સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા અભેરાઇ પર ચડાવી દઇ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને બુધવારે ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજી ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરોની પસંદગી કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના એચઓડી ડો.સમીર વૈદ્યે જણાવ્યું હતું કે, કુલ 24 ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા જેમાંથી બે ઉમેદવાર ક્વોલીફાય ન હોય તેમને રિજેક્ટ કરાયા હતા. જ્યારે બાકીના 22 ઉમેદવારના ઇન્ટરવ્યૂ લઇ તેમાંથી 4ની પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીની પ્રોસેસમાં કુલપતિના નોમિની તરીકે ડો.મિહિર જોશી અને સિન્ડિકેટ સભ્ય ડો.ગિરીશ ભીમાણી હાજર રહ્યા હતા. જ્યારે ફેકલ્ટી ડીન ડો.મેહુલ રૂપાણી અને એક્સપર્ટ ડો.નીતાબેન શાહ ઓનલાઇન હાજર રહ્યા હતા.
એક્સપર્ટ આવી શકે તેમ નથી તેવી મને કોઇએ લેખિત જાણ કરી નથી
ભરતી પ્રક્રિયામાં એકપણ ભવનના અધ્યક્ષે કે ઉમેદવારે એક્સપર્ટ રૂબરૂ હાજર નહીં રહી શકે, ઓનલાઇન હાજર રહેશે તેવી જાણ કરી નથી. તેમજ કોઇ એક્સપર્ટે પણ મને રૂબરૂ નહીં આવી શકે તેવી ટેલિફોનિક કે મેસેજથી કે અન્ય રીતે જાણ કરી નથી. > ડો.નીતિન પેથાણી, કુલપતિ
આજે ફિઝિક્સ વિભાગમાં ઇન્ટરવ્યૂ
ગુરુવારે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં અધ્યાપકોની કરાર આધારિત ભરતી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા યોજાશે.