બે વર્ષનાં કોરોના મહાકાળમાં બ્રેક આવ્યા બાદ આ વર્ષે આજે અષાઢી બીજનાં પવિત્ર દિવસે અમદાવાદ અને ગુજરાતભરનાં ભાવિકોનાં પ્રિય ઉત્સવ સમાન ભગવાન જગન્નાથજીની અભૂતપૂર્વ, ભવ્ય રથયાત્રા નીકળી હતી. સવારે 7 વાગ્યાથી અમદાવાદમાં જગન્નાથજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને આ લખાય છે. ત્યારે ભાવિકોની પ્રચંડ અને અભૂતપૂર્વ હાજરી વચ્ચે રથયાત્રા રૂટ પર આગળ વધી રહી છે. રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોસાળ સરસપુર પહોંચનારી જગન્નાથજીની રથયાત્રાનાં ભાવપૂર્ણ અને અદકેરા સ્વાગત માટે મોસાળમાં ભાવિકો તલપાપડ બન્યા છે. રથયાત્રા માટે લોખંડી અને અસાધારણ સુરક્ષા કિલ્લેબંધી રચવામાં આવી છે. રથયાત્રા પર હેલીકોપ્ટરમાંથી ઠેરઠેર પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે સવારે 6:40 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર ખાતે ભગવાન જગન્નાથ મંદિરે પહોંચી ગયા હતા. સવારે 6:50 કલાકે ગૃહમંત્રીએ મંગળા આરતી કરી હતી. એ પછી સવારે 6:50 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદની 145 મી રથયાત્રાનાં પ્રસ્થાન માટે મંદિરે પહોંચી ગયા હતા. એમણે પરંપરા જાળવી રાખી સોનાના સાવરણાથી ત્રણેય રથની સફાઈ કરી હતી. એક રથમાં ભગવાન જગન્નાથજી, બીજા રથમાં ભાઈ બલભદ્ર અને ત્રીજા રથમાં બહેન સુભદ્રાને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સાવરણાથી સફાઈ કર્યા બાદ સવારે 7 કલાકે મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે પહેલી વખત પહિંદવિધિ કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું અને એમણે ખૂબ જ ધન્યતા અનુભવી હતી. પહિંદવિધિ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ભક્તિભાવ સાથે સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ અષાઢી બીજે સહુ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તદ્દઉપરાંત આજે કચ્છી નૂતન વર્ષ પણ હોવાથી કચ્છી સમાજનાં ભાઈઓ- બહેનોને નવા વર્ષની અદકેરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રચંડ માનવ મહેરામણ સાથે આગળ ધપી રહેલી રથયાત્રામાં આગળ 18 શણગારેલા ગજરાજ જોડાયા છે. 30 અખાડા, 18 ભજન અને રાસમંડળીઓ તથા ત્રણ બેન્ડવાજા ગ્રુપ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બે લાખ જેટલા ઉપરણાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.
500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યો છે. 30 હજાર કિલો મગનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેનો ભાવિકો લાભ લઇ રહ્યા છે. અગાઉ રથયાત્રામાં ગુંદી અને ગાંઠીયાનો પ્રસાદ આપવામાં આવતો હતો. વર્ષો પહેલા 8 ઘોડા પર બેસીને મહંત રથયાત્રાએ નીકળતા હતા. આજે સેંકડો ટ્રક પણ જોડાયા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, રથયાત્રાનો દોઢ કરોડનો વિમો પણ ઉતરાવવામાં આવ્યો છે. રથયાત્રામાં બે હજારથી વધુ સાધુ-સંતો ભક્તિભાવ સાથે જોડાયા છે. ત્રણ રથ આગળ- પાછળ ચાલે છે. પરંપરા મુજબ સૌથી આગળ પહેલો રથ બલભદ્રજીનો હોય છે. બીજો રથ બહેન સુભદ્રાનો હોય છે અને છેલ્લે ત્રીજા રથમાં નાથની પધરામણી હોય છે.
Read About Weather here
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ અને પૂજન-અર્ચન કર્યા બાદ રાજ્યનાં તમામ ભાઈઓ- બહેનોનો શુભેચ્છાઓ પાઠવી આશા વ્યક્ત કરી હતી કે, જગન્નાથજી સહુ પર કૃપા વરસાવે અને સહુને આરોગ્ય, સુખાકારી, સમૃધ્ધિ અને સુખ-શાંતિ આપે એવી મેં પ્રાર્થના કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે જગન્નાથજી શહેરનાં નાગરિકોને દર્શન આપવા નગરચર્યાએ નિકળ્યા છે ત્યારે તમામ નગરજનોમાં ભારે ઉત્સાહ છે અને નાથને આવકારવા તલપાપડ બન્યા છે. નગરયાત્રામાં મહંત દિલીપદાસજી, અમદાવાદનાં મેયર કિરીટ પરમાર, ડે.મેયર શ્રીમતી મીનાક્ષીબેન, સ્ટે.ચેરમેન હિતેશ બારોટ સહિતનાં મનપા પદાધિકારીઓ, અધિકારીઓ, તમામ સમાજનાં આગેવાનો જોડાયા છે. પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રથયાત્રા રૂટ પર ટોચનાં પોલીસ અધિકારીઓ ઉપરાંત 25 હજાર પોલીસ કર્મીઓ સુરક્ષા માટે તૈનાત છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here