લદાખમાં ચીનનું નવું ષડ્યંત્ર:ચીન ફોરવર્ડ લોકેશન્સ પર લાઉડસ્પીકર મૂકીને પંજાબી ગીતો વગાડે છે, આ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ હોઈ શકે છે

લદાખમાં ભારત-ચીન તણાવની વચ્ચે ચીનની સેના બોર્ડર પર લાઉડસ્પીકર લગાવીને પંજાબી ગીતો વગાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ચીને લાઉડસ્પીકપર ફિંગર-4 વિસ્તારની એ ફોરવોર્ડ પોસ્ટ પર લગાવ્યું છે, જે 24 કલાક ભારતની નજર હેઠળ છે.

ચીનના આ પગલાનાં બે કારણ હોઈ શકે છે. પ્રથમ તો એ કે ચીન ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે છે ચીન વાસ્તવિક રીતે તણાવ ઘટાડવા માગે છે, જોકે એવી શક્યતા નહિવત્ છે.

ભારત-ચીનના તણાવની વચ્ચે 20 દિવસમાં 3 વખત ગોળી ચાલી
પૂર્વ લદાખમાં એકબીજાને ચેતવણી આપવા માટે ભારત-ચીનના જવાનોની વચ્ચે છેલ્લા 20 દિવસમાં 3 વખત હવામાં ફાયરિંગ થયું છે. છેલ્લે, 8 સપ્ટેમ્બરે બંને તરફથી 100-200 રાઉન્ડ ફાયર થયા હતા. સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે બંને દેશોની વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગ થવાની છે, જોકે ચીન તરફથી હજી સુધી તારીખ અને સમયને કન્ફર્મ કરવામાં આવ્યાં નથી.

ભારતીય સેના બોફોર્સ તોપ તૈયાર કરી રહી છે
પૂર્વ લદાખમાં ચીનની સાથે તણાવ વધવાની સાથે જ શિયાળાની સીઝનમાં લાંબી અથડામણની શક્યયતાને જોતાં સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સેના બોફોર્સ હોવિત્ઝર તોપો તહેનાત કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. આ તોપોએ 1999માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.

ઉત્તરાખંડ સીમા પર પણ ચીન સક્રિય
ભારત-ચીનની વચ્ચે આર્મી અને ડિપ્લોમેટિક બેઠક સતત એપ્રિલ-મેથી ચાલી રહી છે, જોકે ચીન વારંવાર કરાર તોડવાની કોશિશ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં ચીને તિનકાર-લિપુની પાસે લગભગ હટ જેવું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જોજો ગામ અને ચંપા મેદાનના જનરલ એરિયામાં પણ ચીન કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે.