રસહીન થઇ ધરા, દયાહિન થયો ભૂપ: વિપદાની ઘડીમાં આંસુ લુંછવા આવતા ‘સાહેબ’ને આવકારવા હોસ્પિટલની દિવાલોને રંગરોગાન

રસહીન થઇ ધરા, દયાહિન થયો ભૂપ: વિપદાની ઘડીમાં આંસુ લુંછવા આવતા ‘સાહેબ’ને આવકારવા હોસ્પિટલની દિવાલોને રંગરોગાન
રસહીન થઇ ધરા, દયાહિન થયો ભૂપ: વિપદાની ઘડીમાં આંસુ લુંછવા આવતા ‘સાહેબ’ને આવકારવા હોસ્પિટલની દિવાલોને રંગરોગાન
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દેશની સૌથી કરૂણ અને સૌથી મોટી બ્રિજ હોનારત અંદાજે 150 નિર્દોષ નાગરિકોના જીવન પર અચાનક હૃદયદ્રાવક રીતે પડદો પાડી ચુકી છે અને એ ઘટનાના ઘાવ અને પીડા હજુ દરેકના હૃદયમાં તાજા છે. નિર્દોષોની સળગતી ચિતાઓની આગ હજુ બુઝાઈ નથી એ હતભાગીઓની કબરોની માટી હજુ ભીની છે. ભયાનક હોનારતના દારુણ અને દર્દીલા દ્રશ્યો ભૂતાવળ બનીને દરેકની નજર સામે નાચી રહ્યા છે ત્યારે આપણું તંત્ર ગણતરીના કલાકોમાં ખળભળાવી મુકતી દુર્ઘટનાને વિસરી ગયું હોય એવા દ્રશ્યો જોઇને સૌરાષ્ટ્રની પ્રજાનો આત્મા કકડી ઉઠ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શું બન્યું કે લોકો ગુસ્સે ભરાયા છે? મોરબી સિવિલ હોસ્પિટલમાં આ રંગરોગાન શેના માટે ચાલી રહ્યા છે? કોઈ સ્નેહમિલન છે? ના જી આતો સાહેબ આવી રહ્યા છે. તેની તૈયારીઓમાં બધું ભૂલીને મોરબી અને રાજકોટનું જિલ્લા વહીવટીતંત્ર વડાપ્રધાનના સ્વાગતની એવી રીતે તૈયારીઓ કરી રહ્યું છે જાણે કે ખુશાલીનો કોઈ કાર્યક્રમ હોય..!! એકતરફથી દુર્ઘટનાના ઘેરા પડઘા હજુ શમ્યા નથી, મોતના તાંડવના લીસોટા હજુ ભુંસાયા નથી ત્યારે આ નિષ્ઠુર તંત્ર સેંકડો લોકોના મોતનો મલાજો પણ જાળવી શકતું નથી? એવા સવાલો પૂછીને સોશિયલ મીડિયામાં લોકોએ હૃદયવિહીન તંત્ર પર જબરદસ્ત પસ્તાળ પાળી છે.

સૌરાષ્ટ્રભરમાંથી સોશિયલ મીડિયા પર લોકોએ એમનો રોષ અને આક્રોશ ઠાલવવાનું શરૂ કર્યું છે અને શરમ-શરમના પોકારો કરી રહ્યા છે. જયારે સેંકડો લોકોની ચિતાઓ હજુ ઠરી પણ નથી,ત્યાં સાહેબને આવકારવામાં તમામ હદો પાર કરી રહેલા આ તંત્રને લોકો રોષભેર શાબ્દિક ચાબખા મારી રહ્યા છે.સૌરાષ્ટ્રભરમાંથી સોશિયલ મીડિયામાં એકી અવાજે એવો સુર ઉઠી રહ્યો છે કે, અરે ભાઈ, મોતનો મલાજો ન જાળવી શકો તો કઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો.
એક શહેરીજને એવી તીખી ટકોર કરી કે, એક બાજુ કેટલાય પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા છે તો બીજીતરફ વડાપ્રધાનની મુલાકાતને લઈને મોરબી સિવિલ હોસ્પિટલની દિવાલોને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. મોતના તાંડવ અને મૃતદેહોના ખડકલા જોઇને મોરબી સિવિલની દિવાલો પણ હજુ ધ્રુજતી દેખાતી હોય ત્યારે તેના પર રંગના આ લીમપણનું શું કામ છે? કેટલાય પરિવારના માળા વિંખાઈ ગયા છે અને અહીં રીનોવેશન ચાલુ છે. સોશિયલ મીડિયામાં એવા પણ સવાલ પુછાઈ રહ્યા છે કે, જો તમે ખરેખર દર્દીની ખબર પૂછવા કે સાંત્વના આપવા જ આવતા હોવ તો આની કોઈ જરૂર ખરી?

એક બીજા નાગરિકે ખુબ જ દુ:ખી થઇ ઉઠી લખ્યું છે કે, આ મોરબી સિવિલ છે જ્યાંથી હજુ સવારે જ બાળકોના મૃતદેહો નીકળ્યા છે. દર્દીઓ પણ હજુ દાખલ છે પણ હવે તો કલરકામ ચાલી રહ્યું છે. જાણે કોઈ મોટો કાર્યક્રમ હોય તેમ સાહેબ ના આગમનની તૈયારીઓ ચાલી રહી છે.એક શહેરીજને લખ્યું છે, કલરકામ કે નવીનીકરણ બધું કરજો પણ રોશની ન કરતા. થોડી લાજ-શરમ રાખજો.ધૂંધવાઈ ઉઠેલા એક નાગરિકે તો ત્યાં સુધી લખ્યું કે, શરમ કરો, મુખ્યમંત્રી શોક જાહેર કરે છે અને 143 મૃતદેહોના જ્યાં ઢગલા થયા હતા ત્યાં બીજા જ દિવસે દિવાળી જેવો માહોલ?!! કલરકામ, નવા ગાદલા, નવા ઓછાળ લાવવામાં આવ્યા છે.

આ રીતે મોરબીમાં જે પ્રકારે અતિભયાનક અને દર્દનાક દુર્ઘટનાના ગણતરીના કલાકોમાં જ રંગરોગાન અને રાતોરાત રસ્તા અને સિવિલની લોબીઓની લાદીઓ ચકચકીત કરવાનું અભિયાન છેડવામાં આવી રહ્યું છે અને જે ઢબે ગઈરાતથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એ તંત્રની નિષ્ઠુરતા, દયાહિનતા અને પથ્થરદિલીનો નાદર નમુનો છે.

Read About Weather here

એટલે મોતના તાંડવના દ્રશ્યો જોનારા પ્રજાજનોનો આક્રોશ અને વેદનાસભર પ્રત્યાઘાતો સ્વાભાવિક પણ છે અને વાજબી પણ છે. એટલું જ નહીં પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારો માટે પણ રંગરોગાનના આ દ્રશ્યો કેટલાબધા આઘાતજનક બની રહ્યા હોય તેની કલ્પના કરવાથી પણ આપણા રૂવાડા પણ ઉભા થઇ જાય છે.આ દ્રશ્યો જોઇને એક વાત યાદ આવે છે કે, દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે, કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે રમત રમે છે એ સમજાતું નથી. મારી આંખના ખૂણામાં હજુ ભેજ છે શું એ તંત્ર જોઈ શકે છે ખરું?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here