દરેક વાહનોમાં હાઈ સિક્યોરીટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવાના આડે હવે ફક્ત ત્રણ જ દિવસ બાકી રહી ગયા છે ત્યારે વડોદરામાં હજુ પણ ૨૪, ૪૮૦ વાહનોમાં HSRP લગાડવાની બાકી છે, આ આંકડો કદાચ વધારે પણ હોય શકે છે. મધ્ય ગુજરાતના ઝોનલ હેડના કહેવાનુસાર , વાહનોમાં HSRP ની જાહેરાત બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૭૦,૦૦૦ જેટલા જૂના વાહનોમાં નંબર પ્લેટ લાગી ગઈ છે. અચાનક લોકોનો ધસારો વધી જતા ૧૫માંથી ૫૦ લોકોનો સ્ટાફ કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે શહેરમાં HSRP ઁ કરાવવા માટે ૮૧ જેટલા સેન્ટર રાખવામાં આવ્યા છે. જેમાં દરરોજના ૧૫૦૦ લોકો રજિસ્ટ્રેશન કરાવે છ, ત્યારબાદ તેમને ચાર-પાંચ દિવસે નંબર પ્લેટ મળે છે. એટલે ત્રણ દિવસમાં શહેરના તમામ વાહનોમાં HSRP જોવા મળે તેની શક્યતા નહીવત્ત દેખાય રહી છે. HSRP નંબર પ્લેટ માટે પહેલા ૧૫ જાન્યુઆરી છેલ્લી તારીખ રાખવામાં આવી હતી, ત્યારબાદ બાકી રહેલા વાહનોની સંખ્યા જોતા ૧૫ ફેબ્રુઆરી સુધી તારીખ લંબાવાય હતી, જો કે હજુ પણ તારીખ લંબાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ડેડલાઈન પૂર્ણ થઈ જશે તો પણ લોકો માટે કાઉન્ટર ખુલ્લા રાખવાની ગેરેન્ટી ઝોનલ હેડે આપી હતી. આ સિવાય તેમણે એ પણ જણાવ્યું હતુ કે જો KYC લોકો સાથે લઈને જાય તો પ્રોસેસ પણ જલ્દી થશે. લોકોની સુવિધા માટે સિનિયર સીટીઝનની, મહિલાઓની અને કોર્મશિયલ માટેની લાઈન અલગ રાખેલ છે. HSRP વાહનોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી લાગી જાય તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આરટીઓ ઓફિસરે કામગીરી ધીમી હોવાનું કારણ ડિલર્સની ઉદાસીનતા અને નેશનલ સર્વરની ગતિ ધીમી હોવાનું જણાવ્યું હતું.
