રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયો કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેનો પરિસંવાદ
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રાજકોટ કેન્સર સોસાયટી ના સંયુકત ઉપક્રમે અનિલાબેન કોઠારી કેન્સર ચિકિત્સા ભવન ખાતે ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ યોજાયો હતો.
દેશમાં મોઢા અને ગળાના કેન્સરનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે: ડો.વી.કે. ગુપ્તારાજકોટ કેન્સર સોસા. ચિકિત્સા ભવન મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, રોજીંદી જીવન શૈલીમાં નજીવો બદલાવ કરવાતી કેન્સરથી બચી શકાય છે.
Subscribe Saurashtra Kranti here
રાજકોટના મીડિયા કર્મીઓ માટે યોજાયેલા કેન્સર પ્રત્યેની જાગૃતિ અંગેના પરિસંવાદમાં કેન્સર ચિકિત્સા ભવનના મેડિકલ ડાયરેકટર ડો.વી.કે. ગુપ્તાએ સમગ્ર વિશ્ર્વ, દેશ અને ગુજરાતમાં હાલ કેન્સરની સ્થિતિ અને કેન્સર સામે જાગૃતિની જરૂરીયાત અંગે કહ્યું હતું કે સમગ્ર દેશમાં મોઢું અને ગળાના કેન્સરનુ સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે, જે માટે તમાકુનું સેવન કારણભૂત છે,આથી તમાકુનું સેવન ટાળવું જ જોઈએ. સમગ્ર વિશ્વમાં જોવા મળતા કેન્સર પૈકી પાંચથી દસ ટકા વારસાગત કારણોસર અને 90 ટકા કેન્સર લાઇફ સ્ટાઇલ આધારીત જણાતા હોય છે.
કેટલાક કેન્સર ખાસ કરીને જીવનશૈલી બદલાવ અને વ્યસન ન કરવાથી અને જરૂરી એડવાન્સ ટેસ્ટ સહિતની સતર્કતાથી 50 ટકા સુધી કેન્સર ટાળી શકાય તે પ્રકારના હોય છે, પ્રતિ વર્ષ 12 લાખ લોકો દેશમાં કેન્સરથી મૃત્યુ પામે છે. સૂર્યપ્રકાશથી બચવા, રસી લેવા, નિયમિત સમયાંતરે શારીરિક પરીક્ષણો કરવા, જોખમી વર્તણૂકો ટાળવા, તમાકુના વ્યસનથી બચવા વગેરે જેવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
કેન્સર રોગનું નિદાન થયા બાદ તબીબી અધિકારી સલાહ વગર જરૂરી રેડિયેશનવાળા તબીબી પરીક્ષણો ન કરાવવા તથા જરૂરી પ્રાથમિક જાણકારી મેળવવા પર ડો. ગુપ્તાએ ભાર મૂક્યો હતો.
મુંબઇના કેન્સર તજજ્ઞ ડો. વિક્રમ સંઘવીએ પ્રશ્ર્નોત્તરીના માધ્યમથી ઉપસ્થિત પત્રકારોની કેન્સર અંગેની જિજ્ઞાસા સંતોષી હતી. રાજકોટ ખાતે કરાઈ રહેલા કેન્સર રોગને નાથવાના પ્રયત્નોમાં કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની ભૂમિકાની તેમણે ખૂબ સરાહના કરી હતી. કેન્સર અંગે જનજાગૃતિ કેળવવા માટે ગ્રાસરૂટ લેવલે કામ કરતા ભાવનગરના વર્ષાબેન જાનીએ કેન્સર અંગેના પોતાના અંગત અનુભવો મીડીયા કર્મીઓ સમક્ષ વર્ણવ્યા હતા અને ગ્રામ્ય તથા વંચિત વિસ્તારોના નાગરિકોને કેન્સરની પૂરેપૂરી સારવાર લેવા હિમાયત કરી હતી. કેન્સરથી બચવા માટે ઘરનો જ ખોરાક લેવા, ઓર્ગેનિક આહારનો આગ્રહ કેળવવા, સતર્કતા દાખવવા, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, નિયમિત જીવનશૈલી અપનાવવા વગેરે પર જાનીએ ભાર મૂક્યો હતો.
સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવે સ્વાગત પ્રવચન કર્યું હતું. ભુજના નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસીયાએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. અને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.
Read About Weather here
આ પરિસંવાદમાં સંયુક્ત માહિતી નિયામક એસ.એમ. બુબડીયા, નાયબ માહિતી નિયામક નીરાલા જોષી, રાજકોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સભ્યો, ઇન્ટર્ની જર્નાલિસ્ટસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન દવેએ અને આભાર દર્શન સહાયક માહિતી નિયામક હેતલભાઈ દવેએ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here