સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનાં ચુકાદા સામે સ્ટે આપતા કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખને ચૂંટણીઓ સમયે જ જોરદાર રાહત મળી
હવે વિધાનસભાની ચૂંટણીઓ લડી શકશે, સુપ્રીમની લીલીઝંડી: મહેસાણામાં 2015 નાં પાટીદાર અનામત આંદોલન સમયનાં તોફાનનાં કેસમાં હાર્દિકનો મોટો કાનૂની વિજય
ગુજરાતમાં એક તરફ ધારાસભા ચૂંટણીનો સળવળાટ ચાલુ થયો છે અને ખાસ કરીને આ ચૂંટણીમાં પાટીદાર ફેકટર મહત્વનું બની રહેશે તે સમયે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને એક મોટી રાહતમાં સુપ્રીમકોર્ટે તેમને ચૂંટણી લડવા માટે મંજૂરી આપી છે.
હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં તેમને 29 માર્ચ 2019ના રોજ મહેસાણામાં જે તોફાની ઘટનાઓ બની હતી તેના સંદર્ભમાં 2018માં નીચલી અદાલતે હાર્દિક પટેલને બે વર્ષની જેલસજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ આ સજા સામે હાર્દિક પટેલની અરજી ફગાવી દેતા તે 2019ની લોકસભા ચૂંટણી સમયે પણ તેઓ ઉમેદવારીની વિચારણા પણ કરી શકયા ન હતા.
હાર્દિક પટેલે હાઈકોર્ટના આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં જે ધા નાંખી હતી તેમાં આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજાના ચુકાદા સામે સ્ટે આપી દીધો છે અને હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટે મંજુરી આપી છે.
હાર્દિક પટેલના ધારાશાસ્ત્રી મનીન્દરસિંહે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાર્દિક પટેલનો પક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે તે કોઈ સીરીયલ કીલર નથી. પોલીસે પોતાની તાકાતનો દુરુપયોગ કર્યો છે અને તેને કારણે હાર્દિક પટેલને સજા થઈ છે અને તેઓ ચૂંટણી લડી શકતા નથી પરંતુ કોઈને ચૂંટણી લડતા યોગ્ય કારણો વગર અટકાવવા એ તેના મૂળભૂત અધિકારનો ભંગ છે.
સર્વોચ્ચ અદાલતે આ દલીલ સ્વીકારી હતી અને હાર્દિક પટેલને ચૂંટણી લડવા માટે મંજુરી આપી હતી.આમ હાર્દિક હવે ચૂંટણી લડી શકતા કોંગ્રેસના રાજકારણમાં પણ મહત્વનો ફેરફાર આવશે અને આ અંગે હાર્દિક પટેલ પ્રથમ વખત પોતાના રાજકીય જીવનની ચૂંટણી લડશે તે નિશ્ર્ચિત બની ગયું છે.