ચાવાળાથી વડાપ્રધાન સુધીની મુશ્કેલ મુસાફરી ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ આજના દિવસે જ 1950માં થયો હતો. ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા.
મોદી અચાનક જ રાજકારણમાં નથી આવ્યા. આઠ વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયા હતા. 1971માં સંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા પછી તેમણે રાજકીય શિક્ષા-દીક્ષા લેવાની શરૂઆત કરી. 1975માં ઈમર્જન્સી સમયે છુપાઈને તેમને સમય પસાર કરવો પડ્યો હતો. 1985માં તેમને ભાજપના સંગઠનનું કામ મળ્યું.
ગુજરાતના ભુજમાં ભૂકંપ આવ્યા પછી પ્રશાસનિક વ્યવસ્થાઓ ફેરવાઈ ગઈ અને ત્યારે 2001માં મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાત રમખાણોના આરોપ પણ તેમના પર લાગ્યા હતા, પરંતુ ગુજરાતના વિકાસ મોડલને બેઝ બનાવીને તેઓ કેન્દ્રના રાજકારણ સુધી પહોંચ્યા અને 2014માં વડાપ્રધાન પદ મેળવીને પહેલીવાર બિન-કોંગ્રેસી એટલે કે ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી. 2019માં પહેલાં કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરીને તેઓ સત્તામાં પરત ફર્યા.
1947માં ભારતના આઝાદ થયા પછી અમુક રાજા રજવાડાઓ વિલય માટે તૈયાર નહોતા. એમાં મુખ્ય હતી હૈદરાબાદની નિઝામ મીર ઉસ્માન અલી ખાનની સલ્તનત. તેમણે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ એ શક્ય ન લાગ્યું. એ સમયે હૈદરાબાદની સ્થિતિ એવી હતી કે એ મુશ્કેલ હતું.
ત્યારે દેશના ઉપ-વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પોલીસ એક્શનના નામે સૈન્ય કાર્યવાહી કરી. 13 સપ્ટેમ્બર 1948માં આ પોલીસ એક્શન શરૂ થઈ અને તેને નામ આપવામાં આવ્યું ઓપરેશન પોલો. 17 સપ્ટેમ્બરની સાંજ સુધી હૈદરાબાદના નિઝામે વાત માની લીધી અને તેઓ વિલય માટે તૈયાર થઈ ગયા.