પૂર્વમંત્રી જયેશ રાદડિયાનાં અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ બેંકનાં વહીવટ સામે ગેરરીતિઓ, ગેરકાયદેસર વહીવટ, અનિયમિતતા તેમજ વ્યાપક ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો સામે કેટલાક સહકારી આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ જોરદાર લેખિત રજૂઆતો કરી છે. ગુજરાતનાં સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગનાં સચિવ તથા રાજ્યની સહકારી મંડળીઓનાં રજીસ્ટ્રારને એવી લેખિત રજૂઆતો કરવામાં આવી છે કે, આ બેંકમાં તમામ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે. ભરતીની પ્રક્રિયામાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં પણ રજૂઆત કરાઈ ત્યારે એવો જવાબ મળ્યો છે કે, તમારી રજૂઆત સહકાર વિભાગનાં સચિવને મોકલવામાં આવી છે. પરંતુ સચિવ તરફથી પણ કોઈ જવાબ મળ્યો નથી. ખેડૂત આગેવાનોએ બેંકમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો છે અને ખેડૂતોનાં હિત ખાતર સ્વતંત્ર તપાસ યોજવાની જોરદાર માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની આ જાણીતી બેંક સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલા પરસોતમ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા અને વિજય સખીયાએ ગુજરાતનાં સહકાર અને ખેડૂત વિભાગનાં સચિવ તથા સહકારી મંડળીઓનાં રજીસ્ટ્રાર સમક્ષ ફરી એકવખત લંબાણપૂર્વક લેખિત રજૂઆત કરી છે.આગેવાનોનાં લેખિત રજૂઆત પત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે, બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તમામ સતા બેંકનાં ચેરમેનને સોંપવામાં આવી છે. ચેરમેન પૂર્વમંત્રી છે. એટલે નિમણૂંકની સતા કેન્દ્રીય નિયામક મંડળ દ્વારા અધ્યક્ષને સોંપવામાં આવે છે. બોર્ડ કોઈ રસ લેતું નથી. ઉપરાંત વાર્ષિક સામાન્ય સભામાં સભ્યોને અપાતા વાર્ષિક અહેવાલો સંક્ષિપ્ત હોય છે. બેંકની નાણાંકીય સ્થિતિનું યોગ્ય ચિત્ર અપાતું નથી. બેંક સાથે જોડાયેલી સભ્ય મંડળીઓ પાસે બેંકનાં રેકર્ડની તપાસની સતા હોવા છતાં ચેરમેનનાં કહેવાથી સભ્ય મંડળીઓને રેકર્ડ તપાસવા અપાતો નથી. આ રીતે બેંક પેટા કાયદા નંબર -47 હેઠળ ફરજોનું પાલન કરવા બંધાઈ હોવા છતાં ફરજ પાલન કરાતું નથી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વાર્ષિક બેલેન્સ સીટ તૈયાર કરાતી નથી. વાર્ષિક સામાન્યસભામાં પણ સભ્ય સોસાયટીઓને માહિતી અપાતી નથી.
ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી છે કે, ચેરમેનનાં રાજકીય દબાણને કારણે બેંકની ગેરરીતિઓ બદલ સતાવાડાઓ કોઈ પગલા લેતા નથી. બેંકનાં વહીવટમાં ગેરવહીવટ, ગેરરીતિ, ગેરકાયદેસરતા, અનિયમિતતા અને મોટાપાયે ભ્રષ્ટાચાર માટે તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. લેખિત આવેદન જણાવે છે કે, આ બેંક રૂ.10840 કરોડનો વાર્ષિક વ્યવસાય ધરાવે છે. તેની 199 શાખાઓ અને 1100 કર્મચારીઓ છે. તેમાં જાહેરહિત અને ખેડૂતોનું હિત સમાયેલું છે.એવી રજૂઆત પણ થઇ છે કે, ભરતીનાં મામલે પણ મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. મિલ્કતોની ખરીદી હોય કે વેચાણ વ્યાપક ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી છે પણ નાબાર્ડ પેનલનાં ઓડીટર દ્વારા આવી કોઈ અનિયમિતતાને પ્રકાશિત કરવામાં આવી નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, બેંક માટે નવી ઈમારત બની ત્યારે જૂની ઈમારત બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચવામાં આવી હતી. જૂની ઈમારતની જે તે સમયે કિંમત રૂ.8 કરોડથી વધુ હતી પણ ચેરમેને રૂ.2.55 કરોડમાં ખાનગી પાર્ટીને વેંચી છે અને બેંકને નુકશાન પહોંચાડ્યું છે. આવેદનમાં એવી પણ રજૂઆત થઇ છે કે જિલ્લા રજીસ્ટ્રારની કચેરી કોઈ સહકાર આપતી નથી. જયારે કોઈ અરજી દ્વારા બેંક વિશે કોઈ માહિતીની માંગ કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં તેની નકલ બેંકનાં અધ્યક્ષને મોકલી આપવામાં આવે છે અને અરજદાર પર અરજી પાછી ખેંચવાનું દબાણ શરૂ થઇ જાય છે. જિલ્લા રજીસ્ટ્રાર તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ મોટાભાગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ગેરહાજર રહીને બેંકની ગેરરીતિઓ સામે મૂકદર્શક બની ગયા છે.
આથી જિલ્લા રજીસ્ટ્રાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવેદનમાં એવું પણ જણાવાયું છે કે, બેંકનાં ચેરમેન દ્વારા બોર્ડની ચૂંટણીઓ કરાવવામાં કેટલું ગેરકાયદેસર કરવામાં આવ્યું છે એ અંગે પણ અમે સરકારનું ધ્યાન દોર્યું છે. બેંકનાં ડિરેક્ટરો અને ભરતી બાબતે કાયદાની જોગવાઈઓનું ઉલંઘન કેવી રીતે થાય છે તેની વિગતો પણ અમે આપી છે. ગુજરાતનાં સહકારી ચૂંટણી નિયમો મુજબ એક તાલુકામાં નોંધાયેલ મંડળીઓનો ઉલ્લેખ એક મતદાર મંડળમાં થવો જોઈએ. તેને અન્ય તાલુકામાં ખસેડી ન શકાય. જો એક તાલુકામાં વધુ મંડળીઓ હોય તો ડેપ્યુટી કલેકટર દ્વારા મતદાર યાદી તૈયાર કરતી વખતે એકંદર રેસીયો જોવો પડે અને તે મુજબ બાકીની સોસાયટીઓને મતદાર મંડળ અને મતદાર યાદીની તૈયારીમાં બાજુનાં તાલુકામાં ખસેડવાની હોય છે પરંતુ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ બેંક દ્વારા આ પ્રથા અનુસરવામાં આવી નથી. સરકાર પર દબાણ કરીને મતદાર યાદીઓ તૈયાર કરવામાં ગેરરીતિઓ આચરવામાં આવી છે.
Read About Weather here
આવેદનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બેંકનાં ચેરમેને જિલ્લા રજીસ્ટ્રાર, સ્ટેટ રજીસ્ટ્રાર અને ડેપ્યુટી કલેકટર સાથે મળીને કોઈ ચૂંટણી લડી ન શકે તેવી રીતે મતદાર યાદી તૈયાર કરીને આખી ચૂંટણી પ્રક્રિયાને હાઈજેક કરી નાખી છે. બિનહરીફ ચૂંટણી કરાવવા માટે સતાનો દૂરઉપયોગ થયો છે અને બેંકનાં તંત્ર દ્વારા મંડળીઓ પર દબાણ કરાયું છે તેની તપાસ થવી જોઈએ. મેનેજીંગ કમિટીનાં સભ્યો ખેડૂત સભ્યોનાં હિતમાં વાંધો ઉઠાવતા નથી અને અદાલતમાં જતા નથી. ભરતી પ્રક્રિયામાં પણ તમામ નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. કાયદેસર કોઈપણ પ્રક્રિયાને અનુસર્યા વિના ભરતી કરવામાં આવે છે. દેખાવ ખાતર જે ભરતી માટે આઉટસોર્સિંગ એજન્સીની સેવા લેવાય છે તેને અધ્યક્ષની પસંદગીની યાદી જ મોકલી દેવામાં આવે છે. આ રીતે ભરતી માટેની વૈજ્ઞનાથન કમિટીની ભલામણોનો અમલ કરાતો નથી. જો બેંક સામે નિષ્પક્ષ તપાસ કરીને સરકાર પગલા નહીં લે તો નાછૂટકે અમારે હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here