ આઈડિયા ક્યાંથી આવ્યો?
લલિત મોદી અમેરિકાની પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગની જેમ ભારતમાં ક્રિકેટ શરૂ કરવા માગતા હતા. પોતાના કોલેજના દિવસોમાં તેમણે તેને નજીકથી જોયું હતું. લલિત મોદી પોતાની કંપની મોદી એન્ટરટેઈનમેન્ટ ઈએસપીએન સાથે મળીને એક વેન્ચરની શરૂઆત કરી ચૂક્યા હતા. સમયની સાથે લલિત મોદીએ ભારતીય ક્રિકેટમાં પોતાની પકડ મજબૂત કરી હતી. પહેલા હિમાચલ ક્રિકેટ એસોસિયેશન અને પછી પંજાબ ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા. 2005માં રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ બન્યા પછી બીસીસીઆઈમાં ઉપાધ્યક્ષ તરીકે તેમની એન્ટ્રી થઈ. તેમણે શરદ પવારને બીસીસીઆઈના અધ્યક્ષ બનવામાં પણ મદદ કરી હતી. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ પછી લલિત મોદીએ પ્રોફેશનલ ક્રિકેટ લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેના માટે તેઓ જુલાઈ, 2007માં આઈએમજી વર્લ્ડના ઉપાધ્યક્ષ એન્ડ્ર્યુ વાઈડબ્લડને મળવા ઈંગ્લેન્ડ ગયા. વિમ્બલડન ફાઈનલના દિવસે બંનેની મુલાકાત થઈ. આ આઈપીએલ અંગે પ્રારંભિક ચર્ચા હતી.
લલિત મોદીએ BCCIને આઈપીએલથી દૂર રહેવા કહ્યું
10 સપ્ટેમ્બર, 2007ના રોજ બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે લલિત મોદીને રૂ.100 કરોડનો ચેક આપ્યો, જેથી આઈપીએલમાં ભાગ લેવા માટે ખેલાડીઓને લાવી શકાય. પૈસા મોદીને એ શરત પર અપાયા કે, તે મુંબઈમાં પોતાની ખાનગી ઓફિસમાંથી લીગનું કામ કરશે. તેના માટે તેમને કોઈ સેલરી પણ નહીં મળે. તેના બદલામાં તેમણે બોર્ડને આઈપીએલના કામથી દૂર રહેવા કહ્યું હતું. 12 સપ્ટેમ્બરે તેમણે દિલ્હીમાં આઈપીએલ લોન્ચ કરી દીધી. પછી તેમણે દુનિયાના ટોચના 100 ખેલાડીઓને 4 શ્રેણમાં વહેંચ્યા. વર્લ્ડ કપ દરમિયાન તેઓ ખેલાડીઓને મળ્યા અને આઈપીએલની માહિતી આપી.
જાન્યુઆરી 2008માં ફ્રેન્ચાઈઝી માટે હરાજી યોજાઈ
ટૂર્નામેન્ટ માટે 8 શહેર દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર અને મોહાલીને પસંદ કરાયા. ફ્રેન્ચાઈઝી માટે હરાજી 24 જાન્યુઆરી, 2008ના રોજ શરૂ થઈ. 20 ફેબ્રુઆરી, 2008ના રોજ પ્રથમ વખત ખેલાડીઓની હરાજી થઈ. ધોની સીઝનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને ચેન્નઈએ રૂ.6 કરોડમાં ખરીદ્યો. સચિન તેંડુલકરને મુંબઈ, વીરેન્દ્ર સેહવાગને દિલ્હી, સૌરવ ગાંગુલીને કોલકાતા, વીવીએસ લક્ષ્મણને હૈદરાબાદ, રાહુલ દ્રવિડને બેંગલુરુ અને યુવરાજ સિંહને મોહાલીના આઈકન ખેલાડી બનાવાયા. હરાજીમાં તેમના પર બોલી લગાવાઈ નહીં. તેમને ટીમના સૌથી મોંઘા ખેલાડીથી 15% વધુ રકમ આપવામાં આવી. પ્રથમ સીઝન 44 દિવસ ચાલી, જેમાં 59 મેચ રમાઈ. શેન વોર્નની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સે ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈને હરાવીને પ્રથમ સીઝન પોતાને નામ કરી.
બે વર્ષ કમિશનર રહ્યા પછી મોદીને હટાવી દેવાયા
2008થી 2010 સુધી લલિત મોદી IPLના કમિશનર રહ્યા. આ દરમિયાન ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓમાં તેમનું નામ આવ્યું. 2010માં તેમના પર બે ટીમને ખોટી રીતે લાવવાનો આરોપ લાગ્યો. તેમણે મોરિશિયસની કંપની વર્લ્ડ સ્પોર્ટ્સને રૂ.425 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આરોપ છે કે, તેના માટે તેમને કમીશન તરીકે રૂ.125 કરોડ મળ્યા હતા. તેની સાથે જ પૈસાની હેરાફેરી સહિતના અનેક મોટા આરોપ હતા. ત્યાર પછી બોર્ડેએ તેમને પદ પરથી હટાવી દીધા. જોકે બધી તપાસમાંથી બચી તેઓ દેશ છોડી લંડનમાં વસી ગયા.
ઈતિહાસનો સૌથી મોટો વિવાદ : બે ટીમ સસ્પેન્ડ થઈ
2009માં દેશમાં સામાન્ય ચૂંટણીને લીધી લીગ દક્ષિણ આફ્રિકામાં રમાડાઈ. ત્યાર પછી સતત અનેક સીઝનમાં લીગમાં વિવાદ આવતા રહ્યા. 2015માં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો વિવાદ બહાર આવ્યો. રાજસ્થાનના સહમાલિક રાજ કુન્દ્રા અને ચેન્નઈ ટીમના પ્રિન્સિપલ અને બીસીસીઆઈના અધ્યક્ષ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંને સતત સટ્ટાબાજોના સંપર્કમાં હતા. તેનાથી આઈપીએલની છબીને મોટો ઝટકો લાગ્યો. ત્યાર પછી પૂર્વ જસ્ટિસ આર.એમ. લોઢાની અધ્યક્ષતાવાળી સમિતિએ બંનેના ક્રિકેટની કોઈ પણ ગતિવિધિમાં ભાગ લેવા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો. તેની સાથે જ બંને ટીમોને પણ તેની સજા મળી. ચેન્નઈ અને રાજસ્થાનને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાઈ.