હાલમાં વિશ્ર્વમાં સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો પાણીની સમસ્યા છે. હવે પછી જો ત્રીજુ વિશ્ર્વયુદ્ધ થશે તો પાણી માટે થશે. આજે પશુ – પક્ષી, જીવજંતુ, માનવ જાતને જો બચાવવી હોય તો સૌથી પહેલાં ખેતી બચાવવી પડ્યું અને ખેતીને બચાવવા માટે પાણી બચાવવું અતિ જરૂરી છે. પરંતુ સરકાર દ્વારા બંધાયેલા રાજકોટ જિલ્લાના 3000 થી વધુ ચેકડેમો તૂટી ગયા હોઇ તેની પાણી સંગ્રહ ક્ષમતા વધારવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો જરૂરી બની ગયા હોવાનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવીને ઉમર્યું છે કે, સામાન્ય રીતે નીચેથી, વચ્ચેથી કે સાઈડમાં થોડો તૂટી જવાથી આખો ડેમ નકામો બની જતો હોય છે. ગમે તેટલો વરસાદ પડે પણ ડેમમાં એક ટીપું પાણી રહેતું નથી. ઘણા ચેકડેમોમાં વધુ વરસાદથી ખેતરોની ધોવાયેલ માટી ભરાઈ જતી હોવાથી પાણીની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે. અને પાણી તળમાં ઉતરતું નથી. આવા ચેકડેમોમાંથી માટી કાઢીને ખેડૂતોને મળે તો તેમની જમીનમાં ફળદ્રુપતા વધે છે અને ડેમમાં પાણીની ક્ષમતામાં વધારો થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
વર્ષો પહેલાના જૂના ઓછી ઊંચાઈ વાળા ચેકડેમોની પાણીની ક્ષમતા ઓછી છે તો સામાન્ય રીતે તે ચેકડેમોની એકથી બે ફૂટ પાળીની ઊંચાઈ વધારવામાં આવે તો ડેમમાં પાણીની ક્ષમતા હોય તેનાથી ડબલ થઈ જતી હોય છે. આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા અને તેમની ટીમ દ્વારા ચેકડેમ ર્જીણોધ્ધાર કરવાનું નક્કી કરેલું છે. કે જેનાથી ગુજરાતના ખેડૂતોની ખેતીની આવક વધી જશે, પ્રકૃતિનું રક્ષણ થશે અને દરેક જીવોની સુરક્ષા થશે. તેમણે સર્વે કરવા સાથે જણાવ્યું છે કે, સૌથી પહેલા રાજકોટ જિલ્લાના 594 ગામોની અંદર લગભગ 3000 થી વધારે ચેકડેમો તૂટેલા છે. જે ચેકડેમોને રિપેરિંગ કરવા, ઊંચા લેવા તેમજ ઊંડા કરવાની જરૂર છે. જેની દાતાઓના સહયોગથી શરૂઆત કરી છે.
ચોમાસા પહેલા ભીખાભાઈ વિરાણીના સહયોગથી વાજડી ગામની નદી પર 2 ચેકડેમ તેમજ જેતાકૂબા ગામમાં 5 ચેકડેમ ઊંચા લેવા – ઊંડા ઉતારવા અને રીપેરીંગ કરવાનું કાર્ય પૂર્ણ થયું છે. જેના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જેતાકુબા ગામે ડો. પ્રકાશભાઈ મોઢા, મોટામવા ગામના સરપંચ તેમજ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર વિજયભાઈ કોરાટ, નારણભાઈ લુણાગરિયા, કિશોરભાઇ કાથરોટીયા, ડો. પરમાર, દિનેશભાઈ ખૂંટ તેમજ રતિભાઈ ખૂંટ ખાતમુહૂર્તમાં અલગ અલગ ડેમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે માધવજીભાઈ પાંભરના સહયોગથી ઇટાળા ગામમાં 3 ચેકડેમ રિપેરિંગ કરેલ છે. જે ચેકડેમોના ખાતમુહૂર્તમાં રા.લો. સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજ હોસ્પિટલના માલિક રમેશભાઈ ઠક્કર, સહકારી મંડળીના પ્રમુખ બકુલસિંહ જાડેજા, સરપંચ પ્રવીણભાઈ વેકરીયા તેમજ લાખાભાઈ ચોવટીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રકાશભાઈ કનેરિયા (માધવબાગ) ના સહયોગથી દેવગામમાં 1 ચેકડેમ તથા રવિભાઈ પોપટાણીના સહયોગથી ખીજડીયામાં 2 ચેકડેમ રિપેરિંગ કરેલ છે. આમ શ્રી રાધે બોરવેલના ધનજીભાઈ ગમઢા તેમજ અન્ય નાના – મોટા દાતાઆના સહયોગથી કૂલ 13 ચેકડેમોનો ર્જીણોધ્ધાર કરેલ છે. જેમાંથી આજે અડધાથી વધુ ચેકડેમોમાં કરોડો લિટર પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે.
જર્જરીત ચેકડેમને નવો ચેકડેમ બનાવવા 5 થી 50 લાખ રૂપિયા જોઈએ. પણ તેને સમયસર રીપેરીંગ કરાય તો નજીવા ખર્ચે ચેકડેમને બચાવી શકાય છે. વર્ષે લગભગ પાંચથી સાત વાર ડેમ ભરાય તો આખા વર્ષમાં પાણીની કોઈ દિવસ તંગી પડતી નથી. પાણી બચાવવાથી સંપૂર્ણ પ્રકૃતિની રક્ષા થાય છે. જિલ્લાના દરેક ગામના લોકો – આગેવાનોને વિનંતી છે કે પોતાના ગામમાં તૂટેલા, માટી ભરાયેલા કે ઊંચા લેવા પડે તેવા ચેકડેમ હોય તો તેની યાદી 9409692693 પર પહોંચાડવી. જેને દાતાઓના સહયોગથી રીપેરીંગ કરાશે. આ સાથે ગામ લોકો, ધાર્મિક સંસ્થાઓ, ફેક્ટરી માલિકો, બિઝનેસમેનો, સહકારી સંસ્થાઓ તેમજ ગામડામાંથી મોટા શહેરો કે વિદેશોમાં વસતા સુખી સંપન્ન પરિવારોને પોતાના જ ગામમાં સેવા કરવાનો મોકો છે અને દાતાઓ મદદ કરવા માટે સિમેન્ટ, રેતી, કપચી, ટ્રેક્ટર તેમજ લોખંડ દ્વારા સહયોગ આપી શકે છે. જેનાથી ગામની ખેતી, પશુ, પક્ષી અને પ્રકૃતિને બચાવવાનું મોટું કામ થશે.
Read About Weather here
ગીરગંગા પરિવાર ટ્રસ્ટની આ ઝુંબેશથી માત્ર રાજકોટના નહીં પરંતુ આખા ગુજરાત અને ભારતમાં બધા લોકોને ફાયદો થશે. આ ઝુબેશ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા તેમજ કમિટીના સભ્યો દિનેશભાઈ પટેલ, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, માધવજીભાઈ પાંભર, લક્ષ્મણભાઈ શિંગાળા, મનિષભાઈ માયાણી, અશોકભાઈ મોલિયા, રતિભાઈ ઠુંમર તેમજ ભરતભાઈ પીપળીયાના સહકારથી સાર્થક કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here