સુપ્રીમ કોર્ટના જજ અને તેમના પરિવાર, નિવૃત જજનો પરિવાર સહિત વેક્સીનની સગવડ
કોરોના સંક્રમણ વિરુદ્ધ દેશવ્યાપી રસીકરણ અભિયાનનો બીજો તબક્કો સોમવારથી શરુ કરવામાં આવ્યો હતો. આ તબક્કા હેઠળ હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ કોરોના વેક્સીન લગાવવામાં આવશે. આ અભિયાન મંગળવાર, એટલે કે આવતી કાલથી શરુ કરાશે. જેમાં સુપ્રીમ કોર્ટના જજોની સાથે તેમના પરિવારજનોને પણ આવરી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજો અને તેમના પરિવારોને પણ વેક્સીન લગાવવાની વ્યવસ્થા કરી લીધી છે.
આ માટે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં જ વેક્સીનેશન સેન્ટર ઉભુ કરવાનો નિર્ણય લીધો હતો. રજિસ્ટ્રી દ્વારા જજો અને સચિવોને અપાયેલી માહિતી મુજબ જજ અને તેમના પરિવારના સભ્યો કોઇ પણ લિસ્ટેડ હોસ્પિટલ કે સુપ્રીમ કોર્ટ પરિસરમાં રસી લઇ શકે છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટના જજો અને તેમના પરિવારના સભ્યોને વેક્સીનેશન માટે કોવિશીલ્ડ અને કોવૈક્સીન એમ બંને વેક્સીનમાંથી પસંદગીની સવલત આપવામાં આવી છે. જોકે આ રસીકરણ સ્વાસ્થ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ રહેશે એટલે કે રસીની ફી ચૂકવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે સોમવારથી દેશવ્યાપી રસીકરણનો બીજો તબક્કો શરુ થયો જેમા સૌથી પહેલી વેક્સીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી. તેમણે દેશવાસીઓને વેક્સીન લગાવવા માટે અપીલ કરી હતી.