બલ્લે બલ્લે કરતી ભારતીય હોકી ટીમ, શાનદાર સફળતાની તસ્વીરી ઝલક
ર્જમનીને રોમાંચક અને દિલધડક મુકાબલામાં 5-4થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ મેળવતી ભારતીય પુરૂષ હોકી ટીમ: રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ દ્વારા ટીમ પર અભિનંદનની વર્ષા: દેશભરમાં ઉજવણીનો વિસ્ફોટ, ઠેર-ઠેરથી અભિનંદન, ભારતીય ટીમ પર દેશને ગર્વ છે: વડાપ્રધાન, 41-41 વર્ષના લાંબા અરસા સુધી રાહ જોયા બાદ ઓલિમ્પિક મેડલ સાથે ભારતની ઐતિહાસીક સિધ્ધી
ભારતીય હોકીના ઇતિહાસમાં આજથી એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. ટોકીયો ઓલિમ્પિકમાં આજે રમાયેલા જોરદાર, લડાયક, રોમાન્ચક અને દિલધડક હોકી મુકાબલામાં ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મનીને 5-4થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ હાસલ કરી લીધો હતો અને આ સાથે દેશભરમાં કરોડો લોકો રોમાન્ચ થઇ ઉઠયા હતા અને ઠેર-ઠેર ઉજવણીનો વિસ્ફોટ શરૂ થઇ ગયો હતો.
છેક સુધી રસાકસી ભર્યા રહેલા હોકી મેચમાં ભારતીય ખેલાડીઓએ અદભુત શૈલી સાથે આક્રમણ અને બચાવની રમતનું પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ચંદ્રકના સર્જાયેલા દુષ્કાળનું મેણું ભાંગી નાખ્યું હતું અને કાંસ્ય ચંદ્રક મેળવી ઐતિહાસીક સિધ્ધી હાંસલ કરી હતી. દેશભરમાંથી ટીમ પર અભિનંદનનો વરસાદ થઇ રહયો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય હોકિમાં નવા યુગની શરૂઆત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમ પર આખા દેશને ગર્વ છે. ભારતની આ આજની ઐતિહાસક જીતને દેશવાસીઓ હંમેશા યાદ રાખશે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, દેશ આખાને ભારતીય ટીમની સિધ્ધી પર ગર્વ છે.
રાજકોટ સહિત ગુજરાતભરમાં અને હોકિની રમત જયાં લોકપ્રિય છે. એવા પંજાબ, હરીયાણા, મધ્યપ્રદેશ વગેરે રાજયોમાં લોકોએ આકાશબાજી કરી હતી અને એક બીજાના મોં મીઠા કરાવી ટીમની ગૌરવ ભરી સિધ્ધીને વધાવી લીધી હતી. વિજેતા હોકિ ટીમના ખેલાડીઓના પરીવારજનોએ પણ ભવ્ય ઉજવણી કરી હતી અને મીઠાઇ વહેંચી હતી. ભારતીય ટીમ પર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહયો છે.
ટોકીયો ઓલિમ્પિકમાં શરૂઆતથી જ ભારતીય ટીમે શાનદાર દેખાવ કરીને ભવ્ય ભૂતકાળની ઝાખી કરાવી હતી. 1972 પછી પહેલીવાર આ ઓલિમ્પિકમાં કુલ તબક્કામાં જ ભારતે 4 મેચ જીતી લીધી હતી. 1972 થી 2016 સુધી ભારત ગૃ્રપ સ્ટેજમાં કદી 3 થી વધુ મેચ જીતી શકયું ન હતું. આ રીતે આ વખતે ભારતે હોકી ટીમના સોનેરી ઇતિહાસનું પુર્નાવર્તન કર્યુ હતું. ઓલિમ્પિક પુરૂષ હોકિ વિભાગમાં ભારતની ટીમ સૌથી વધુ મેડલ જીતી ચુકી છે.
ભારતે 1928, 1932, 1936 (હોકિ જાદુગર ધ્યાનચંદનો યુગ), 1948, 1952, 1956, 1964, 1980 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ રીતે ભારત ઓલિમ્પિકમાં 8-8 ગોલ્ડ જીતનાર પહેલી ટીમ છે. 1960માં ભારતને રજત અને 1968 અને 72માં બ્રોન્ઝ મળ્યો હતો. આજના દિલ ધડક મુકાબલામાં ભારત તરફથી બીજા કવાટરમાં 3-1થી પાછળ રહી ગયા બાદ સીમરન્જીતસિંહ, હાર્દિકસિંહ, હરમનપ્રિતસિંહ, અને રૂપિન્દરપાલસિંહે 4 ગોલ ફટકારી દીધા હતા.
ચોથા કવાટરમાં જર્મનીએ વધુ એક ગોલ કર્યો હતો પણ છેલ્લે ભારતે જાનદાર અને લડાયક રમત બતાવીને ચોથા કર્વાટરના અંત સુધી 5-4ની સરસાય જાળવી રાખી હતી અને ઐતિહાસીક ગોલ કર્યો હતો. સીમરજીતે બે ગોલ કર્યા હતા. એક ગોલ રવિન્દરપાલે કર્યો હતો. આ રીતે ભારતે દબદબો જાળવી રાખીને કાંસાનો ચંદ્રક અંકે કરી લીધો હતો.