ચીનમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવતા હડકંપ


ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો.

૨૦૨૦ના આરંભે પહેલીવાર કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ચીનના વુહાન પ્રાંતમાંથી બહાર આવ્યો હતો. ચીને જો કે પોતાને ત્યાં આવું કશું બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ખુદ ચીનના નિષ્ણાત ડૉક્ટરે ભાંડો ફોડી નાખ્યો હતો અને પાછળથી એ ડૉક્ટર શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા.

જો કે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સૌ પ્રથમ બ્રિટનમાં જોવા મળ્યો હતો. એના પગલે ત્યાં વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોમાં ખળભળાટ થઇ ગયો હતો. હજુ તો ૨૨૦૨૦ના જૂન વાઇરસ કાબુમાં આવ્યા નથી. ઠેર ઠેર રસીકરણ શરૂ થયું હતું ત્યારે નવા વાઇરસ સ્ટ્રેન આવી પડતાં સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી.

આ સપ્તાહે બ્રિટનથી ભારત આવેલા વીસેક જણમાં પણ નવા કોરોના વાઇરસ સ્ટ્રેન જોવા મળ્યા હતા. જો કે કોરોનાની રસી બનાવનારી કંપનીઓએ એવો દાવો કર્યો હતો કે કોરોના માટે તૈયાર કરાયેલી રસી નાવા સ્ટ્રેન પર પણ અસર કરશે.

બ્રિટનમાં તો ડિસેમ્બર છેલ્લી તારીખથી કડક લૉકડાઉન લાદવામાં આવ્યો હતો. ખુદ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને એવો દાવો કર્યો હતો કે અગાઉ કદી જોવા ન મળ્યો હોય એવો લૉકડાઉન બ્રિટનના ૭૫ ટકા વિસ્તારોમાં લાદી દેવામાં આવ્યો હતો.

દરમિયાન, ચીને ગુરૂવારે એવો દાવો કર્યો હતો કે અમારી એક કંપની સિનોફાર્મે કોરોનાની અકસીર રસી શોધી કાઢી હતી અને બીજિંગ ઇન્સ્ટીટ્યુટ ઑફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ દ્વારા એ રસી લોકોને આપવામાં આવશે.

જો કે નવા કોરોના વાઇરસ સ્ટ્રેન અંગે ચીને કોઇ પ્રતિભાવ કે વિગતો જાહેર કરી નહોતી. ચીનમાં આવો પહેલો કેસ બહાર આવ્યાનું રોઇટરના એક અહેવાલમાં જણાવાયું હતું. પોતાને આ માહિતી ક્યાંથી મળી એ રોઇટરે જાહેર કર્યું નહોતું.