નૈઋત્યનાં ચોમાસા અંગેનો પહેલો જ વર્તારો રાજ્ય માટે ચિંતાજનક; દેશમાં 98 ટકા વરસાદ થવાની શક્યતા
દેશમાં ચોમાસા અંગેની પહેલી જ આગાહી ગુજરાત માટે મોકાણ ભરી રહી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા એવો વર્તારો કરવામાં આવ્યો છે કે, આ વર્ષે દેશમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે પરંતુ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વરસાદની ખાધ રહે તેવી ભીતિ છે. દેશમાં કોરોના કાળ પછી વ્યાપાર- ધંધાને વેગ મળ્યો છે ત્યારે હવામાન એજન્સીએ આ વર્ષની પહેલી આગાહી બહાર પાડી છે.
જેમાં ગુજરાતમાં વરસાદની ઘટ રહેવાની આગાહીથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દેશમાં ચોમાસું સંતોષકારક એટલે કે 98 ટકા રહેવાની 65 ટકા ચાન્સ છે. ખાધનાં 25 ટકા અને સામાન્યથી વધુ વરસાદ થવાના 10 ટકા ચાન્સ છે.
દેશમાં સરેરાશ 881 મીલીમીટર વરસાદ ચાર માસમાં પડશે અને નૈઋત્યનું ચોમાસુ 96 થી 104 ટકા વચ્ચે રહેવાની ધારણા છે. જયારે આગાહીમાં વધુમાં જણાવાયું છે કે ભૌગોલિક રીતે જોખમમાં રાજસ્થાન, ગુજરાતમાં ચોમાસામાં ખાધ રહે તેવી ધારણા છે. તેમની સાથે નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ચોમાસામાં ખાધ રહેશે.
સ્કાયમેટની આગાહીએ ગુજરાતની ચિંતા વધારી દેશે તે ચોકકસ છે. રાજયમાં છેલ્લા ત્રણ સોમાના સંતોષકારક રહ્યા છે. પરંતુ પ્રથમ વખત ખાનગી હવામાન એજન્સીએ ખાધની આગાહી કરતા હવે હવામાનખાતુ સતાવાર રીતે આગાહી કરે તેની રાહ જોવાશે.
સ્કાયમેટની આગાહીમાં એ પણ જણાવાયું છે કે જુલાઈ અને ઓગષ્ટ માસ દરમ્યાન કેરેલા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વરસાદ છુટોછવાયો જોવા મળશે પરંતુ પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ અને ઉતર ભારત કે જે ભારતના અનાજ ભંડાર તરીકે ગણાય છે તેવા રાજયો ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની ધારણા છે. સ્કાયમેટ એ જણાવ્યું છે કે 65 ટકા ચાન્સ ચોમાસુ સામાન્ય રહેવાના છે. 25% ચાન્સ ચોમાસુ ખાધવાળુ અને 10% ચાન્સ ચોમાસુ સામાન્યથી વધુ રહેશે. પરંતુ 2022ને દુષ્કાળનું વર્ષ ગણી શકાય તેવું ચોમાસુ નહી હોય.
સ્કાયમેટની આગાહીમાં જણાવાયું છે કે છેલ્લા બે ચોમાસામાં લા-નીના ફેકટરના કારણે સારો વરસાદ થયો હતો અને આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે લા-નીના ફેકટર સક્રિય હશે. જેના કારણે અલ-નીનો ફેકટર સર્જાવાની શકયતા નહીવત છે અને તેથી ભારતના ચોમાસા પર તેની અસર થશે નહી.
તેમ છતાં આ વર્ષનું ચોમાસુ થોડુંક છુટાછવાયા વરસાદ તો થોડુક સતત વરસાદના કારણે અસાધારણ રહેશે તેવુ મનાય છે. અત્યાર સુધીના કોઈપણ ફેકટરમાં ચોમાસાના એકંદરે નેગેટીવ ફેકટર જોવા મળ્યા નથી.(2.12)