૨૫ દેશોને કોમર્શિયલ બેઝ પર ૨.૪૦ કરોડ વેક્સીન ડોઝ સપ્લાય કરશે ભારત

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત દુનિયાના અનેક દૃેશોની વેક્સીનની મદદ પહોંચાડી રહૃાું છે. જે હેઠળ વિતેલા દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્ર્વના ૨૫ દેશોને ૨ કરોડ ૪૦ લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ જાન્યુઆરીમાં ભારત એક કરોડ પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા, પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.

ગત મહિને કેન્દ્ર સરકારે આ મુદ્દે માહિતી આપી હતી કે વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે. અત્યાર સુધી ભારત ૨૦ દેશોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના ૧.૬૦ કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યુ છે. આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહરીન, ઓમાન, બારબાડોસ, ડોમિનિકા જેવા દેશોને આશરે ૬૦ લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યું હતું. બ્રાઝિલ, મોરક્કો અને દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં કોમર્શિયલ આધારે એક કરોડથી વધુ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતા.

જ્યારે ફેબ્રુઆરીમાં સાઉદી અરબ, બ્રાઝીલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, નિકારાગુઆ, મોરેશિયસ, ફિલિપીન્સ, સર્બિયા, યૂએઇ અને કતર સહિત ૨૫ દેશોને કોમર્શિયલ બેઝ પર ૨ કરોડ ૪૦ લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે. જોકે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય મેળવવા માટે કેનેડાએ પણ રજૂઆત કરી હતી, પરંતુ હાલની યાદીમાં તેનું સામેલ કરાયુ નથી.