રાજકોટના જુના-નવા પુલનું સમયાંતરે ચેકિંગ જનહિતમાં જરૂરી

રાજકોટના જુના-નવા પુલનું સમયાંતરે ચેકિંગ જનહિતમાં જરૂરી
રાજકોટના જુના-નવા પુલનું સમયાંતરે ચેકિંગ જનહિતમાં જરૂરી
એક જ્ઞાની પુરૂષનું જાણીતું વાક્ય છે કે, ‘જવાબદારી એ ઘરમાં રાખેલા કુંડાના છોડ સમાન છે, છોડને મોટા થવાનો અધિકાર નથી પણ તેને કાયમ લીલુંછમ રહેવું પડે છે’ એવું જ કાંઇક સામાજીક અને રાજકીય જવાબદારીઓ વિશે કહી શકાય. ખાસ કરીને જ્યારે દેશ કે શહેરના સંચાલનની વાત આવે ત્યારે જવાબદારીની ભાવના સદાય લીલીછમ રાખવી પડે છે. જો જરાપણ ચૂક થાય તો છોડ સુકાઈ જતા વાર નથી લાગતી. આ વાત આજે એટલા માટે યાદ કરવી પડે છે કે, તાજેતરમાં આપણે એક મોટી દુર્ઘટનાના સાક્ષી બનવું પડ્યું છે. એટલે મનમાં અનેક સવાલો સ્વાભાવિકપણે પેદા થયા છે. વાત સરકારી ધોરણે થતા જાહેર સુખ-સુવિધાના બાંધકામો અને સ્થળો અંગેની છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબીમાં રીનોવેશન પછી પણ એક પુલ તૂટી પડે છે અને સેંકડોના જાન લઇ લ્યે છે. એ દર્દનાક ઘટના એવો બોધપાઠ આપી રહી છે કે, જરાય ગફલતમાં રહેવું પાલવે તેમ નથી. એટલે જ આપણા વડીલો કહી ગયા છે કે, ‘ચેતતો નર સદા સુખી’ વાત આપણે રાજકોટની કરીએ. લોકલાગણીનો એવો પડઘો સંભળાઈ રહ્યો છે કે, સતત ચારેય દિશામાં ફૂલતા-ફાલતા-પ્રસરતા રાજકોટ મહાનગરમાં લાગતાવળગતા તમામ સરકારી વિભાગો કે તંત્ર વાહકો એમની કાયમી જવાબદારી પરત્વે સતર્ક છે ખરા? કે રાબેતા મુજબ નિંદ્રાધીન અવસ્થામાં છે?
રાજકોટ શહેરમાં દિવસે- દિવસે વસ્તી વધી રહી છે. વાહનોની સંખ્યા વધી રહી છે.

દાયકા પહેલા પહોળા લાગતા રસ્તા વધતી વસ્તી અને વાહનોના ખડકલાને કારણે હવે આપણને રાજમાર્ગને બદલે કેડી જેવા લાગવા માંડ્યા છે. રસ્તાઓ દિવસે- દિવસે સંકોચાતા હોય એવી અનુભૂતિ આપણને રોજીંદા જીવનમાં થતી રહે છે. આવા સંજોગો અને પરિસ્થિતિમાં નગર નિયોજ્કોની જવાબદારી અનેકગણી વધી જાય છે. એવું કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે.રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. કાઠીયાવાડની ધરાનું ગૌરવરૂપ પાટનગર છે. હવે સ્માર્ટ શહેરમાં તેની ગણતરી થવા લાગી છે. દેશમાં રાજકોટ વ્યાપારી, ધંધાકીય દ્રષ્ટિએ પણ અને નાગરિક સુખ-સુવિધાઓની દ્રષ્ટિએ પણ ‘પાંચમાં પુછાતું’ મહાનગર બન્યું છે. પણ માત્ર પોતાના યશોગાન કે સિધ્ધીઓના ગુણગાન સાંભળીને બેઠા રહેવું એ આધુનિક યુગમાં પોસાય નહીં. જેમ જેમ સુવિધાઓ વધે છે તેમ- તેમ નગર નિયોજ્કોની જવાબદારી પણ વધે છે.

ઉદાહરણરૂપે આપણે જન સુવિધા માટે કોઈ પુલ કે કોઈ માર્ગ તૈયાર કર્યો એ સારી વાત છે. વિકાસ થવો જ જોઈએ અને થઇ પણ રહ્યો છે. છતાં આજના જમાનાની એ માંગ છે કે, ઉભી કરાયેલી સુખ સુવિધાના આગળ જતા શું હાલ-હવાલ થયા છે. તેની જાણકારી રાખવાનું પણ આવશ્યક નહીં બલ્કે જરૂરી છે. એ સુવિધા ઉભી કરીને આરામથી નિંદ્રાધીન થઇ જવાનું કોઈપણ સરકારીતંત્ર માટે તેની જવાબદારી તરફથી પીઠ ફેરવી લેવા જેવું ગણાય અને એ જનહિતમાં પણ યોગ્ય નથી.મોરબીની ઘટનાએ આપણી નિંદ્રા ખંખેરી નાખી ન હોય તો એ નવાઈ લાગશે. રાજકોટમાં તાજેતરમાં કેટલાક નવા અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજનું નિર્માણ થયું છે. કેસરી હિન્દ જેવા અંગ્રેજ સમયના પુલ પણ રાજકોટની શાન વધારે છે. હવે સવાલ મહત્વનો એ છે કે, શું નવા- જુના પુલ યા તો ભારે જન અવરજવરવાળા એવા જાહેર સ્થળોનું સમયાંતરે ચેકિંગ થતું રહે છે ખરું?

કમનશીબે અત્યારે તો આ સવાલનો જવાબ ના માં જ આપવો પડે. કેમકે આપણે જોયું છે તેમ અને એવા અનુભવ પણ થયા છે પુલ કે માર્ગ જેવા જાહેર સુખ- સુવિધાના બાંધકામોના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરે એજન્સી આરામથી ગોદડું ઓઢીને સુઈ જાય છે. લાગતા-વળગતા સરકારી વિભાગો પણ એ સુવિધા બની ગયા પછી જાણે મોટો મીર માર્યો હોય તેમ માનીને આરામથી બેપરવાહ થઇ જાય છે. મોરબી આપણને શીખડાવી ગયું છે કે, હવે આવી લાપરવાહીનો જે શિરસ્તો ચાલ્યો આવે છે તેના પર પૂર્ણવિરામ મુકવું જ પડશે.રાજકોટ ચારેય દિશામાં ફૂલતું-ફાલતું મહાનગર બની રહ્યું છે. સેંકડો નવા વિસ્તારો અસ્તિત્વમાં આવ્યા છે. રાજકોટની ચારેતરફના પાદરના ગામો પણ શહેરમાં ભેળવી દેવામાં આવ્યા છે. એવા સમયે જયારે કોઈપણ મહાનગર અતિશય વેગપૂર્વક વિકસતું જતું હોય ત્યારે નાના-મોટા અનેક રોજીંદા પ્રશ્ર્નો ઉભા થતા હોય છે. તેમની એક મોટી અને મહત્વની સમસ્યા ટ્રાફિકજામની હોય છે. સતત રોજ નવા- નવા વાહનો મહાનગરના માર્ગો પર ફરતા થાય છે. જેના કારણે એક સમયે પહોળા દેખાતા માર્ગો પણ સંકોચાઈ જતા દેખાઈ છે અને ટૂંકા પડી રહ્યા છે.

ટ્રાફિકની સમસ્યાઓ લોકોનું કાયમી શિરદર્દ બની છે. એટલે હમણાં તાજેતરમાં આપણા મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ત્રણ નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે અન્ડરબ્રિજ પણ બન્યા છે. જયારે લોકોની જાનમાલની સુરક્ષા માટે આ તમામ પુલોના બાંધકામનું ક્વોલીટી ચેકિંગ સમયાંતરે થતું રહે એ અત્યંત જરૂરી બન્યું છે. આમ્રપાલીનો રેલવે અન્ડરબ્રિજ બન્યો ત્યારબાદ પહેલા જ વરસાદમાં અંદરથી પાણીનો ચુવાક થવા લાગ્યો હતો. જેનો જે તે સમયે સૌરાષ્ટ્ર ક્રાંતી અખબારે પર્દાફાશ પણ કર્યો હતો. અખબારે ધ્યાન દોર્યા બાદ ગભરાયેલા તંત્ર દ્વારા પુલના કોન્ટ્રાકટરને તાબડતોબ દોડાવવામાં આવ્યો હતો અને એ કોન્ટ્રાકટરે તેના નબળા કામની ભૂલ પર પડદો પાડવા થાગડ-થીગડ કરીને લીકેજને ઢાંકી દીધા હતા.
તંત્રવાહકોએ કાર્યવાહીની વાતો કરી હતી પણ કોઈ કાર્યવાહી થઇ નથી. ખેર અત્યારે તો પુલ સલામત છે. પણ ભવિષ્યનું શું?રાજકોટ મહાનગરમાં જેટલા નવા-જુના ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ થયા છે એ તમામનું સમયાંતરે ચેકિંગ અને નિરીક્ષણ કરવાની વ્યવસ્થા દરેક લાગતાવળગતા સરકારી વિભાગોમાં ઉભી કરવી જોઈએ. પુલ સહિતના આવા તમામ જાહેર સુવિધાના બાંધકામોનું વખતો-વખત ક્વોલીટી ચેકિંગ થતું રહે એવી અલગ વ્યવસ્થા શહેર કે જિલ્લા તંત્રમાં ઉભી થવી જ જોઈએ. શહેરની સલામતી માટે એ અત્યંત આવશ્યક છે.
રાજકોટ જેવા મહાનગર માટે જવાબદારી નિભાવવામાં કોઈપણ પ્રકારની સુસ્તી કે ગફલત કે નાની પડતી ભૂલ ભારે પડી શકે છે. નિર્માણ કાર્ય બાદ કોઈપણ કોન્ટ્રાકટર કે એજન્સી તેની જવાબદારીથી મુક્ત થઇ શકે નહીં. પીર્યોડીક ચેકિંગમાં બાંધકામમાં જરાપણ નબળાઈ કે ભૂલ દેખાઈ તો તાત્કાલિક જે તે એજન્સી કે કોન્ટ્રાકટર સામે કોઈ જાતની પક્ષાપક્ષી કે ભેદભાવ વિના કડક પગલા લેવા જોઈએ.

Read About Weather here

આપણે ત્યાં તો હંમેશા એવું બનતું હોય છે કે, ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા’ જેવો ઘાટ સર્જાઈ છે. કાંઇક અજુગતું બને પછી ખુબ જ દોડાદોડી મચાવી દેવામાં આવે છે. તપાસ સમિતિઓ રચાય છે, લોકોને ખાતરીઓ આપવામાં આવે છે પણ થોડો સમયે વીતે એટલે ઉભરો શાંત થઇ જાય છે. જાણે કઈ બન્યું નથી તે ફરી બધું રાબેતા મુજબ ચાલવા લાગે છે. હવે એ જળમાનસિકતાની ધૂંસરી માંથી મુક્ત થવું જ પડશે. રાજકોટ કે એવા મહાનગરોમાં જાહેર બાંધકામોમાં સેજ પણ ભાંગતોડ દેખાય તો તાબડતોબ એ કોન્ટ્રાકટ કે એજન્સીને બ્લેકલીસ્ટ કરી દેવા જોઈએ. જનતાનું કામ કરવા બેઠા હોય ત્યારે દરેક શાસકો માટે જનહિત જ સર્વોપરી હોવું જોઈએ. કોઈને છાવરે કે બચાવે એ સિસ્ટમનો હવે ત્યાગ કરવો જ પડશે અને પ્રેક્ટીકલ બનવું પડશે. મહાનગરના નગર નીયોજ્કો આ વાત સાંભળશે ખરા? કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે નબળા બાંધકામનો અવકાશ જ ન રહે એવી સચોટ સર્વગ્રાહી અને નક્કર વ્યવસ્થા કરવાની જવાબદારી મનપા અને તમામ સરકારી વિભાગોના શિરે રહે છે. પારદર્શકતા એ પ્રજા માટે જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here