પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર ચહેરો ગણાતા હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડવાની તૈયારીઓ બતાવ્યાનાં બીજા જ દિવસે કોંગ્રેસની નેતાગીરી પર ભારે પ્રહારો કરતા ખળભળાટ મચી ગયો છે. હાર્દિક પટેલે પક્ષની નેતાગીરી પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે કે, મને અવગણવામાં આવી રહ્યો છે, પક્ષની બેઠકોમાં બોલાવવામાં આવતો નથી, નિર્ણયો લેવાય ત્યારે પણ મારી સલાહ લેવાતી નથી જો એવું હોય તો મારી જરૂર શું છે? કાર્યકારી પ્રમુખ તરીકેનાં મારા હોદ્દાનો પણ કોઈ મતલબ રહેતો નથી.
Visit Saurashtra Kranti Homepage here
હાર્દિકે એવો સખત ટોણો માર્યો હતો કે, પક્ષમાં મારી હાલત અત્યારે એક એવા નવા પરણેલા વરરાજા જેવી છે જેની નશબંધી કરી નાખવામાં આવી છે.ગઈકાલે કોંગ્રેસ માટે ચૂંટણી લડવાની વાત કરનાર હાર્દિક પટેલે આજે ગુજરાતનાં એક જાણીતા અંગ્રેજી ભાષી દૈનિકને વિસ્ફોટક મુલાકાત આપી છે. જેમાં હાર્દિકે પ્રદેશ નેતાગીરી સામે બળાપો ઠાલવ્યો છે. પક્ષમાં પોતાની અવગણના થઇ રહ્યોનો હાર્દિકે ચોખ્ખો અને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ અને શક્તિશાળી પાટીદાર નેતા નરેશ પટેલને પક્ષમાં આમંત્રિત કરી એમનો સમાવેશ કરવા બાબત પણ કોંગ્રેસ નેતાગીરી દ્વારા થઇ રહેલા વિલંબ સામે હાર્દિકે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ટકોર કરી હતી કે, આખા સમાજનું કોંગ્રેસ અપમાન કરી રહી છે.પક્ષમાં પોતાની સ્થિતિ અંગે વ્યથા ઠાલવતા હાર્દિકે કહ્યું હતું કે, મને પ્રદેશ કોંગ્રેસની એકપણ બેઠકમાં બોલાવવામાં આવતો નથી. કોઈપણ નિર્ણયો લેવા પહેલા મારી સાથે પરામર્શ કરવામાં આવતો નથી તો પછી મારા આ હોદ્દાનો મતલબ શું? એવા સવાલ સાથે હાર્દિકે જણાવ્યું હતું કે, તાજેતરમાં કોંગ્રેસનાં સંગઠન માળખામાં ફેરફારો કરાયા 75 નવા મહામંત્રીઓ અને 25 નવા ઉપપ્રમુખોની વરણી કરાઈ ત્યારે પણ મને પૂછવામાં આવ્યું નથી.
હાર્દિકભાઈ આ યાદીમાં કોઈ શક્તિશાળી નેતાનું નામ રહી જતું નથી ને એવું પણ મને પૂછવામાં આવ્યું નથી. યુવા પાટીદાર નેતાએ સાફસાફ શબ્દોમાં પક્ષની નેતાગીરીને કહી દીધું હતું કે, પાટીદાર આંદોલનને કારણે જ 2015 ની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ તથા 2017 ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી હતી પણ ત્યારબાદ શું થયું? કોંગ્રેસમાં પણ ઘણાને લાગે છે કે, પક્ષની નેતાગીરી હાર્દિકની શક્તિઓનો ઉપયોગ કરતી નથી. મને લાગે છે કે, કોંગ્રેસમાં ઘણાને મારો જ ડર લાગે છે. નરેશ પટેલ અંગે સવાલ થતા હાર્દિકે જણાવ્યું હતું કે, હું ટીવી પર જોતો હોવ છું કે કોંગ્રેસ 2022 ની ચૂંટણીઓ માટે નરેશ પટેલને પક્ષમાં પ્રવેશ આપવા આતુર છે. 2027 ની ચૂંટણીઓ માટે કોંગ્રેસને કોઈ નવો પટેલ ચહેરો શોધવાની જરૂર ન પડે એવી આશા રાખું છું.
પક્ષમાં પહેલેથી જે લોકો છે એમની શક્તિઓનો ઉપયોગ કેમ કરાતો નથી. હાર્દિકનાં આકરા વિધાનો અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું હાર્દિક સાથે વાતચીત કરીશ. નરેશ પટેલને પ્રવેશ આપવા અંગે કોંગ્રેસ કોઈ હિચકિચાટ અનુભવતી નથી. નરેશ પટેલ હોય કે ગુજરાતનાં કોઈપણ સારા નેતા હોય એમને કોંગ્રેસમાં આવકારવા પક્ષ તૈયાર જ છે એવું અમે પહેલા દિવસથી કહેતા રહીયા છીએ. નરેશ પટેલ આવકાર્ય નથી એવું કોંગ્રેસનાં એકપણ નેતાએ નિવેદન કર્યું નથી. નરેશ પટેલ ખૂદ એમના સમાજ સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસમાં જોડાઈ જવાનો નિર્ણય એમણે લેવાનો છે.
એટલે આમાં કોંગ્રેસે નરેશ પટેલનો કે પાટીદાર સમાજનો અનાદર ક્યાં કર્યો? દરમ્યાન હાર્દિક પટેલે મુલાકાતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પંજાબ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સહિતનાં નેતાઓનું ડેલીગેશન સોનિયા ગાંધીને મળ્યું હતું. ત્યારે ગુજરાતનાં કાર્યકારી પ્રમુખને આવું સન્માન કેમ અપાતું નથી. ભાજપ કોઈપણ નેતાઓને પ્રવેશ આપવાની નીતિમાં ખૂબ જ આક્રમક હોય છે અને તૈયાર જ હોય છે. પરંતુ કોંગ્રેસ સાથે બે મહિનાથી વાતો ચાલે છે અને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. નરેશભાઈએ ચોક્કસ શરતો અને માંગણીઓ મૂકી હોવાની ચર્ચા અંગે હાર્દિકે કહ્યું હતું કે, એમણે કોઈ માંગ કરી નથી કે શરતો મૂકી નથી.
Read About Weather here
હાર્દિકે ઉમેર્યું હતું કે, હું ચૂંટણીઓ લડવા માંગુ છું જો વિધાનસભામાં પ્રજા મને મોકલે તો વધુ સારું કામ કરી શકાય. નવા કાયદા બનાવી શકાય અને રાજ્યનાં યુવાનો, કિસાનો, મહિલાઓ અને ગ્રામજનો માટે વધુ સારું કામ કરી શકાય. હું કોઈ હોદ્દા પાછળ દોડતો નથી. પણ ગુજરાતની પ્રજા માટે લડત ચલાવવાનું કાર્ય મારા માટે અગ્રતા ધરાવે છે. કાર્યકારી પ્રમુખ તરીકે યા અદના કાર્યકર તરીકે પ્રજા માટે લડવું મારી પ્રાથમિકતા છે. હાર્દિક પટેલનાં વિધાનો એવા સમયે આવ્યા છે જયારે ગુજરાતમાં ભાજપને મજબુત લડત આપવા માટે કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે. બીજીતરફ આમ આદમી પાર્ટી પણ ધીમેધીમે રાજ્યમાં પગપેસારો કરી રહી છે. આવા માહોલમાં હાર્દિકનો નેતાગીરી સામેનો ખુલ્લા બળવા જેવો અભિગમ કોંગ્રેસને નુકસાન કરી શકે છે. હાર્દિકનાં વિધાનોને પગલે કોંગ્રેસમાં તો ખળભળાટ મચી જ ગયો છે અને રાજ્યભરમાં જાતજાતની રાજકીય ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે અને અનેક પ્રકારની અટકળો થઇ રહી છે. શું હાર્દિક કોંગ્રેસ છોડશે? એવા સવાલો પણ રાજકીય વર્તુળોમાં અને પંડિતોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here