વ્યારામાં ટ્રેકટરની પાછળ બાઈક અથડાતા ચાલક ઘટના સ્થળે જીવતો સળગી ગયો

વ્યારાથી ઉનાઇ તરફ જતા રોડ ઉપર ડોલવણના પાઠકવાડીમાં શેરડી ભરેલી ટ્રેક્ટર કોઇપણ સિગ્નલ લાઇટ ચાલુ કર્યા વિના ઊભું રાખતા જેની પાછળ ભટકાયેલી મોટરસાયકલમાં આગ લાગી જતા ચાલક પણ ભડભડ સળગી જતાં જેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું. વ્યારા તાલુકાના પાઠકવાડી પટેલ ફળીયામાં આવેલા અમ્રતભાઇ માનિંસગભાઇ ચૌધરીના ઘરની સામે વ્યારાથી ઉનાઇ તરફ જતા રોડ ઉપર શેરડી ભરેલા મહિન્દ્રા ટ્રેકટર (નં.જીજે. ૧૯.એએફ.૭૩૨૧) થોભાવ્યું હતું.

રોડ ઉપર અડચણરૂપ ઉભેલા ટ્રેકટરના ટેલરના પાછળના ભાગે સિગ્નલ લાઇટ ચાલુ ન હતી. તથા રીફલેકટર કે કોઇ પથ્થર કે ઝાંખરા વગેરેની આડસ રોડ ઉપર મુકી ન હોવાથી રસ્તા ઉપરથી અવરજવર કરતા વાહનચાલકોની જાન જોખમાય તે રીતે અડચણરૂપ થોભાવ્યું હતું. ટ્રેકટરની પાછળ રાત્રિ દરમિયાન અંધારામાં હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ (નં.જીજે.૨૬.ઇ.૯૯૧૦) ધડાકાભેર અથડાતા ટેલર સાથે મોટરસાયકલ સ્પાર્ક થતા આગ ભભુકી ઉઠી હતી. આગની ઝપેટમાં મોટરસાયકલ અને ચાલક શિવાનંદૃ અતુલભાઇ ગામીત (ઉં.વ.૨૮ રહે.જેસીંગપુરા, તા.વ્યારા) આવી ગયા હતા.

માથાના ભાગે ગંભીર ઇજા તથા ગંભીર રીતે આખા શરીર સળગી જવાથી યુવાનનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયું હતું. રોડ ઉપર અડચણરૂપ રીતે ટ્રેકટર ઉભું રાખનાર ટ્રેકટરચાલક સામે ડોલવણ પોલીસ મથકે કમલેશભાઇ ઠગીયાભાઇ ગામીત(ઉં.વ.૪૫ રહે.બારતાડ ઉનાઇ ગામીત ફળીયું, તા.વાંસદૃા) એ ફરીયાદ કરતા વધુ તપાસ પ્રો.પો.સ.ઇ.એન.કે.મોરી કરી રહૃાા છે.