નીતિ આયોગ દ્વારા રેન્કિંગ જાહેર કરાયું: કેરળ અને પંજાબ બીજા તથા ત્રીજા ક્રમે: પર્યાવરણ સુધારણા અને શુધ્ધ ઉર્જાની કામગીરી બદલ રેન્કિંગ અપાઈ છે
ક્લાઈમેટ સુધારણા અને શુધ્ધ ઉર્જા ક્ષેત્રે ગુજરાતને મોટા રાજ્યોની હરોળમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. નીતિ આયોગે 50.1 ક્રમ અંક સાથે ગુજરાતને ઉર્જા અને ક્લાઈમેટ ઇન્ડેક્ષમાં અવ્વલ ક્રમ આપ્યો છે. કેરળ અને પંજાબ જેવા રાજ્યો પણ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.
નાના રાજ્યોની શ્રેણીમાં ગોવાને ટોચનું સ્થાન મળ્યું છે. એ પછી ત્રિપુરા અને મણીપુરને સ્થાન મળ્યું છે. નીતિ આયોગની યાદી અનુસાર જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હવામાન તથા ઉર્જાક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રયાસો કરે છે એમનો ઇન્ડેક્ષમાં સમાવેશ કરવામાં આવે છે અને ક્રમ અપાઈ છે.
નીતિ આયોગને આશા છે કે, અલગ- અલગ રાજ્યોનું ઊંડાણથી પૃથક્કરણ કરવાને કારણે ઉર્જાનાં વિવિધ વિભાગોમાં સર્વોતમ કામગીરી અને સેવામાં મદદ મળશે. ઉર્જાનાં વિવિધ માપદંડો ભારત સરકારનાં લક્ષ્યાંક મુજબ નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યોનાં ઇન્ડેક્ષમાં ઉર્જાનાં તમામ પ્રકારમાં સારી કામગીરી, સરળતાથી ઉપલબ્ધી અને પ્રાપ્તિ, કાર્યક્ષમતા અને પર્યાવરણ અનુકુળ, શુધ્ધ ઉર્જા જેવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
એ તમામ માપદંડો આંતરરાષ્ટ્રીય કક્ષા મુજબ છે. શુધ્ધ ઉર્જા માટેના નવતર પ્રયોગો, ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સાથે સુસંગતતા અને નવા સંશોધનની દ્રષ્ટિએ ગુજરાત, કેરળ અને પંજાબ આગળ રહ્યા છે. સૌથી ખરાબ કામગીરી છતીસગઢની રહી છે.