પોલીસનાં માનીતા કુખ્યાત વગદાર દેશી અડ્ડાવાળાને ત્યાં મજા કરવાનું વેપારીને ભારે પડ્યું!

પોલીસનાં માનીતા કુખ્યાત વગદાર દેશી અડ્ડાવાળાને ત્યાં મજા કરવાનું વેપારીને ભારે પડ્યું!
પોલીસનાં માનીતા કુખ્યાત વગદાર દેશી અડ્ડાવાળાને ત્યાં મજા કરવાનું વેપારીને ભારે પડ્યું!

રહસ્યમય સસ્પેન્સ હિન્દી ફિલ્મોનાં દ્રશ્યોની જેમ સામાકાંઠે સર્જાતા અનેક ભેદભ્રમનો અવિરત સિલસિલો ચોકે ચર્ચાયો

પોતાનો થેલો ક્યાં ગયો તેનું પુછાણ કરવા જતા વેપારીએ દેશીનાં અડ્ડાવાળા પાસેથી ન સાંભળ્યું હોય તેવી વાણીનો એકધારો પ્રહાર કાન પર સહન કરવો પડ્યો

દેશીનો આસ્વાદ લેવાની અને આંકડા રમવાની કુટેવને લીધે દોઢ કિલો ચાંદી ગુમાવનાર વેપારીને કોઠીમાં મોઢું ઘાલીને રડવાનો વારો

દેશીનાં અડ્ડામાં જ થેલો ચોરાયો હોવા છતાં પોલીસ વહીવટદારનાં ખોળામાં બેઠેલો દેશી અડ્ડાવાળો લાજવાને બદલે ગાજ્યો, વેપારીને મોઢામોઢ કહ્યું થાય તે કરી લે પોલીસ મારૂ કઈ નહીં બગાડે!

દેશી અડ્ડાવાળાને કાયમ છાવરતા પોલીસ વહીવટદારને કારણે ફાટીને ઘુમાડે ગયેલા દેશી અડ્ડાવાળાને ત્યાં સર્જાયેલું ચાંદી ચોરી પ્રકરણ ચોમેર ચર્ચાનાં ચકડોળે ચડ્યું પરંતુ પોલીસ વહીવટદાર અને અડ્ડાવાળાની બીકે વેપારી મૂંગોમંતર, મૂંગી મનમાં જાણે એવો તાલ સર્જાયોને આબરૂની બીકે વેપારી થેલો લીધા વિના ઘરભેગો

સામાકાંઠાની પોલીસ માટે સ્વજનથી પણ વધારે વ્હાલો પોલીસ વહીવટદાર કોણ જાણે હજુ કેટલા કારનામા કરશે અને હજુ કેટલાનો બલી ચડાવશે તેની લોકોમાં ભારે ચર્ચા


માહિતગાર સુત્રો દ્વારા જાણવા મળેલ કે રાજકોટમાં એક વિસ્તાર એવો છે જ્યાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ગરબડી હાલતમાં બે હાથ બાંધીને અપરાધી તત્વોની સામે સવાર-સાંજ શાસ્ટાંગ દંડવત પ્રણામની ભૂમિકા ભજવતું રહેતું હોય એવા દ્રશ્યો લગભગ રોજે-રોજ મહાનગરનાં આ કુખ્યાત વિસ્તારમાં સર્જાતા રહે છે!

આ વિસ્તાર એટલે રાજકોટ શહેરનો સામાકાંઠાનો વિસ્તાર… શાંતિ અને કાયદા પાલન સાથે રહેવા માંગતી સામાકાંઠાની વસ્તી કાયદો અને વ્યવસ્થાને ખિસ્સામાં રાખીને ફરતા કેટલાક મુઠીભર અપરાધી તત્વો અને સામાકાંઠાની પોલીસનાં માનીતા અને ચહિતા એવા ડોબાઓને કારણે ત્રાહિમામ પોકારી રહી છે. પરંતુ એમના મુક આક્રંદને સાંભળવાવાળું કોઈ નથી.

એવું રોજે-રોજ સર્જાતી કાયદાને લાંછન રૂપ ઘટનાઓ પરથી જોવા મળી રહ્યું છે. સામાકાંઠાનો વિસ્તાર હમણાં છેલ્લા થોડા દિવસોથી પોલીસ વહીવટદાર, સંપૂર્ણ વર્ચસ્વ સાથે ખુલે આમ દેશીનો અડ્ડો ચલાવતા એક ગુન્હાખોર ડોબા અને તેની પત્નીને કારણે જાતજાતની ઘટનાઓથી ગુંજવા લાગ્યો છે? આ ઘટનાઓ આપણને દર્શાવી રહી છે કે, સામાકાંઠાની પોલીસ જેટલું તેના અધિકારીઓનું માનતી હોય તેના કરતા અનેક ગણુ વધારે પ્રમાણમાં પોલીસ વહીવટદારનો પડ્યો બોલ ઝીલતી હોય એવું લાગે છે.

અંગત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હમણાં સામાકાંઠાનાં દેશીનાં અડ્ડાવાળાને ત્યાં સર્જાયેલી ચોરીની એક ઘટનાએ ફરીવાર લોકોમાં ચર્ચાનો વિસ્ફોટ સર્જી દીધો છે અને દારૂનાં અડ્ડા પર દેશીનો ઘુટડો ભરીને વરલીનાં આંકડાની મોજ માણવા ગયેલો એક વેપારી લુંટાઈ અને ધુંતાઈ ગયો હોવાની ઘટનાએ રસપ્રદ ચર્ચા જગાવી છે અને સામાકાંઠાએ સામ્રાજ્ય ધરાવતા ગુન્હાતી લોકોએ ફરી એક વખત લખણ ઝળકાવ્યા છે.

વેપારી તો બીકનો માર્યો દોઢ કિલો ચાંદી ગુમાવ્યા છતાં એક હરફ ઉચ્ચારવાની હિંમત કરી શક્યો નથી અને મોઢામાં જીભ નાખીને તેને બેસી જવું પડ્યું છે. દેશીનો એક પેગ તેને દોઢ કિલો ચાંદીની ભારોભાર મોંઘો પડી ગયો છે અને બીજીતરફ ખુલ્લે આમ દોઢ કિલો ચાંદી જે અડ્ડા પરથી ગુમ થઇ ગયું તે અડ્ડાવાળાએ બેશરમીથી રોકડુ પરખાવીને એ વેપારીને અડ્ડામાંથી તગેડી મુક્યો. કેમકે અડ્ડાવાળાનાં માથા પર પોલીસ વહીવટદારનાં આશિર્વાદનાં ચારેય હાથ છે! એટલે પોલીસ પણ તેના પર હાથ નાખતા પહેલા પોલીસ વહીવટદારની લાજ કાઢે છે એ સ્પષ્ટ તાર્કિક ગણિત છે.

બીજી તરફ વેપારીની વાત કરીએ તો એ ક્યાં મોઢે પોલીસ પાસે જાય? એક તરફથી આબરૂની બીક અને બીજીતરફથી પોલીસ વહીવટદાર અને અડ્ડાવાળાની અતુટ ધરીનો ભય એટલે આ વેપારીને છેવટે તો દોઢ કિલો ચાંદી ગુમાવ્યા છતાં કોઠીમાં મોઢું ઘાલીને રડવાનો વારો આવી ગયો છે અને વહીવટદાર તથા દેશી અડ્ડાવાળા હલકટ અટ્ટહાસ્યથી સામાકાંઠાની ધરતીને ધ્રુજાવી રહ્યા છે.

આ રસપ્રદ ઘટનાની અંગત સુત્રો પાસેથી મળતી માહિતી એવી છે કે, દેશી અડ્ડાવાળાને ત્યાં દેશીનાં વેપલાની સાથે હવે વરલીનાં આંકડાની ધંધાની ચોપાટ પણ માંડી દેવામાં આવી છે. એટલે એક વેપારી દેશીનાં ઘુટડાની મોજ લેવાની સાથે-સાથે વરલી ફીચરનાં જુગારમાં નશીબ અજમાવવા માટે દેશીનાં અડ્ડે પહોંચી ગયો હતો. પણ તેના નશીબ વાંકા કે વહીવટદારનાં પ્રાણપ્રિયને પોલીસનાં જ ચહિતા ડોબા દેશી અડ્ડાવાળાને ત્યાં જ પહોંચી ગયો.

અહીં વેપારીએ દેશી દારૂની મોજ માણી અને મસ્ત બની ગયો. વરલીનાં આંકડા પણ રમ્યો. કહેવાય છે કે આ વેપારી ડોબલા પાસે દોઢ કિલો ચાંદી ભરેલો થેલો પણ હતો. અડધા કલાકની મોજ બાદ એ વેપારી બહાર નીકળવા ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની પાસેનાં થેલાની અડ્ડામાં ચોરી થઇ ગઈ છે.

આથી ગભરાઈ ઉઠેલા વેપારીએ દેશી અડ્ડાવાળાને ચોરીની જાણ કરી અને થેલો શોધી દેવાની મદદ માંગી પણ અડ્ડાવાળાનો જવાબ સાંભળીને વેપારીનો નશો હવા થઇ ગયો અને પગ નીચેથી ધરતી સરકી ગઈ. અડ્ડાવાળાએ રોકડું પરખાવ્યું કે, અહીં તારો કોઈ થેલો બેલો નથી. જ્યાં જવું હોય ત્યાં જા, પોલીસ ફરિયાદ કર, પોલીસ પણ મારૂ કઈ બગાડી લેશે નહીં.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આવી હવા સાથે વાત કરનાર દેશી અડ્ડાવાળાને ખબર જ છે કે પોતે પોલીસ વહીવટદારનાં ખોળામાં બિરાજતો હોવાથી પોલીસ વેપારીની ફરિયાદ પર ધ્યાન નહીં આપે. આ હવામાં રાચતા દેશી ડોબાએ વેપારીને ખાલી હાથ તગેડી મુક્યો. હવે વેપારી શું કરે ક્યાં જાય? લાચાર વેપારી પોલીસને જઈને એવું કહે કે હું દેશીનાં ઘુટડા મારવા ગયો હતો અને આંકડા રમવા ગયો હતો?! છેવટે તેના માટે મુંગામંતર થઇ જવા સિવાય કોઈ છૂટકો રહ્યો ન હતો.

લોકડાઉન દરમ્યાન ભારે આર્થિક ખોટ સહન કરી છે અને માંડમાંડ વેપાર શરૂ થયો છે ત્યાં આ વેપારીને મોટા પ્રમાણમાં વગદાર અપરાધી તત્વોનાં અડ્ડામાં ચપત લાગી જતા અને ખુલ્લે આમ છેતરપીંડી થઇ જતા વેપારીને ધોળે દિવસે તારા દેખાઈ ગયા છે. પણ કઈ કરી શકવાની સ્થિતિમાં રહી શક્યો નથી. ફરિયાદ કરવા જતાં અડ્ડાવાળાનાં મોઢે પણ જાતજાતની સરસ્વતિનાં પ્રહારો વેપારીને કાનને ગંદકીથી ભરી ગયા એ ઇનામ તો વળી લટકામાં મળ્યું! હવે શું થાય.

જાણકાર સુત્રો એવું કહે છે કે, અહીં આસપાસ ગોઠવાયેલા સી.સી.ટી.વી. કેમેરામાં આખું પ્રકરણ કેદ થઇ ગયું છે. પોલીસ ચકાસણી કરે તો જ બધું સતાવાર રીતે બહાર આવે. પરંતુ અહીં તો દેશી અડ્ડાવાળાએ ત્રીજું નેત્ર ખોલીને વેપારીને ફરિયાદ કરવાની દશામાં પણ રાખ્યો નથી અને વેપારીની તમામ હિંમત ઓસરી ગઈ છે. પોલીસનાં વહીવટદારની શેહ અને આશ્રયને કારણે દેશીનાં અડ્ડાવાળો અહીં અપરાધ લીલાનું એકચક્રી સામ્રાજ્ય જમાવી ચુક્યો છે. કેમકે વ્હાલા પોલીસ વહીવટદારનાં ઈશારે અને કહેવાથી પોલીસે માનીતા દેશી અડ્ડાવાળા સિવાયનાં તમામ અડ્ડા બંધ કરાવી દીધા છે અને અન્ય વરલી ફીચડીયાને પણ ધંધો બંધ કરાવીને ભગાડી મુક્યા છે!?

પોલીસને આ ડોબા પર એટલો બધો પ્રેમ ઉભરાવવા લાગ્યો છે કે આસપાસનાં તમામ ધંધાર્થીઓને ત્યાં એકધારા દરોડા પાડવામાં આવે છે પણ આ દેશી અડ્ડાવાળો પુરપાટ તેનો ધંધો ચલાવી રહ્યો છે અને મુછમાં હસતો રહે છે. કોઈ ક્રાઈમ થ્રીલર બોલીવુડ ફિલ્મને પણ ટક્કર મારે એવી સત્ય કથાઓ સામાકાંઠાની ધરતી પર લગભગ દૈનિક ધોરણે સાકાર થઇ રહી છે.

Read About Weather here

અહીં પાર વગરનું અજુગતું બને છે. પોલીસ વહીવટદારની ફેલાયેલી અપ્રિય અને અનૈતિક પાંખો હેઠળ અજુગતી ઘટનાઓને છુપાવી દેવામાં આવે છે. આવી ઘટનાઓ ક્યારેક-ક્યારેક જ લોખંડી કિલ્લેબંધીમાંથી બહાર સરકી આવે છે. ત્યારે સામાકાંઠામાં કાયદો અને વ્યવસ્થા મૂર્તિ બનીને ઉભા રહી ગયા છે અને અસામાજિક તત્વોનું જ રાજ ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here