મંગેશકર પરિવાર દ્વારા ઘોષણા: 24 એપ્રિલે એવોર્ડની અર્પણવિધિ
દેશ અને વિદેશમાં સુવિખ્યાત દંતકથા સમાન સ્વર કિન્નરી લતા દીનાનાથ મંગેશકરનાં નામનો પહેલો જ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવશે એવું મંગેશકર પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લતાજીનાં પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથિ નિમિતે આવતી 24 એપ્રિલનાં રોજ એક ખાસ સમારંભમાં વડાપ્રધાન મોદીને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટનાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વર્ષે પહેલો જ પુરસ્કાર વડાપ્રધાનને આપવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે. દર વર્ષે દેશના વિકાસ, સમાજ અને લોકો માટે અસાધારણ કાર્ય અને સિધ્ધી મેળવનાર વ્યક્તિને એવોર્ડ આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ લતાજીનાં અંતિમ સંસ્કારમાં મુંબઈ ખાતે હાજરી આપી હતી. વડાપ્રધાન હંમેશા લતાજીને મોટી બહેન તરીકે સંબોધન કરતા હતા.
ટ્રસ્ટનાં નિવેદનમાં જણાવ્યું છે કે, લતાજીનાં નામે શરૂ થયેલો પહેલો જ એવોર્ડ દેશના વડાપ્રધાનનાં ફાળે જઈ રહ્યો છે એ જાહેર કરતા આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. સંગીત, નાટ્યકલા, આર્ટ, મેડીકલ તથા સામાજીક સેવા માટે દરવર્ષે એવોર્ડ અપાશે.
24 એપ્રિલનાં સમારંભમાં સિનેમા ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન અને સમર્પણ બદલ વિતેલા વર્ષોનાં પીઢ અભિનેત્રી આશા પારેખ અને જેકી શ્રોફને માસ્ટર દીનાનાથ પુરસ્કાર અપાશે. સંગીત માટે રાહુલ દેશપાંડેને એવોર્ડ અપાશે. સમારંભ જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડ દ્વારા નસ્વરલતાંજલિથ ખાસ સંગીત કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે.(2.12)