જનઔષધી કેન્દ્રોનો વધુને વધુ લાભ લેવા ગરીબોને મોદીનો અનુરોધ

સસ્તી દવાઓના કેન્દ્રોનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. 600 કરોડ ની સપાટી પર

ગરીબો માટે આ કેન્દ્રો આશીર્વાદ બન્યા, જનઔષધી દિવસ પર વડાપ્રધાનનું સંબોધન

દેશમાં ગરીબોને ગુણવતા ભરી દવાઓ સસ્તા ભાવે આપવા શરુ કરવામાં આવેલા પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રોની મહત્તા સમજવા દેશમાં રવિવારે જનઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી દેશના 7500માં પ્રધાન મંત્રી દવા કેન્દ્રોનું દેશને લોકાર્પણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રોને કારણે દેશના ગરીબો મોંઘાભાવે દવા લેવાની યાતનાથી મુક્ત થયા છે. લોકો પ્રેમથી આ કેન્દ્રોને મોદીની દુકાન કહે છે. જનઔષધી કેન્દ્રોમાંથી ગુણવતા ભરી દવાઓની સસ્તા ભાવે ખરીદી કરવા વડાપ્રધાને લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં દવાઓ ખુબ જ મોંઘાભાવે લેવી પડતી હતી. હવે આવા કેન્દ્રો અમે શું કર્યા તેના કારણે ગરીબોને ઉચ્ચ કક્ષાની કૌલીટી દવાઓ સસ્તા ભાવે મળતી થઇ છે. આજે પ્રધાન મંત્રી જનઔષધી કેન્દ્રોનું વાર્ષિક ટર્નઓવર રૂ. 600 કરોડ થઇ ગયું છે. આ દવા કેન્દ્રો સેવાની સાથે રોજગારનું માધ્યમ બન્યા છે.