શ્રીપદ નાઈકને જરૂર પડ્યે દિલ્હી સારવાર માટે ખસેડાશે: રાજનાથ

રક્ષા મંત્રીએ ઈજાગ્રસ્ત મંત્રીને ગોવામાં મળી ખબર અંતર પૂછ્યા

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકની ગાડીને ગઈકાલે અકસ્માત થતા તેમને ગોવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે ગોવાની હોસ્પિટલ ખાતે મંત્રી નાઈકની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જરૂર પડશે તો તેમને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે. રક્ષા મંત્રીની મુલાકાત વખતે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ સરકારી હોસ્પિટલ પર હાજર રહૃાા હતા.

દિલ્હી સ્થિત એઈમ્સની ટીમ ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સાથે સતત સંપર્કમાં છે જ્યાં ભાજપના નેતા શ્રીપદ નાઈકની સારવાર કરવામાં આવી રહી છે. રાજનાથસિંહ ના જણાવ્યા મુજબ શ્રીપદ નાઈકની તબિયત સ્થિર છે અને તેઓ ખતરાથી બહાર છે.

સોમવારે અંકોલા નજીક ઉત્તર કન્નડ જિલ્લામાં શ્રીપદ નાઈકની કારને અકસ્માત થયો હતો જેમાં તેમના પત્ની વિજ્યા તેમજ અન્ય એકનું મોત થયું હતું. મંત્રી અને તેમના પત્ની કર્ણાટકના ધર્મસ્થલાથી ગોવા પરત આવી રહૃાા હતા ત્યારે દુર્ઘટના બની હતી. રાજનાથ સિંહ મંગળવારે ગોવા પહોંચ્યા હતા અને તેમણે રક્ષા બાબતોના રાજ્ય કક્ષાના મંત્રીના ખબર અંતર લીધા હતા.

ગોવાની હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે નાઈકને ૧૦-૧૫ દિવસ સુધી સારવાર માટે દાખલ રખાશે. સોમવારે રાત્રે તેમના પર ચાર જેટલી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમને સંપૂર્ણ સ્વસ્થ થતા ત્રણથી ચાર મહિના લાગી શકે છે તેમ ડોક્ટરે જણાવ્યું હતું.