રાજકોટમાં લેન્ડગ્રેબીંગ કરનારાઓ દ્વારા અપનાવાતા જાતજાતના તરકટો
40 વર્ષ પહેલા સોદો કરનારા 30 થી 35 પ્લોટધારકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ: જામનગર રોડ પર હોટેલ ધરાવતા બે શખ્સો સામે કલેકટરમાં રજૂઆત કરતા વૃધ્ધ
રાજકોટમાં લોકોની કિંમતી જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ છાસવારે પ્રકાસમાં આવતા રહે છે. પણ જમીન માફીયાઓ લોકો સાથે છલકપટ કરવાના કેવા અવનવા રસ્તાઓ અને તરકટોનો આસરો લે છે તેની હકીકતો પીડિત લોકોની ફરીયાદો બાદ હવે પ્રકાશમાં આવી રહી છે. લગભગ 4 દાયકા પહેલા 30 થી 35 લોકોને જમીનના પ્લોટ વહેંચીને બાદમાં ભૂ-માફિયાઓએ પ્લોટ ધારકોને ડીંગો બતાવી દીધો હોવાની ગંભીર હકીકતો ઉધાડી પડી છે.
જામનગરમાં રહેતા શાસ્ત્રી નટરાજભાઇ હરજીવનભાઇ મહેતા નામના કર્મકાંડી બ્રાહમણ અને પૂર્વ શિક્ષકે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ ધા નાખી છે અને પોતાને પ્લોટ વહેંચી દીધા બાદ ના મુકર ગયેલા બે ભૂ-માફિયાઓ સામે ગંભીર ફરીયાદો સાથેની અરજી કરી છે. આ ભૂ-માફિયા પૈકિના એકને જામનગર રોડ પર હોટેલ હોવાનું બહાર આવ્યું છે અને આ બન્ને શખ્સો પોતાને ભાજપના કાર્યકર તરીકે ગણાવતા હોવાનું પણ બહાર આવ્યું છે.
જામનગરવાસી સીનીયર સિટીજન નટરાજભાઇ મહેતાએ જિલ્લા કલેકટર રાજકોટને એવી લેખીત રજૂઆત કરી છે કે, મારી આર્થીક સ્થિતિ નાજૂક હોવા છતાં અમે માંડમાંડ જમીન ખરીદી ત્યારે 694 વારનો મેઇન કાટખુણાનો મારો પ્લોટ નંબર-4 મેં પસંદ કર્યો હતો. એ પેટે મે ત્યારે બોણીના રૂપિયા 251 હીરાભાઇને આપ્યા હતા. મારા શ્રીમતીની નાગરીક બેંકના શેર પર લોન લઇને મેં રૂ.8 હજારનું ચુકવણું હિરાભાઇને કર્યુ હતું.
ત્યારબાદ 2011ની સાલમાં હિરાભાઇને વારસાઇ મિલકત બાબતે ગાર્ડન પરોઠાવાળા કરણાભાઇ સાથે કોઇ કુસંપ થયો હતો. આથી બધા પ્લોટ હોલ્ડરને રણછોડ નગર પાણીના ધોડા પાસે બગીચામાં બોલાવ્યા હતા. વ્યકિતી દીઠ રૂ.15 હજાર એકત્ર કરાવી 30 થી 35 પ્લોટ ધારકોને અંધારામાં રાખી વકીલ રોકી કરણાભાઇ સામે હિરાભાઇએ દાવો દાખલ કરાવ્યો હતો. આ કેસ બાદમાં અમદાવાદની કોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ હકિકતે અમારા પ્લોટ પચાવી પાડવા બન્ને શખ્સોએ કારસો રચ્યો હતો. એવો આક્ષેપ અરજદારે અરજીમાં કર્યો છે.
અમે જયારે જમીનના પ્લોટ માંગવા જઇએ છીએ ત્યારે હિરાભાઇ સાફ ના કહી દે છે અને ખો આપે છે કે કરણાભાઇને મળી લો. રાજકોટથી જામનગર 4 વર્ષમાં અનેક ધક્કા થયા છે. હજારો રૂપિયાનું પેટ્રોલ બારયું છે. જામનગરથી રાજકોટ આવવા ટીકીટના ખર્ચા કર્યા છે પરંતુ પ્લોટ ધારકો સાથે વિશ્ર્વાસધાત કરવામાં આવ્યો છે અને પ્લોટનું વેંચાણ કર્યા પછી પણ પ્લોટ આપવામાં આવ્યા નથી.
આથી ના છૂટકે આજીડેમ પોલીસ ચોકી રણુજા મંદિર પાસે લેન્ડગ્રેબીંગ અંગેની ફરીયાદ પણ નોંધાયવી છે. અરજદારે દર્શાવ્યું છે કે, પોલીસમાં ફરીયાદ નોંધાવ્યા છતાં આજીડેમ પોલીસે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરી નથી. છેક ગયાં વર્ષે 1 ડિસેમ્બર 2020નાં રોજ આજીડેમ પોલીસ ચોકીમાં ફરીયાદ દાખલ કરાવ્યા છતાં અમને પ્લોટ ધારકોને ન્યાય આપવામાં આવ્યો નથી અને જમીન વહેંચીને ફીર ગયેલા તત્વો સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. અરજદારે આ દિશામાં ન્યાય અપાવવા જિલ્લા કલેકટરને વિનંતી કરી છે. અરજદારે જે બે શખ્સો સામે ફરીયાદ કરી છે એ બન્નેએ સોની કજીયો કરીને પ્લોટ ધારકોને નવડાવી દેવાનું કારસતાન આચર્યુ છે.