નેપાળમાં મહિલાઓએ વિદેશ યાત્રા કરવા માટે પરિવાર અને સ્થાનિક વોર્ડની મંજૂરી લેવી પડશે

નેપાળ સરકારે મહિલાઓની રક્ષા માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. તે અંતર્ગત જો કોઈ મહિલા વિદેશની યાત્રા કરવા માંગતી હોય તો તેણે પોતાના પરિવાર અને સ્થાનિક વોર્ડની મંજૂરી લેવી પડશે. આ કાયદા અંતર્ગત ૪૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને આવરી લેવામાં આવી છે. નેપાળના અધિકારીઓએ આ નવા નિયમને સમર્થન જાહેર કર્યું છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે કમજોર નેપાળી મહિલાઓને માનવ તસ્કરીનો શિકાર બનતી અટકાવવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નેપાળના પરિવહન વિભાગનાડીજી રમેશ કુમારના કહેવા પ્રમાણે માનવ તસ્કરો વિદેશમાં આકર્ષક નોકરી અપાવવાનો દાવો કરીને કમજોર, અશિક્ષિત અને ગરીબ મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે.

આ મહિલાઓને યૌન શોષણનો ભોગ બનાવાય છે અને તે સિવાય પણ અનેક પ્રકારના ગુના કરવામાં આવે છે. રમેશ કુમારના કહેવા પ્રમાણે વિદેશ યાત્રા માટે ૪૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને આવા દસ્તાવેજોની જરૂર નહીં પડે. આ નવો નિયમ જે કમજોર છે અને પહેલી વખત વિદેશ પ્રવાસ કરી રહી છે તેવી મહિલાઓ માટે છે.
તે સિવાય ખાસ કરીને આ નિયમ એકલી જનારી અને ખતરનાક આફ્રિકી અને ખાડી દેશો માટે લાગુ કરવામાં આવ્યો છે જ્યાં નેપાળી મહિલાઓને કામ કરવાની પરમિટ નથી મળતી. રાષ્ટ્રીય માનવાધિકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં ૧૫,૦૦૦ મહિલાઓ અને ૫,૦૦૦ છોકરીઓ સહિત આશરે ૩૫,૦૦૦ લોકોની તસ્કરી થઈ હતી.