રાજકોટ સહિત રાજ્યમાં ૧૬ સ્કોર્પિયોની ચોરી કરનાર રાજસ્થાની ગેંગ રિમાન્ડ લેવા તજવીજ

રાજકોટ સહિત રાજ્યમાં ૧૬ સ્કોર્પિયોની ચોરી કરનાર રાજસ્થાની ગેંગ રિમાન્ડ લેવા તજવીજ
રાજકોટ સહિત રાજ્યમાં ૧૬ સ્કોર્પિયોની ચોરી કરનાર રાજસ્થાની ગેંગ રિમાન્ડ લેવા તજવીજ

રાજકોટમાં બે સ્વીફ્ટ કારમાં ચોરી કરવા આવતાની સાથે જ ક્રાઇમ બ્રાંચની ઝપટે ચડી ગયા ; જે શહેરમાં જતા ત્યાંની બોગસ નંબર પ્લેટ લગાવી ચોરી કરતા

ઈમોબીલાઈઝર, ઈસીએમ અને જીપીએસ ટ્રેકર કાઢી પોતાના ફીટ કરી દેતા

રૂ. ૨૦ લાખની ચોરાઉ કાર રાજસ્થાનના ડ્રગ ડીલરોને રૂ.૨ લાખમાં પાણીના ભાવે વેંચી નાખતા, આધુનિક કીટની મદદથી આસાનીથી કાર ઉઠાવી ભાગી જતા

શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને કાર ચોરી કરનાર ગેંગનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા સાંપડી છે. દેશના અનેક રાજયોમાંથી સ્કોર્પિયો કારની ચોરી કરનાર આંતરરાજય રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે. પોલીસે તેમની પાસેથી બે કાર, સ્કેનર ચાર્જીંગ કેબલ સાથેનું કિ-પ્રોગ્રામર સ્કેનર મશીન, જીપીએસ ટ્રેકર ઈન્સ્ટિુમેન્ટ, ચાર નંબર પ્લેટ સહિત ૭.૩૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગે રાજકોટ સહિત ગુજરાતની ૧૮ વાહનચોરી કબુલી છે. રાજસ્થાની ગેંગ સ્કોર્પિયોની ચોરી કર્યા બાદ અન્ય શખ્સોને વેચી દેતા હતા જે આ ચોરીની કારનો ગુનાહિત પ્રવૃતિઓમાં ઉપયોગ કરતા હતા. આ ગેંગના ચાર શખ્સો હજુ પોલીસને હાથ આવ્યા ન હોય તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસ યથાવત રાખી હતી.

ક્રાઈમ બ્રાંચ પી.આઈ. વી.કે.ગઢવીની રાહબરીમાં પી.એસ.આઈ પી.એમ.ધાખડા, એમ.વી.રબારી તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, નગીનભાઈ ડાંગર અને એભલભાઈ બરાળીયાને એવી સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાનની એક ગેંગ જે સ્કોર્પિયોની ચોરી કરતી હોય તે રાજકોટ વાહન ચોરી કરવા માટે આવી રહી છે આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને ઝડપી લીધા હતા જેમાં ઓમપ્રકાશ ખંગારારામ ખીલેરી (રહે.આંમ્બાકા ગોલીયા ગામ, તા.ચિતલવાના જી.જાલોર), અર્જુન ઉર્ફે અજુન રામ ઉર્ફે અનિલ રઘુનાથ રામ ખીલેરી બીસ્નોઈ (રહે.નીમલીપટલાને તા.રોહત, ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ ડારા (રહે.પુરગામ, ડારાકી, તા.રાણીવાડા) અને પીરારામ લાડુરામ જાણી (રહે.પાલડી તા.સાંચોર જી.જાલોર)ને પકડી પાડયા હતા. પોલીસે આ ગેંગ પાસેથી બે મારૂતી સ્વિફટ કાર, એકસ સ્ટુલ કંપનીનું ઈ-પ્રોગ્રામર કાર સ્નેકર ચાર્જીંગ કેબલ સાથેનું મશીન, જીપીએસ ટ્રેકર, ૪ મોબાઈલ, બે ડીસમીસ, ૪ નંબર પ્લેટ સહિત રૂા.૭.૩૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

સ્કોર્પિયો ચોરી કરનાર આંતરરાજય રાજસ્થાની ગેંગને પકડયા બાદ આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ બે સ્વીફટ કારમાં રાજકોટમાં ચોરી કરવા આવી રહ્યા હોવાની હકિકત મળ્યા બાદ પોલીસે વોચ ગોઠવી આ ગેંગને પકડી પાડી છે. ગેંગની મોડેસ ઓપરેન્ટી અંગે જણાવ્યું હતું કે, આરોપીઓ સૌપ્રથમ રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ ગાડીની રેકી કર્યા બાદ રાત્રીના ૨:૦૦ વાગ્યાની આસપાસ તેની ચોરી કરતા હતા. ચોરી કરતી વખતે સૌપ્રથમ આરોપીઓ ગાડી નીચે જઈ કારના સાયરનનો વાયર કાપી નાખતા હતા ત્યારબાદ કારની વચ્ચેના દરવાજામાં આવેલા બે કાચ પૈકી એક કાચની રીબીન કાઢી ડીસમીસથી આખો કાચ કાઢી નાખતા હતા. બાદમાં સ્ટેયરીંગ નીચે આવેલા ઈમોબીલાઇઝરના સ્ક્રુ ખોલી તે કાઢી નાખતા હતા અને પોતે લાવેલ ઈમોબીલાઈઝર ફીટ કરી દેતા હતા. બાદમાં ઈસીએમ પણ પોતાનું લગાવી દેતા હતા ત્યારબાદ જો ગાડી ચાલુ થઈ જાય તો લઈ જતા હતા અને એરર બતાવે તો પોતાની પાસે રહેલા સ્નેકરથી ગાડીમાં રહેલા ફોલ્ટ સ્કેન કરી તે દુર કર્યા બાદ ગાડી લઈ જતા હતા બાદમાં અગાઉથી નકકી થયેલા રૂટ મુજબ પોતાની અને ચોરીની કાર નકકી કરેલ સ્થળે ફુલ સ્પીડે હંકારી પહોંચી જતા હતા.

આરોપીઓ એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખતા હતા કે જીપીએસ બગ વડે ગાડી ચેક કરી લેતા જેથી કોઈ ગાડીમાં જીપીએસ લાગેલું હોય તો તેમને જાણ થઈ જતી અને જીપીએસ કાઢીને દુર ફેંકી દેતા હતા. ગાડી ચોર્યા બાદ પોતાના વતનમાં જઈ ત્યાં નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને ગાડીના ચેસીસ નંબર પર ગ્રાઈન્ડર મશીન ઘસી નાખતા જેથી ગાડીના અસલી માલિકની ઓળખ ન થઈ શકે. આ ટોળકી ગાડીને ચાલુ કરવા માટે વપરાતી કિટ કબાડી બજારમાંથી અથવા અન્ય જુની ગાડીઓમાંથી લાવતા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ગેંગ સ્કોર્પિયોની ચોરી કર્યા બાદ તેની કિંમત ૨૦ લાખ હોય તે પાણીના ભાવે ૨ થી ૩ લાખમાં વેચી દેતા હતા. આ ગેંગ મોટાભાગે મહિન્દ્રાની ગાડી વધુ પસંદ કરતા હતા કારણકે તેમના ઈસીએમ અને ઈમોબીલાઈઝર બદલાવવામાં સરળતા રહેતી હતી જેથી આ બાબતે જરૂરી સુધારા-વધારા કરવા મહિન્દ્રા કંપનીને પણ જાણ કરવામાં આવશે. પોલીસે અંતમાં જણાવ્યું હતું કે, આ ટોળકીમાં સામેલ અન્ય આરોપીઓ મોટારામ મુડારામ કડવાસરા (રહે.ચવા ગામ, તા.બાઈતુ, જિ.બાડમેર), બંસીલાલ અન્નારામ ખીલેરી (રહે.માખોત્રા, તા.રાણીવાડા, જિ.જાલોર), ઓમપ્રકાશ ઉર્ફે પિન્ટુ ખીલેરી (રહે.પાનોરીયા, તા.સેડવા, જિ.બાડમેર) અને ઓમપ્રકાશ જોલારામ ખીલેરી (રહે.અરણાઈ તા.સાંચોટ, જિ.જાલોર) પણ સામેલ હોય તેને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે તેમજ આ આંતરરાજય ટોળકીને ઝડપી લેનાર ક્રાઈમ બ્રાંચની કામગીરીને બિરદાવી પોલીસ કમિશનર દ્વારા ટીમને રૂા.૧૫૦૦૦નું ઈનામ જાહેર કર્યું છે.



રાજકોટની કારમાં નશાકારક દ્રવ્યાની હેરાફેરી કરનાર ટોળકીએ પોલીસ પર ફાયરીંગ કર્યું: બે પોલીસમેને શહિદી વ્હોરી

રાજકોટમાંથી આ ટોળકીએ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી સ્કોર્પિયો કારની ચોરી કરી હતી બાદમાં આ કાર તેમને અન્ય એક ટોળકીને વહેંચી દીધી હતી ત્યારબાદ તેનો ઉપયોગ અફીણના ડોડવાની હેરાફેરીમાં કરવામાં આવતો હતો દરમિયાન ગત તા.૧૦/૪/૨૦૨૧ના રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં કોટડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નંદરાય રોડ પર રાત્રીના કારમાં સવાર આ ટોળકીને પોલીસે અટકાવવાની કોશિષ કરતા પોલીસ ટીમ પર ફાયરીંગ કરાયું હતું જેમાં ઘવાયેલા પોલીસ કર્મચારી ઓમકારજીએ શહિદી વ્હોરી હતી. આ બનાવ બન્યા બાદ રાજસ્થાન પોલીસે કડક વાહન ચેકિંગ રાખ્યું હતું દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો કાર તથા અન્ય એક કાર ભીલવાડા જિલ્લાની હદમાં આવતા પોલીસે તેનો પીછો કરી અટકાવવાની કોશિષ કરતા ફરી પોલીસ પર ફાયરીંગ કર્યું હતું અને આરોપીઓ નાસી ગયા હતા. કારમાંથી ઝડપી દરમિયાન ૬૦૦ કિલો અફીણના ડોડવાનો ભુક્કો મળી આવ્યો હતો. આ ફાયરીંગમાં ઘવાયેલા કોન્સ્ટેબલ પવનકુમારએ પણ શહિદી વ્હોરી હતી. તેમજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારમાં તા.૧૯/૪ના ગોડાઉનમાં રેડ દરમિયાન ૧૮.૫૦૦ કિ.ગ્રા. અફીણનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ રાજકોટ તથા મોરબીમાંથી ચોરી કરેલ બંને સ્કોર્પિયો કાર કબજે કરવામાં આવી હતી તેમજ રાજકોટમાંથી ચોરાયેલ કાળી સ્કોર્પિયો ભીમ પો.સ્ટે. રાજસ્મંદ, રાજસ્થાનથી કબજે કરી છે.

Read About Weather here


ટોળકીએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી કેટલી કાર ઉઠાવી ?

પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકીએ બે વર્ષ પૂર્વે વડોદરાના પાદરા ખાતેથી આઈસર કંપનીના દુધના ટેન્કરની ચોરી હતી તેમજ ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં સુરેન્દ્રનગર રતનપર ગામ પાસેથી એક કાળા કલરની સ્કોર્પિયો, એકાદ વર્ષ પૂર્વે સુરેન્દ્રનગરમાં વઢવાણ સર્કલ પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો, ૧૧ માસ પૂર્વે નડીયાદમાંથી સફેદ કલરની સ્કોર્પિયો, આ સમયગાળા દરમિયાન પેટલાદમાંથી સફેદ કલરની સ્કોર્પિયો, વડોદરાના મકરપુરા માણેજા ચોકડી પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો, ૧૦ માસ પૂર્વે સાણંદમાં બાવડા રોડ પરથી સફેદ કલરની સ્કોર્પિયો, નવ મહિના પહેલા મોરબીમાં ઘુટુ ગામ નજીકથી કાળા કલરની સ્કોર્પિયો, આ જ સમયગાળામાં પેટલાદ પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો, આઠેક માસ પૂર્વે મોરબીમાં સરકારી ઓફિસ પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો, પાંચ માસ પૂર્વે રાજકોટમાં મોરબી જકાતનાકા પાસે બાલગોપાલ હોટલ નજીકથી કાળા કલરની સ્કોર્પિયો, ચાર માસ પૂર્વે રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી કાળા કલરની સ્કોર્પિયો, એકાદ માસ પૂર્વે કચ્છના ગાંધીધામમાંથી સફેદ કલરની ફોચ્યુનર, ૨૦ દિવસ પૂર્વે આણંદમાંથી સફેદ કલરની ર્સ્કોર્પિયો, ૭ માસ પૂર્વે ગાંધીધામમાંથી સફેદ કલરની સ્કોર્પિયો, ત્રણ મહિના પહેલા મોરબીમાંથી કાળા કલરની સ્કોર્પિયોની ચોરી કરી હતી તેમજ છ માસ પૂર્વે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરથી પાટીદાર ચોકની બાજુમાં એક કાળા કલરની સ્કોર્પિયો ચોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાવી તુટી જતા ત્રણેય નાસી ગયા હતા.


સૌરાષ્ટ્રમાં સ્કોર્પિયોનું ચલણ વધુ હોય જેથી આ ગેંગ અહીં વારંવાર આવતી

પોલીસે જણાવ્યું હતું કે, આ ગેંગ વાહન ચોરી કર્યા બાદ જેઓને આ વાહન વેચતા હતા તેઓ બ્લેક કલરની સ્કોર્પિયોની માંગ વધુ કરતા હોય અને આ કલરની સ્કોર્પિયો સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ તથા ગોંડલ વિસ્તારમાં વધારે પ્રમાણમાં વપરાતી હોય માટે આરોપીઓ રાજસ્થાનથી અહીં વારંવાર સ્કોર્પિયોની ચોરી કરવા માટે આવતા હતા. કફર્યું સમય દરમિયાન આરોપી ચોરી કરવા માટે આવતા ત્યારે ત્યાંની લોકલ સીરીઝની ખોટી નંબર પ્લેટ લગાવતા જેથી કોઇને શંકા ન જાય. મોટેભાગે ચોરી કરેલ વાહનો રાજસ્થાન નશાકારક દ્રવ્યની હેરફેર કરનાર શખ્સોને વહેંચી દેતા હતા જેથી પોલીસ પકડે ત્યારે આરોપીઓ નાસી જતા અને કાર પણ ચોરીની હોવાથી આગળ વધી શકતી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here