કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષપદે આરૂઢ થવા આડે ગણતરીના દિવસ બાકી છે. પરંતુ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ યાદવે રાહુલ ગાંધીને મુદ્દે મોટી જાહેરાત કરી દીધી છે. લાલુનું કહેવું છે કે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી ભાજપને બાદ કરતાં બાકીના રાજકીય પક્ષોના બનનારા મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર રહેશે. લાલુપ્રસાદે જાહેર કરી દીધું છે કે તેમનું અને તેમના પક્ષનું રાહુલ ગાંધીને સમર્થન છે.લાલુપ્રસાદે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં મોદી રામને નામે મત માગી રહ્યા છે. ભાજપ ગુજરાતમાં હારી રહી હોવાનો આ પુરાવો છે. લાલુએ કહ્યું કે રામના નામે મત માગીને ભાજપ ધ્રુવીકરણ કરવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષપદ માટે તમામ રાજ્યોમાંથી આવેલા 89 જેટલા પત્રોમાં રાહુલ ગાંધીના નામની જ દરખાસ્ત છે. ચૂંટણી અધિકારી મુલાપલ્લી રામચંદ્રને કહ્યું હતું કે તમામ રાજ્યોમાંથી આવેલી દરખાસ્તો કાયદેસરની છે. કોંગ્રેસના અધ્યક્ષપદ માટે રાહુલ ગાંધી જ એકમાત્ર કાયદેસરના ઉમેદવાર છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર છે. તે દિવસે જ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.રાહુલ ગાંધીએ સોમવારે કોંગ્રેસ મુખ્યાલયે અધ્યક્ષપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીને જાન્યુઆરી 2013માં રાજ્યના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ પોતાની માતા સોનિયા ગાંધીના સ્થાને અધ્યક્ષ બનશે. સોનિયા ગાંધી 1998માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા.
