એસિડ એટેકની ધમકી શારિરીક સંબંધ બાંધવાની માંગ કરતા આરોપીની ધરપકડ

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં પતિના મિત્રએ તેની પર એસિડ અટેક કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે. સુરતના જ એક કેસમાં એક યુવકે એક મહિલાને પામવા માટે તેના પર એસિડ અટેકની ધમકી આપી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી અને નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી મહિલાને અન્ય કોઈ નહીં પરંતુ તેના પતિના મિત્રએ જ એસિડ અટેકની ધમકી આપી છે. ચોકબજાર ખાતે રહેતો એહતેશામ ઉર્ફ જાવીદ હોટેલવાલા ફરિયાદી મહિલાના પતિનો મિત્ર છે. ફરિયાદી મહિલા આરોપીની પત્નીની સારી મિત્ર હોવાથી અવારનવાર આરોપીના ઘરે જતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી એહતેશામ આ મહિલાને ખરાબ નજરથી જોવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવવાના શરૂ કરી દીધા હતા. આ દરમિયાન યુવાન ફરિયાદી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં મહિલાને સતત કહેતો હતો કે, તારો યાર કોન છે તે શોધીને જ રહીશ.

દરમિયાન આ બાબતે યુવાન તરફથી મહિલાના પતિના કાન પણ ભરવામાં આવ્યા હતા. આથી મહિલાનો પતિ પણ મહિલા પર શંકા કરવા લાગ્યો હતો. આ શંકાને લઈને તેનો પતિ તેને છૂટાછેડા આપવાનું કહેતો હતો.