ગાઢ ધૂમ્મસના કારણે ઉ.પ્રદેશમાં એક્સપ્રેસ-વે પર ૨૦ વાહનો વચ્ચે અકસ્માત

દેશના પાટનગર નવી દિલ્હી એનસીઆર અને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે સવારથી ગાઢ ધૂમ્મસ હોવાના અહેવાલ હતા. વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી હતી.

એવા ગાઢ ધૂમ્મસના પગલે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા હતા. સામાન્ય રીતે એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ અન્ય સડકો કરતાં વધુ હોય છે. વાહનોની સ્પીડ ઓછી હોય તો પણ વિઝિબિલિટી નબળી રહેવાથી અકસ્માત થવાની શક્યતા વધી જતી હોય છે.

આજે સવારે એવું જ કંઇક બન્યું હતું. પ્રથમદર્શી અહેવાલ મુજબ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક સાથે વીસ વાહનો એકબીજાની જોડે અથડાયાં હતાં. આવી અથડામણમાં પોલીસની કારનો પણ સમાવેશ થયો હતો. આ લખાઇ રહૃાું હતું ત્યાં સુધી જાનહાનિના સમાચાર મળ્યા નહોતા પરંતુ ઘણા લોકોન ઇજા થઇ હતી. એ સૌને બાગપત જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

આ અથડામણ પછી એક્સપ્રેસ વે પર હજારો વાહનોનો ટ્રાફિક જામ ન થઇ જાય એ માટે તરત જિલ્લા વહીવટી તંત્રે વધારાની ટ્રાફિક પોલીસની કુમક મોકલાવી હતી. સવારે સાડા અગિયાર વાગ્યે પણ વિઝિબિલિટી પૂરેપૂરી સ્પષ્ટ થઇ નહોતી. એક્સપ્રેસ વે ખાલી કરાવવાની કવાયત ચાલુ હતી. રાહત ટુકડી ત્યાં પહોંચી ગઇ હતી.

દર વરસે શિયાળામાં આવા એકાદ બે અકસ્માત અહીઁ થતા રહે છે. જીવલેણ ઠંડી અને ધૂમ્મસના પગલે આવું થયા કરે છે. જિલ્લા વહીવટી તંત્ર આના ઉપાય માટે વિદેશોમાં કઇ રીતે ધૂમ્મસનો સામનો કરવામાં આવે છે એની પૂછપરછ કરી રહૃાું હોવાનું જાણવા મળ્યું હતું.